નવસારી સિવિલમાં ફરજ બજાવતી 28 વર્ષીય નર્સનો ફાંસો ખાઈ આપઘાત, ડ્યૂટી પર ત્રાસ અપાતો હોવાનો પરિવારનો આક્ષેપ

કોરોના વોરિયર્સ તરીકે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરમાં પોતાના ઘરે જ ફાંસો ખાઈને 28 વર્ષીય નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પાંચ પાનાંની સુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી છે. પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડ્યૂટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા છે, સાથે જ દીકરીને આપઘાત કરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનો પરિવારે નિર્ણય કર્યો છે. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે રાખવામાં આવ્યો છે. સમગ્ર આપઘાત પ્રકરણમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

​​​​​​​
વિજલપોર શહેરમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય નર્સે પોતાના ઘરે જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક નર્સ નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી હતી. આચાર્ય મેઘા રાજેન્દ્રભાઈ નવસારી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતી હતી. એ દરમિયાન તેણે અગમ્ય કારણોસર ઘરમાં 5 પાનાંની સુસાઈડ નોટ લખી મોડી રાતે આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતાં વિજલપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે.

નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ નર્સ આચાર્ય મેઘા રાજેન્દ્રભાઈના પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ડ્યૂટી દરમિયાન મેઘાને સતત ત્રાસ આપવામાં આવતો હતો, જેને પગલે આ દીકરીને આત્મહત્યા કરવી પડી છે. આ આપઘાત માટે જ્યાં સુધી જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહીં.

નવસારી સિવિલ હોસ્પિટલના ડો. શાહે જણાવ્યું હતું કે, મેઘા બહેન બહુ સારૂં કામ કરતાં હતાં. તેમના અપમૃત્યુની પોલીસ તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં કોઈ દબાણ હતું નહીં. નર્સ અને સ્ટાફ તથા ડોક્ટર પણ કોરોના કામગીરીમાં જોડાયેલા છે. ડ્યુટી બધાની બદલાતી રહેતી. રોટેશન પ્રમાણે વીકઓફ પણ મળે છે. દર્દીઓની સંખ્યા ઘટતા હવે કોવિડથી નોન કોવિડની પણ કામગીરી ચાલી રહી છે. પરિવારના આક્ષેપો છે તેની પોલીસ તપાસ કરી રહી છે. અમારા સ્ટાફમાં સુમેળ હતો. તેમના કોઈ ડોક્ટર વિષે અંગત સંબંધો હોવાનો પણ ડોક્ટર શાહે ઈન્કાર કર્યો હતો.

નવસારી સિવિલ હાેસ્પિટલના કાેરાેના વાર્ડમાં ફરજ બજાવતી નર્સ ગત આેગસ્ટમાં સંક્રમિત થઇ હતી. પરંતુ કાેરાેનાને માત આપી ફરી ફરજ પર હાજર થઇ ગઈ હતી. પરંતુ તબિયત નાદુરસ્ત જણાતા ફરી સારવાર માટે રજા માંગી હતી.પરંતુ કાેરાેના વાેરિયર્સની હિંમતને બીરદાવી સહયોગ આપવાના બદલે રજા નહીં આપી ત્રાસ અપાતા કંટાળેલી નર્સે ઘરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તંત્રની નિર્દયી નીતિ સામે ફિટકાર વરસી રહ્યાે છે.પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ નવસારી સિવિલ હોસ્પિટલમાં મેઘાબેન અંકિત ખંભાતી (ઉ.વ.27, રહે. મુનલાઈટ એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી, વિજલપોર) નર્સ તરીકે 4 વર્ષથી ફરજ બજાવતી હતી. તેણી ગત આેગસ્ટમાં કાેરાેના દર્દીઆેની સારવાર કરતા કરતા ખૂદ સંક્રમિત થઇ હતી.

પરંતુ કાેરાેનાને માત આપી ફરી ફરજ પર હાજર થઇ હતી તેમ છતાં તેણીની તબિયત નાદુરસ્ત રહેતી હાેય તબીબને બતાવવા માટે રજા માંગતી હતી પરંતુ ઉપરી નર્સ દ્વારા રજા બાબતે હેરાન કરી જાહેરમાં અપમાનિત કરતી હોય જેના કારણે તેણી હતાશામાં હતી. 22મી ઓકટોબરે રાત્રિના 12થી ૩ વાગ્યાનાં સમયગાળા દરમિયાન પોતાના બેડરૂમમાં પંખા સાથે સફેદ રંગની ઓઢણી વડે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ મળસ્કે તેમની માતાને થઈ હતી. આ બાબતે વિજલપોર પોલીસને જાણ કરી હતી. મળસ્કે 5 વાગ્યાનાં સમયે વિજલપોર પોલીસ ઘટનાસ્થળે જઈને મૃતદેહનો કબજો લઈ પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. તેણીએ લખેલી 5 પાનાની સ્યુસાઈડ નોટ પણ કબજે કરી હતી. સિવિલ હોસ્પિટલમાં તેણીની લાશને લવાતા ત્યાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ભેગો થઈ ગયો હતો. આ બાબતે મૃતકની મોટી બહેન તન્વીકા હિરેનકુમાર ગીરધર હિગળાજીયા (રહે. કબીલપોર)એ માત્ર અરજી આપી હતી અને તમામ વિધિ થયા બાદ સ્યુસાઈડ નોટમાં માનસિક ત્રાસ આપનારનાં નામ લખ્યા છે તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં કાઈ પણ માહિતી માટે સિવિલ સર્જનનો સંપર્ક કરવાનો હોય અને ડો. અવિનાશ દુબે ચાર્જમાં હોય તેઓ દર વખતે જવાબ આપવાનું ટાળતા હોય છે. સિવિલની નર્સના આપઘાત બાબતે અને સ્યુસાઈડ નોટમાં ઉપરી અધિકારીના નામ લખ્યા હતા એ બાબતે ડો.દુબેને પૂછતા તેઓ મીડિયાથી બચી પોતાની કારમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

મેઘાનાં સોશિયલ મીડિયાનાં ડીપી પર સુશાંતસિંહ અને ધાેનીની તસવીર
હાલમાં બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા એ તેના પ્રશંસકોમાં એક આઘાતજનક બનાવ હતો. મૃતક મેઘાના સોશિયલ મીડિયામાં સુશાંતસિંહ અને ધોનીનો ફોટો પ્રોફાઈલ ડીપીમાં મુક્યો હતો અને અન્ય કલાકારોમાં આદિત્ય નારાયણ અને હિરોઈનમાં દીપિકા પાદુકોણના ઘણા ફોટા જોવા મળ્યા હતા.

મળસ્કે પુત્રીની આત્મહત્યા બાદ તેણીની સ્યુસાઈડ નોટ વાંચ્યા બાદ માતાએ પોલીસને જાણ કરી હતી,પણ સ્યુસાઈડ નોટમાં જેમના નામ માનસિક ત્રાસ માટે લખ્યા છે. તેમની ઉપર કાર્યવાહી બાદ જ લાશનો કબજો લેશે તેમ જણાવી લાશ લેવાનો ઇનકાર કર્યો હતો. વિજલપોરના સિનિયર પીએસઆઈ શૈલેષગીરી ગૌસ્વામીએ મૃતકની માતાને સમજાવી હતી અને કોર્ટના ચૂકાદા બાબતે જણાવ્યા બાદ લાશનો કબજો લેવાની હા પાડી હતી.

માતાની સેવા અને લગ્નજીવનની જવાબદારી સાથે 4 વર્ષ ફરજ બજાવી
મેઘા આચાર્યએ જીવનની બીજી ઇનિંગ નોકરીની શરૂઆત સિવિલ હોસ્પિટલમાં કરી હતી અને નવસારીની સિવિલ હોસ્પિટલમાં 4 વર્ષ ફરજ બજાવી હતી. માતાની સેવા કરવા માટે પહેલા સિવિલ હોસ્પિટલની નોકરી અને બીજા ક્રમે પોતાનું અંગત લગ્ન જીવન રાખ્યું તે જ હોસ્પિટલમાં તેણીના મૃતદેહનું પીએમ થયું હતું.

મૃતક મેઘા આચાર્ય 29-8-2016ના રોજ સિવિલ હોસ્પિટલમાં હંગામી નર્સ તરીકે જોડાઈ હતી અને એક વર્ષ બાદ કાયમી થનાર હતી. વર્ષ-2018માં તેના લગ્ન ધરમપુરમાં રહેતા અંકિત ચંપક ખંભાતી સાથે થયા હતા પણ કૌટુંબિક કારણસર છેલ્લા 7 માસથી અલગ રહેતા હતા. નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરી તેની માતા મીનાક્ષીબેન સાથે વિજલપોરમાં રહેતી હતી. મેઘા કોરોના વોરિયર્સ તરીકે ઘણી જગ્યાએ સન્માનિત થઈ હતી. અને તે લેખન-વાંચનની પ્રવૃતિ સાથે પણ સંકળાયેલા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો