12 વર્ષ પહેલા આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા છતાં વડોદરાના શાહબંધુઓએ 5,000 દાન કર્યા હતા, જેનું કોરોનાકાળમાં કલ્પના પણ ના થઈ શકે તે રીતે ફળ મળ્યું

‘જેવું કરો તેવું ભરો…’ કર્મનો આ સિદ્ધાંત માત્ર ચાર શબ્દોમાં આખી જિંદગીનો સાર સમજાવી જાય છે. માનો કે ના માનો, પરંતુ વડોદરામાં કોરોનાનો ભોગ બનેલા શાહ બંધુઓએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય કે 12 વર્ષ પહેલા તેમણે કરેલું એક દાન કદાચ આ મહામારીમાં તેમનો જીવ બચાવવાનું નિમિત બની જશે. આ વાતના સાક્ષી શાહ બંધુઓની સારવાર કરનારા ડૉ. ભાવેશ પટેલ છે, જેમને આજથી 12 વર્ષ પહેલા 5 હજાર રુપિયા આપી શાહબંધુઓએ કોઈ જરુરિયાતમંદની મદદ કરવા માટે કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ સમગ્ર ઘટના કંઈક એવી છે કે, વડોદરામાં રહેતા રાજેશ શાહ અને શેખર શાહ (નામ બદલ્યા છે)ને તાજેતરમાં જ કોરોના થયો હતો. જેમાં રાજેશ શાહની તબિયત વધુ ખરાબ થઈ જતાં તેમને રેમડેસિવિયર ઈન્જેક્શનની જરુર પડી હતી. ઈન્જેક્શનો ક્યાંય ઉપલબ્ધ નહોતા તેવામાં તેની વ્યવસ્થા કઈ રીતે કરવી તેની ચિંતા શાહ પરિવારને સતાવી રહી હતી.

તે જ વખતે તેમની સારવાર જે ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી ત્યાં આવીને એક મહિલા રેમડેસિવિયરના ત્રણ ઈન્જેક્શન આપી ગઈ. શાહબંધુ તો આ મહિલાને ઓળખતા પણ નહોતા. જોકે, તેમણે આપેલા ઈન્જેક્શનથી રાજેશ શાહનો જીવ બચી ગયો, અને હાલ તેઓ રિકવર થઈ રહ્યા છે.

શાહબંધુઓની સારવાર કરનારા ડૉ. ભાવેશ પટેલના જણાવ્યા અનુસાર, કોઈએ કલ્પના પણ નહોતી કરી તે રીતે રાજેશ શાહને હોસ્પિટલમાં બેઠા-બેઠા જ રેમડેસિવિયર ઈન્જેક્શન મળી ગયા હતા. આજથી 12 વર્ષ પહેલાની એક ઘટનાને યાદ કરતાં નિઝામપુરામાં ક્લિનિક ધરાવતા ડૉ. ભાવેશ પટેલે જણાવ્યું હતું કે કદાચ શાહબંધુઓએ કરેલા સારા કર્મોને કારણે જ આમ શક્ય બન્યું છે.

ડૉ. પટેલને ત્યાં એક ફિઝિયોથેરાપિસ્ટ કોરોનાની ટ્રીટમેન્ટ લઈ રહ્યાં હતાં. રાજેશ શાહને જે દિવસે રેમડેસિવિયરની જરુર પડી તે જ દિવસે આ ફિઝિયોથેરાપિસ્ટ ઈન્જેક્શન ડોનેટ કરી ગયાં હતાં. ખરેખર તો આ ઈન્જેક્શન તેમણે પોતાના કોરોનાગ્રસ્ત સસરા માટે મગાવ્યા હતા. પરંતુ તેમનું ટ્રીટમેન્ટ દરમિયાન મોત થતાં ત્રણ ઈન્જેક્શન વપરાયા વિનાના રહી ગયા હતા.

ફિઝિયોથેરાપિસ્ટ અને તેમના પિતા કોરોનામાંથી સાજાં થઈ જતાં તેમણે પોતાની પાસે રહેલા ત્રણ ઈન્જેક્શનને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. જેના માટે તેમણે પોતાની ટ્રીટમેન્ટ કરનારા ડૉ. પટેલનો સંપર્ક કર્યો હતો. એક તરફ આ ઈન્જેક્શનના કેટલાક લોકો કાળાબજાર કરી રહ્યા છે, ત્યારે આ ફિઝિયોથેરાપિસ્ટે એક પણ રુપિયો લીધા વિના તેના ત્રણ ડોઝ રાજેશભાઈ માટે આપી દીધા હતા.

ડૉ. પટેલે જણાવ્યું હતું કે, શાહબંધુઓ અટલાદરામાં રહે છે. તેમના પિતાની આજથી 12 વર્ષ પહેલા ટીબીની સારવાર તેઓ જ કરી રહ્યા હતા. જ્યારે શાહબંધુઓના પિતાનું અવસાન થયું ત્યારે શેખર શાહ ડૉ. પટેલને મળવા આવ્યા અને તેમના હાથમાં તેમણે 5 હજાર રુપિયા મૂકી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ અંતિમવિધિમાં ખર્ચો કરવા નથી ઈચ્છતા. તેના બદલે જો આ રુપિયાથી કોઈ ગરીબ દર્દીની મદદ થતી હોય તો વધારે સારું.

રાજેશ અને શેખર પોતે એક ફેક્ટરીમાં કામ કરતા હતા, અને તેમની નાણાંકીય સ્થિતિ એટલી સારી ના હોવા છતાંય તેમણે 12 વર્ષ પહેલા નાના માણસ માટે મોટી કહી શકાય તેવી પાંચ હજાર રુપિયા જેટલી રકમ દાન કરતાં ડૉ. પટેલ પણ નવાઈ પામ્યા હતા. આજે જ્યારે એ જ શાહબંધુને પોતાના પરિવારના સભ્યને બચાવવા માટે મદદની જરુર હતી ત્યારે કદાચ ઉપરવાળાએ પણ તેમને જરાય રાહ જોવડાવ્યા વિના કોઈ કલ્પના પણ ના કરી શકે તે રીતે મદદ પહોંચાડી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો