પિતાના નિધન બાદ દિકરીએ બદલ્યું માતાનું જીવન, કરાવ્યા બીજા લગ્ન!

ભારતીય સમાજમાં દરેક માતાપિતાનું સપનું હોય કે તે તેની પુત્રીના ધામધૂમથી લગ્ન કરે. પરંતુ દિકરી દ્વારા માતાના લગ્ન કરાવવા વિશે તમે કદાચ જ ક્યાંય સાંભળ્યું હશે. રાજસ્થાનમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિકરીએ પરિવાર અને સમાજની પરવાહ કર્યા વગર માતાના બીજીવાર લગ્ન કરાવ્યા. રાજસ્થાનમાં પુનઃવિવાહને યોગ્ય ગણવામાં આવતા નથી, પરંતુ તમામ પ્રકારના વિરોધ છતા આવું શક્ય બની શક્યું.

પતિના નિધન બાદ ડિપ્રેશનમાં હતી ગીતા

– મીડિયા અહેવાલો પ્રમાણે, સ્કૂલ ટીચર ગીતા અગ્રવાલના પતિ મુકેશ ગુપ્તાનું મે, 2016માં નિધન થયું હતું.
– ગીતાની પુત્રી સંહિતા નોકરી મામલે ગુડગાંવ આવી ગઈ હતી. સંહિતા બે બહેનો છે. મોટી બહેનના લગ્ન થઈ ગયા છે.
– તેવામાં પિતાના નિધન બાદ માત્ર સંહિતા જ તેની માતા સાથે રહેતી હતી, પરંતુ તે માર્ચ, 2017માં ગુડગાંવ આવી ગયા બાદ તેની માતા એકલી થઈ ગઈ હતી.
– પતિ મુકેશના નિધન બાદ ગીતા ડિપ્રેશનમાં રહેતી હતી. સંહિતા ગુડગાંવ જતી રહેતા તેની સ્થિતિ વધારે ગંભીર થઈ રહી હતી.

સંહિતાને કેવી રીતે આવ્યો વિચાર?

એક વેબ પોર્ટલના અહેવાલ અનુસાર, ગુડગાંવમાં સંહિતાને મનમાં તેની માતાનાં લગ્ન કરાવવાનો વિચાર આવ્યો. સંહિતાએ જણાવ્યું કે, ‘હું મારી મમ્મીને છોડીને બહાર રહેવા આવી ગઈ તેના માટે હંમેશા મારી જાતને દોષિત માનતી હતી. હું વિકેન્ડમાં ઘરે જતી રહેતી હતી, જેથી તે ઓછામાં ઓછી બે રાત માટે તો ખુશ રહી શકે. તેવામાં ગત વર્ષે ઓગસ્ટમાં મારી માતા માટે પાર્ટનર શોધવાનો નિર્ણય લીધો હતો. મેં મારી માતાની મંજૂરી વગર મેટ્રીમોનિયલ સાઈટ પર તેમની પ્રોફાઈલ બનાવી અને મારો મોબાઈલ નંબર નાખી દીધો. મેં તેમને સપ્ટેમ્બર મહિનામાં આ અંગે જાણકારી આપી હતી.

પુત્રીના વિચારથી માતા બની ગઈ હતી પાગલ જેવી

– ગીતાને આ બાબતને લઈને શંકા હતી, તેના અન્ય પરિવારજનો પણ પુનઃવિવાહની વિરુદ્ધમાં હતા.

– ગીતાએ કહ્યું કે, ‘સંહિતાના આ વિચાર પર હું પાગલ જેવી બની ગઈ હતી. અમારા રૂઢિવાદી કુટુંબમાં વિધવા વિવાહ અપમાનજનક માનવામાં આવે છે.’

– સંહિતા જણાવે છે કે, ‘પરિવારના એક સભ્યએ તેમને સપોર્ટ કર્યો નહોતો, પરંતુ તે આ બાબતને લઈને સંપૂર્ણ રીતે સહમત હતી.

કેવી રીતે થઈ કેજી.ગુપ્તા અને ગીતાની મુલાકાત

– સંહિતા અનુસાર, ઓક્ટોબર 2017માં 55 વર્ષીય કૃષ્ણ ગોપાલ ગુપ્તાનો તેના પર એક કોલ આવ્યો.
– તે બાંસવાડામાં રેવેન્યૂ  ઇન્સ્પેક્ટર છે. તેમની પત્નીનું પણ કેન્સરના કારણે વર્ષ 2010માં નિધન થઈ ગયું હતું. તેમને બે દિકરા છે.
– તેમણે જણાવ્યું કે, પત્નીના નિધન બાદ તેમણે પોતાની જાતને બેડમિન્ટન રમવા તરફ વાળી દીધી હતી.
– પરંતુ વધતી જતી ઉંમરના કારણે ફિટનેસની મૂશ્કેલીઓ પડવા લાગી હતી.
– મિત્રોએ બીજા લગ્ન કરવાની સલાહ આપી અને મેટ્રોમોનિયલ સાઈટ પર એકાઉન્ટ પણ બનાવી આપ્યું હતું.
– નવેમ્બરમાં ગીતાને સર્જરી કરાવવી પડી હતી. તે સમયે કેજી. ગુપ્તા જયપુરમાં સતત ત્રણ દિવસ સુધી તેમની સાથે રહ્યા હતા.
– બન્ને વચ્ચેની સમજણ ડેવલપ થવાનું પરિણામ જ હતું કે ગીતા અને કેજી. ગુપ્તા ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો