અમદાવાદની ચોંકાવનારી ઘટના, પરિવારના 11 સભ્યોને થયો કોરોના પરંતુ ત્રણ બાળકો આબાદ બચી ગયા. જોકે, હવે બાળકો પર પણ છે જોખમ.

માંડ એક વર્ષના ઝાઈદને માતા કુલસુમને વળગીને રમતો જોઈ પહેલી ક્ષણે તો કોઈને પણ નવાઈ ના લાગે. જોકે, જ્યારે કોઈને એ ખબર પડે કે કુલસુમને કોરોનાનો ચેપ લાગ્યો છે, જ્યારે ઝાઈદ તેનાથી બચી ગયો છે. પોતાની માતાની આટલી નજીક રહેવાથી તેને પણ આ વાયરસનો ચેપ લાગવાની પૂરી શક્યતા છે. આ ખતરનાક વાયરસ એક વર્ષના ઝાાઈદ માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે, પરંતુ તેમ છતાંય તેની માતા તેને પોતાની સાથે રાખવા મજબૂર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

દેરાણી-જેઠાણી સહિત પરિવારના 11 સભ્યોને કોરોના

દિવસ દરમિયાન કુલસુમની દેરાણી સાજિદા ઝાઈદની સંભાળ રાખે છે. તેને જમવાનું આપે છે, અને તેની સાથે રમે પણ છે. ઝાઈદને બીજી પણ ત્રણ બહેનો છે. તેની સૌથી મોટી બહેન અલિના 13 વર્ષની છે, તેને પણ આ વાયરસનો ચેપ નથી લાગ્યો. જોકે, તેની બીજી બે બહેનો અલવિના (ઉં. 10 વર્ષ) અને ઝૈનાબ (ઉં. 7 વર્ષ) કોરોનાથી નથી બચી શકી. સાજિદાના બે બાળકો સાદબ (ઉં. 5 વર્ષ) અને ઈનાયા (ઉં. દોઢ વર્ષ)ને પણ કોરોનાનો ચેપ નથી લાગ્યો.

કુલસુમ, તેની દેરાણી સાજિદા સહિત તેના પરિવારના આઠ સભ્યોનો 14 એપ્રિલે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, આ કપરાં સમયે પણ કુલસુમ અને સાજિદા પોતાના ચાર બાળકોની કોઈની મદદ વિના સંભાળ રાખવાની સાથે કોરોના સામે લડી રહ્યાં છે.

કુલસુમ અને તેની દેરાણી સાજિદા સહિત તેમના પરિવારમાં કુલ 15 લોકો છે. કુલસુમના પતિ ઈમરાનનું કહેવું છે કે, 11 એપ્રિલે તેની માતા શાદેરાબાનુ શેખનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. દાણીલીમડામાં રહેતા આ પરિવારના બાકીના 14 લોકોને કોર્પોરેશને નિકોલ સ્થિત ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં ખસેડ્યા હતા. 13 એપ્રિલે તેમના પણ સેમ્પલ લેવાયા હતા, અને 14મીએ તેનો રિપોર્ટ આવી ગયો હતો.

બાળકોનો રિપોર્ટ નેગેટિવ, છતાં હોસ્પિટલમાં રહેવા મજબૂર

શેખ પરિવારના જે 14 લોકોના સેમ્પલ લેવાયા હતા તેમાંથી 10ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ દરમિયાન બાળકો પણ તેમની સાથે જ હતા, પરંતુ તેમના રિપોર્ટ નેગેટિવ હતા. આ પરિવારને એ જ ચિંતા હતી કે જે બાળકોને કોરોનાનો ચેપ નથી લાગ્યો, તેમની સંભાળ કોણ રાખશે? નિકોલના સેન્ટરમાંથી તેમને સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં ડોક્ટરોએ બાળકોને સાથે રાખવા પર વાંધો લીધો હતો, પરંતુ આ પરિવાર પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો.

ઈમરાન, તેના પિતા અસલમ અને ભાઈ આસિફ તેમજ પિતરાઈ જાવેદને સી-4 વોર્ડમાં દાખલ કરાયા છે, જ્યારે જે બે બાળકીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે અલવિના ને ઝૈનાબ બી-4 વોર્ડમાં તેમની માતા સાથે જ રહે છે.

કુલસુમ જણાવે છે કે ઝાઈદને પોતાની પાસે રાખવામાં જોખમ છે તેવું તે પોતે પણ જાણે છે. પરંતુ તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ઝાઈદ તેની પાસે જ સૂએ છે, દૂધ પીએ છે અને ન્હાય પણ છે. કુલસુમ હંમેશા માસ્ક પહેરી રાખે છે, પરંતુ તેની પાસે હાથમોજાં નથી. ઝાઈદને અડકવાનું થાય ત્યારે કુલસુમ હાથ ધૂએ છે, પરંતુ તેનાથી વિશેષ તે બીજું કંઈ કરી શકે તેમ નથી.

સિવિલ હોસ્પિટલમાં સારી સારવાર મળતી હોવાનું જણાવતા કુલસુમના પતિ ઈમરાનનું કહેવું છે કે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ તેમની ખૂબ સંભાળ રાખે છે, પરંતુ જો બાળકોને રાખવાની કોઈ વ્યવસ્થા થઈ જાય તો તેમના માથા પરથી બોજ હળવો થઈ જશે.

અમારા સાથી અખબાર અમદાવાદ મિરરે જ્યારે આ અંગે જિલ્લા કલેક્ટર કેકે નિરાલા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આ ઘણી ગંભીર બાબત છે, અને હોસ્પિટલમાં બાળકોને અલગ રાખવાની વ્યવસ્થા હોવી જ જોઈએ. સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે વાત કરી તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને આ કેસ અંગે જાણ નહોતી, પરંતુ હવે તેમણે હોસ્પિટલમાં બાળકો માટે કેર સેન્ટર ઉભું કરવા તૈયારી દર્શાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો