સુરતનું સેવાભાવી યુગલ ગરીબ લોકોની વ્હારે આવ્યું: 22 દિવસથી લોકડાઉનમાં દરરોજ 500 શ્રમિકોને ભોજન પૂરું પાડે છે

કોરોના વાયરસે સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે, રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણની વિકટ પરિસ્થિતિમાં ગરીબવર્ગની વ્હારે આવી માનવતા મહેકાવતાં સેવામૂર્તિ સજ્જનો સામે આપણું મસ્તક આદરથી ઝૂકી જાય છે. આવા જ એક સેવાના સંસ્કારથી સમાજને દિશા ચીંધતા સુરતના જયાણી દંપતિનું સેવાકાર્ય જોઇને તેમના પ્રત્યે સન્માનની લાગણી જન્મ્યા વિના ન રહે. સુરતના સરથાણા જકાતનાકા પાસે માનસરોવર સોસાયટીમાં રહેતા અને પરફ્યુમના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઈ જયાણી અને તેમના ધર્મપત્ની સ્વાતિબેન દ્વારા છેલ્લા 22 દિવસથી શ્રમજીવી, કામદારો માટે દરરોજ ભોજન બનાવી વિવિઘ સંસ્થાઓનાં માધ્યમથી તેમના સુધી ભોજન પહોંચાડી રહ્યા છે. નિ:સ્વાર્થપણે આદરેલા આ સેવાયજ્ઞમાં ભોજન બનાવવા અને શાકભાજીની વ્યવસ્થા કરવા જેવા કાર્યોને પતિ પત્ની બન્ને એકલાં જ પહોંચી વળે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વડાપ્રધાને લોકડાઉન જાહેર કર્યું ત્યારે પ્રકાશભાઈએ સંકલ્પ કર્યો કે, કોરોનાની આફતના વાદળો દેશ પર મંડરાઈ રહ્યા છે, ત્યારે દેશસેવા કરવાની આ ઉત્તમ તક છે. આપણા જેવા સમૃદ્ધ પરિવાર લોકડાઉનની પરિસ્થિતિમાં ટકી શકશે, પરંતુ રોજમદાર મજૂરો અને ગરીબ શ્રમિકોનું શું? એવી ભાવના સાથે આપણાથી ઘરે બેસીને જે પણ સેવા થઈ શકે તે સેવા કરવી છે અને દેશનું ઋણ અદા કરવું છે એવો સંકલ્પ કર્યો. સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં છૂટક મજૂરી કરતા રોજમદાર મજૂરોની રોજગારી બંધ થઇ જતાં તેમની હાલત સૌથી કફોડી હોવાનું ધ્યાને આવતાં પ્રકાશભાઈએ શક્ય તેટલા ગરીબ મજૂરોને દરરોજ જમાડવાનો નિશ્ચય કર્યો. આ વાત તેમના પત્ની સ્વાતિબેને પતિ પાસેથી જાણી તો તેમણે ‘હું પણ તમારી સાથે રહીશ, અને તમે કહેશો એટલી રસોઈ બનાવી દઈશ’ એવી તત્પરતાથી પતિની સાથે જોડાઈ ગયા.

આવા કપરા સમયે આપણાથી જેટલી થાય એટલી સેવા કરવી એવો નિશ્ચય કરીને પતિપત્નીએ સ્વખર્ચે સુરત શહેરના સરથાણા વિસ્તારની માનસરોવર સોસાયટીની વાડીમાં ભોજન બનાવવાનું શરૂ કર્યું. 500 થી વધુ લોકોનું ભોજન પતિ-પત્ની જ તૈયાર કરે છે, સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે તેઓ અન્ય કોઈ ત્રીજી વ્યક્તિની પણ મદદ નથી લેતા. સવારથી કામમાં લાગી જાય અને રોજ સાંજે લગભગ 500 થી 700 માણસોનું ભોજન તૈયાર કરે છે. ભોજન તૈયાર થાય એટલે કેટલીક સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો આવીને લઇ જાય છે અને ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા મજૂરો સુધી પહોંચાડી દે છે.

કોરોના આપત્તિના સમયમાં ગરીબવર્ગની મદદ માટે હાથ લંબાવવાનો આ સૌથી ઉત્તમ સમય છે એવા વિચારે એમને આ સેવાયજ્ઞ શરૂ કરવા પ્રેરિત કર્યા હતા. તેમનું સેવાકાર્ય જોઈ ઘણાં પરિચિતો પણ મદદ માટે આગળ આવ્યા છે.

21 દિવસના લોકડાઉન બાદ વડાપ્રધાન દ્વારા વધુ 19 દિવસના લોકડાઉનની જાહેરાત કરાઈ છે, ત્યારે આ દંપતિએ હજુ જ્યાં સુધી લોકડાઉન અમલમાં હશે ત્યાં સુધી શ્રમિકો માટે જાતે ભોજન બનાવીને પૂરું પાડવાનો નિશ્ચય કર્યો છે. સુરતના મેયર ડો. જગદીશ પટેલ અને ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ રૂબરૂ મુલાકાત લઇ અનોખી સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી. મેયરે તેમનું સત્કાર્ય જોઈ કહ્યું કે, ‘જેવી મને જાણકારી મળી કે માત્ર પતિ પત્ની એમ બે જ વ્યક્તિ સતત 22 દિવસથી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે, તો તુરંત નક્કી કર્યું કે બીજા કામ પડતા મૂકીને મારે પહેલા એમને જ મળવું છે.’

સેવાભાવી જયાણી યુગલનો મોટા ભાગનો સમય શ્રમિકો માટે ભોજન બનાવવામાં જ પસાર થાય છે. પ્રકાશભાઈ જેવા કંઈ કેટલાય સેવામૂર્તિ સજ્જનોને જોઈને સહજપણે લાગણી થાય કે ‘માનવતા હજુ મરી પરવારી નથી’.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો