રાજ્યનો પ્રથમ ડી સેલીનેશન પ્લાન્ટ જોડિયામાં બનશે જેમાં રોજ 10 કરોડ લીટર દરિયાનું ખારુ પાણી બનશે મીઠુ

દરિયાના ખારા પાણીને મીઠું બનાવી પીવાલાયક બનાવવા માટેના રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતમાં જામનગર જિલ્લાના જોડીયા ખાતે સ્થપાશે. આ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં રોજ 10 કરોડ લીટર દરિયાના પાણીને મીઠું બનાવશે. મીઠા બનાવેલા પાણીને રાજકોટ, જામનગર શહેર સહિત જિલ્લાના ગામો તથા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને આપવામાં આવશે. આગામી 30 મહિનાના ગાળામાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થશે અને વર્ષ 2021-22થી પ્લાન્ટ કાર્યાન્વિત બની દૈનિક 10 કરોડ લીટર પાણી આપતો થઇ જશે.


આવી રીતે દરિયાનું ખારૂ પાણી બનશે મીઠું

જામનગર જિલ્લાના જોડીયા ખાતે 100 એમ.એલ.ડી. એટલે કે દૈનિક 10 કરોડ લીટર ક્ષમતાનો સી.વોટર ડી-સેલીનેશન પ્લાન્ટ બનશે. જેમાં દરિયાથી પ્લાન્ટ સુધીની કનેક્ટિંગ પાઇપલાઇન, પંપિંગ મશીનરી, 20 એમ.એલ. (2 કરોડ લીટર) ક્ષમતાનો આર.સી.સી. સંપ બનાવવામાં આવશે. ગુજરાતના દરિયાકિનારે પ્રાપ્ત પાણીની ખારાશ (ટી.ડી.એસ.) 35,000 પી.પી.એમ.થી લઇને 60,000 પી.પી.એમ. સુધીની છે. જેને મીઠું બનાવવા રીવર્સ ઓસ્મોસીસ પદ્ધતિની ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરિયાના ખારા પાણીને ઇન્ટેકમાંથી પાઇપલાઇન દ્વારા પ્લાન્ટ સુધી લવાશે. પાણીમાં તરતી અશુદ્ધિઓ દૂર કરવા ફિલ્ટરમાંથી પસાર કરાશે. પાણીની પી.એચ. વેલ્યુ જાળવવા માટે રાસાયણિક પ્રક્રિયા પણ કરવામાં આવશે. પાણીની ડહોળાશ અને ભારે અશુદ્ધિઓ દૂર કરવા સેટલમેન્ટ ટેન્કમાં રાખી સેન્ડ ફિલ્ટરમાંથી પસાર કરીને રિવર્સ ઓસ્મોસીસ મેબ્રેન (થીમ ફિલ્મ એસીટેટ મેમ્બ્રેન)માંથી 70 kg/cm2 દબાણે પસાર કરાશે. જેનાથી પાણીમાં ઓગળેલી તમામ ખારાશ દૂર થશે. આ રીતે ડી મીનરલાઇઝ થયેલા પાણીમાં મીનર લાઇઝેશન કરવા હેતુ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા વિવિધ પોષક તત્વો ઉમેરવામાં આવશે. જેથી પીવાલાયક 500થી ઓછા ટી.ડી.એસ.વાળું પાણી બનશે. જેને શુદ્ધ પાણીના ટાંકામાં ભેગું કરવામાં આવશે.

આગામી 30 મહિનામાં આ પ્લાન્ટ કાર્યાન્વીત થશે, રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લાને પાણી પૂરૂ પડાશે

શહેરી વિસ્તારોમાં પીવા માટે પૂરૂ પડાશે

આ શુદ્ધ થયેલું રોજનું 10 કરોડ લીટર પાણી મેળવીને જોડિયાથી પાઇપલાઇન દ્વારા હીરાપર ખાતે લાવવામાં આવશે. ત્યાંથી પ્રવર્તમાન પાણી પુરવઠા ગ્રીડના નેટવર્કથી રાજકોટ, જામનગર શહેર તેમજ બંને જિલ્લાના ગામો તેમજ મોરબી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને પાઇપલાઇન દ્વારા અપાશે. રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડમાં દૈનિક 10 કરોડ લીટર પાણીનો વધારો થતાં રાજકોટ, જામનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે પીવાના પાણી આરક્ષિત કરીને જળ સલામતીમાં વધારો કરી શકાશે.

700 કરોડના ખર્ચે પ્લાન્ટ તૈયાર થશે

રાજ્યના પાયલોટ પ્રોજેક્ટ તરીકે સ્થપાનાર આ પ્રોજેક્ટ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂા. 700 કરોડના ખર્ચે સ્થપાશે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે એસ્સલ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડ, મુંબઇ તથા એબીન્સા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડીયો એમ્બીયન્ટે સાથે સંયુક્ત કરાર આજે કર્યા હતા. પ્રોજેક્ટના સમગ્ર બાંધકામ અને આનુષાંગિક કામો માટેની નાણાંકીય જવાબદારી એજન્સીની હોય રાજ્ય સરકારને કોઇ વધારાનું નાણાંકીય ભારણ આવશે નહીં. આગામી 30 મહિનાના સમયગાળામાં જોડિયા ખાતે 100 એમ.એલ.ડી. પાણી આપતાં પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થશે અને વર્ષ 2021-22થી આ પ્લાન્ટ કાર્યાન્વિત થઇને રોજનું 10 કરોડ લીટર પાણી આપતો થશે. આ પ્રોજેક્ટમાં કન્સેશન પીરીયડ 25 વર્ષનો રાખવામાં આવ્યો હોય આગામી 25 વર્ષ સુધી ડી-સેલીનેશન પ્લાન્ટથી પીવાનું પાણી મેળવાશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો