ગુજરાતમાં નવા 34 કેસ સાથે રાજ્યમાં કુલ આંકડો 572 થયો, અમદાવાદના હોટસ્પોટમાં 25 કેસ નોંધાયા, આજે 7 લોકો સાજા થયા

રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે.અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના20 જિલ્લાને ઝપટમાં લીધા છે. સવારના 10 વાગ્યા બાદ સામે આવેલા 34 નવા કેસમાં અમદાવાદના હોટસ્પોટ વિસ્તારમાં 25, ભરૂચ-3, વડોદરા-5 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે વધુ 7 દર્દી સાજા થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 56 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ-38, વડોદરા-6, સુરત-5, બનાસકાંઠા-2, ભરૂચ-3, પંચમહાલ-1,આણંદ-1 પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે.

લોકડાઉનનું ઉલ્લંઘન કરવા લોકો છેતરપિંડી કરે છેઃ રાજ્ય પોલીસ વડા

રાજ્યમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકાડાઉનનું પાલન ન કરવા માટે લોકો છેતરપિંડી કરી રહ્યાં છે. બે લોકોએ નકલી પાસ બનાવ્યા હતા. જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હોટસ્પોટ અને ક્લસ્ટર ક્વૉરન્ટીન વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે. ડ્રોનથી અને સીસીટીવીથી મોનિટરિંગ ન થઇ શકે તેવા વિસ્તારોમાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રેન્ડમલી સીસીટીવીનું ચેકિંગ કરાશે. સીસીટીવીમાં લોકડાઉનનો ભંગ દેખાશે તો ગુનો દાખલ થશે.

શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં

લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં આવતા શૈક્ષણિક વર્ષમાં એકપણ શાળા પોતાની ફીમાં વધારો કરી શકશે નહીં. તેમજ લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલીજૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે.

લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લોકડાઉન અંગે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાતમાં લોકડાઉન લંબાવાશે કે નહીં તે અંગે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે.તેમજ ગૃહ રાજ્યમંત્રીએ ચીમકી આપતા કહ્યું કે આરોગ્ય વિભાગ અને પોલીસ સાથે ઘર્ષણ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.આરોગ્ય વિભાગના કારણે સંક્રમણને રોકી રહ્યાં છીએ અને પોલીસ દિવસ રાત કામ કરે છે.

છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા

કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ સવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 13 અમદાવાદમાં, સુરતમાં 5, બનાસકાંઠામાં 2 અને આણંદ-વડોદરામાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 538 પોઝિટિવ કેસ થયા છે. બે દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 26 થયો છે. જ્યારે 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 45 પોઝિટિવ,1945 નેગેટિવ આવ્યા છે. જ્યારે 273 ટેસ્ટ પેન્ડિંગ છે.

આજથી માસ્ક ફરજીયાત

આજથી અમદાવાદ, રાજકોટ સહિત વડોદરામાં માસ્ક પહેરવું ફરજિયાત છે. જો માસ્ક નહીં પહેરો તો 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવમાં આવશે અને દંડ નહીં ભરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં 572પોઝિટિવ કેસ, 26મોત અને 54ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 320 13 11
વડોદરા 107 03 07
સુરત 33 04 07
ભાવનગર 23 02 05
રાજકોટ 18 00 08
ગાંધીનગર 15 01 08
પાટણ 14 01 04
આણંદ 09 00 00
ભરૂચ 11 00 00
કચ્છ 04 00 00
પોરબંદર 03 00 03
છોટાઉદેપુર 03 00 00
ગીર-સોમનાથ 02 00 01
મહેસાણા 02 00 00
બનાસકાંઠા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 02 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ  572 26 54

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો