પ્રસુતાના મોત પ્રકરણમાં આખરે તબીબ સામે પોલીસ ફરિયાદ થતાં કાપોદ્રાના દયાબેનના અંતિમ સંસ્કાર કરાયા, બે દિવસથી પરિવાર ધરણા પર હતો

લાલ દરવાજા વિસ્તારની અપૂર્વ હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના પ્રકરણમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા ડોક્ટર અને આસિસટન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા છેલ્લા બે દિવસથી ધરણા કરી ન્યાયની માંગ કરી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે પોલીસે ગુનો નોંધતા આજે(શુક્રવાર) સવારે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને અંતિમ વિધી કરી હતી.

નોર્મલ ડિલિવરીની વાતો કરી સિઝર કર્યું

પોલીસ ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે, કાપોદ્રા ખાતે આવેલી કમલપાર્ક સોસાયટીમાં દયાબેન મયુરભાઈ કેવડિયા (ઉ.વ.33) પરિવાર સાથે રહેતા હતા. ગર્ભવતી દયાબેનને ગત 24મીના રોજ પ્રસૂતિની પીડા થતા સવારે 11.30 કલાકે મહિધરપુરાની અપૂર્વ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, સાંજે 6 વાગ્યા સુધી ડોક્ટર શીલા શાહે નોર્મલ ડિલિવરી થશે એમ કહીં દાખલ રાખ્યા હતા. ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. લગભગ 5 મિનિટમાં જ સિઝર કરવું પડશે એમ કહીં ફોર્મ પર સહી કરાવી લીધી હતી. સિઝર બાદ બાળકીનો જન્મ થયો હતો.

મહાવીરમાં ખસેડતા મૃત જાહેર

બાળકીના જન્મ બાદ દયાબેનને ઓક્સિજન પર રાખવા પડશે હોવાનું કહીં બાજુની હોસ્પિટલમાં ખસેડવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ દયાબેનની તબિયત બાબતે કંઈ પણ કહ્યા વગર 10 બોટલ લોહી મંગાવી લીધું હતું અને કહ્યું હતું કે સિઝરમાં લોહી વધુ વહી ગયું છે. 1 કલાક બાદ મહાવીર હોસ્પિટલની એમ્બ્યુલન્સ આવીને ગંભીર હાલતમાં દયાબેનને ખસેડવાની તૈયારી શરૂ કરી દીધી હતી. હોસ્પિટલમાંથી નીચે ઉતારતા જ દયાબેનનું શરીર ઠંડુ પડી ગયું હોવાનું જણાયું હતું. ત્યારબાદ અન્ય ખાનગી હોસ્પિટલમાં દયાબેન પર પમ્પીંગ કરવાનું નાટક કરી મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

બાળકીની હાલત પણ નાજુક

ફરિયાદમાં વધુ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ડોક્ટરની બેદરકારીથી દયાબેનનું મોત થયું છે. ડોક્ટર શીલા મહિતા સામે સપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવવો જોઈએ. નવજાત બાળકી 3 કિલો અને 400 ગ્રામની છે. જોકે, તેને પણ ગંભીર ખેંચ આવી રહી છે. બાળકીને પણ ઓક્સિજન પેટીમાં રાખવામાં આવી છે.

પોલીસે પરિવારજનોની માંગ સ્વીકારી

છેલ્લા બે દિવસથી પરિવારજનો અને સમાજના લોકોના સ્મીમેર હોસ્પિટલ ખાતે ધરણા કરી રહ્યા હતા. તબીબની બેદરકારીને કારણે પ્રસૂતાનું મોત થયું હોવાના આક્ષેપ સાથે સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ પાસે ધરણા પર બેઠેલા સંબંધીઓએ પ્રસૂતાનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી ધરણા કરી રહ્યા હતા.ગત રોજ સ્મિમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે બેઠેલા મૃતક દયાબેનનાપરિવારજનો પાસે પોલીસના અધિકારીઓ, નેતાઓ અને સ્થાનિક અગ્રણીઓ દોડી ગયા હતાં અને મૃતદેહ સ્વીકારવા માટે સમજાવ્યું હતું પરંતુ પરિવારજનોની એક જ માંગ હતી કે જ્યાં સુધી અપૂર્વ હોસ્પિટલના તબીબો વિરુદ્ધ સંતોષકારક કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. ત્યારબાદ પોલીસ દ્વારા અપૂર્વ હોસ્પિટલના મહિલા ડોક્ટર શીલા શાહ અને મદદ કરનાર વિરુદ્ધ સપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ડોક્ટર વિરુદ્ધ ગુના નોંધાયા બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. અને આજે(શુક્રવાર) આઠ વાગ્યે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનો દ્વારા અશ્વીનીકુમાર સ્માશન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

48 કલાક બાદ ફરિયાદ દાખલ થતાં કમિશનરને રજૂઆત

પોલીસે 304 અંતર્ગત ગુનો નોંધતાં તબીબી આલમમાં રોષ જોવા મળ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે ઈન્ચાર્જ પોલીસ કમિશનરને ગુનો નોંધવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.તબીબોએ જણાવ્યું હતું કે, બનાવના 48 કલાક પછી ફરિયાદ નોંધવામાં આવી છે તે કોઈના દબાણ અંતર્ગત જ નોંધાઈ છે. જો આ જ રીતે તબીબો સામે ગુના નોંધાશે તો નોર્મલ કેસને પણ હાથમાં લેતા તબીબો ડરશે જે સરવાળે દર્દીના હિતમાં નથી. ઈન્ચાર્જ કમિશનરે તબીબોને ખાતરી આપતાં કહ્યું હતું કે, પેનિક થવાની જરૂર નથી. તબીબોએ પોલીસને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે કામ કરવા જણાવ્યું હતું. આ સમગ્ર કેસમાં કોનું દબાણ છે તે અંગે તબીબોએ કશું જ કહેવા ઈન્કાર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close