ઈટાલીમાં કોરોનાનો હાહાકાર; 24 કલાકમાં 627 મોત, સ્પેનમાં 212 લોકોના મોત, વિશ્વમાં મૃત્યુઆંક 11,000 પાર થઈ
વિશ્વના ૧૮૨ દેશો શુક્રવાર સાંજ સુધીમાં કોરોનાના ભરડામાં આવી ગયા છે અને ૧૧,૧૯૩ લોકોનો ભોગ લીધો છે. આખા વિશ્વમાં ૨,૬૭,૯૨૦ લોકો કોરોના સંક્રમિત છે, જ્યારે ૯૦,૬૦૩ લોકોને સાજા કરાયા છે. ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 627 મોત થતા કુલ મૃત્યુઆંત 4,000 પાર થઈ 4,032 થયો છે. ઈરાનમાં વધુ 149 લોકોના મોત થયા છે. સ્પેનમાં પણ છેલ્લા 24 કલાકમાં વધુ 212 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,000 પાર 1,043 થઈ ગયો છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની સંખ્યા 500થી ઉપર થઈ ગઈ છે.
ઇટાલીમાં સ્થિતિ બેકાબૂ : મહત્ત્વનાં શહેરો વેરાન બની ગયા
યુરોપના ઇટાલીમાં સ્થિતિ બેકાબૂ અને વિસ્ફોટક બની ગઈ છે. ઇટાલીમાં મોતનો આંકડો ૪,૦૩૨ થયો છે જે ચીન કરતાં વધારે છે. ચીનનો મૃત્યુઆંક ૩,૨૪૮ થયો છે. ઇટાલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૨૭ લોકો કોરોનાના ભોગ બન્યા છે. બેરગામો નામના શહેરમાં જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગ ખડકાયા છે. મૃતદેહોને દફનાવવા આર્મીની મદદ લેવાઈ છે. રસ્તાઓ પર સૈનિકો તહેનાત કરવા છતાં મોતનો માતમ ઘટયો નથી. ઇટાલીના મહત્ત્વનાં શહેરો વેરાન લાગી રહ્યાં છે. લાશોના તાબુતથી બે હોસ્પિટલો ખીચોખીચ ભરાઈ ગઈ છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવતા ૪ કરોડ લોકોને ઘરમાં પુરાઈ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. અમેરિકામાં ૧૮ વધુનાં મોતથી મૃતાંક ૨૨૫ થયો છે, જ્યારે ૨,૭૨૮ વધુ લોકોને ચેપ લાગ્યો છે. અમેરિકાએ જરૂર પડે ત્યાં મદદ માટે આર્મીને ઉતારવાની તૈયારી કરી છે.
અમેરિકામાં મૃત્યુઆંક વધીને ૨૨૫ને પાર થયો છે. ૧૬,૫૧૭થી વધુ લોકોને સંક્રમણ થયું છે. ન્યૂ જર્સીમાં એક જ પરિવારના ૪ લોકોના કોરોનાનાં કારણે મોત થયાં છે, જ્યારે પરિવારના અન્ય ૩ સભ્યો લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. મેડિકલ સાધનોની અછતની ફરિયાદને કારણે ટ્રમ્પે તમામ રાજ્યોમાં મેડિકલ સામગ્રી તત્કાળ પહોંચાડવા આદેશ આપ્યો છે.
ટ્રમ્પે મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાથી કોરોનાની સારવારના પ્રયોગો કરવા છૂટ આપી છે. બીજી તરફ કોરોના વાઇરસને ચીન દ્વારા છુપાવવામાં આવતા આખંુ વિશ્વ આજે તેના ભરડામાં ફસાયું હોવાના ચીન પર આક્ષેપો કર્યા છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે ય્-૭ની સમિટમાં વ્યક્તિગત હાજર રહેવાનું મુલત્વી રાખ્યું છે.
હવે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમિટ યોજાશે. અમેરિકામાં જાપાનની કાર ઉત્પાદક કંપનીઓ ટોયોટા, નિસાન અને હોન્ડાએ ઉત્પાદન બંધ કર્યું છે. ટોયોટાએ ૩ એપ્રિલ, નિસાને ૬ એપ્રિલ અને હોન્ડાએ ૨૯ માર્ચ સુધી પ્લાન્ટ બંધ રાખ્યા છે. સેનેટના નેતા મિચ મેક્કોલેન દ્વારા ગ્રાહકો, કંપનીઓ અને સ્થાનિક સરકારો માટે જંગી સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરાયું છે.
ઇરાનમાં દર ૧૦ મિનિટે એકનું મોત
ઇરાનમાં પણ સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. દર ૧૦ મિનિટે એકનું મોત થઈ રહ્યું છે અને દર ૫૦ મિનિટે નવો કેસ પ્રકાશમાં આવે છે. ઇરાનમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧૪૯ લોકોનાં મોત થયાં છે. ઇરાનમાં કુલ ૧૪૩૩ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૧૯,૬૪૪ લોકોને અસર થઈ છે. રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ૧૫ દિવસ સુધી દેશના તમામ બજારો બંધ રાખવા આદેશ આપ્યો છે.
યુકેમાં લોકડાઉન : ૧૭૭નાં મોત
યુકેમાં કોરોનાના કારણે શુક્રવારે વધુ ૪૦ લોકોના મોત થતાં મૃતાંક ૧૭૭ થયો છે. વડાપ્રધાન બોરિસ જ્હોનસને યુકેમાં લોકડાઉન જારી કર્યું છે. કેફે, ક્લબ, પબ, જીમ, રેસ્ટોરન્ટ અને થિયેટરોને તાત્કાલીક અમલથી બંધ કરવામાં આવ્યાં છે. લંડનમાં કોરોનાએ વ્યાપ ફેલાવ્યો છે અને ૧૭૭ લોકોનાં મોત થયાં છે. લંડન હવે કોરોનાનું હોટબેડ બન્યું છે. કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૩૯૮૩ થઈ છે. ખાસ કરીને વેસ્ટમિન્સ્ટર, સાઉથવોર્ક અને લામ્બેથ કોરોનાની પકડમાં આવી ગયા છે. લંડનનું ટ્રાન્સપોર્ટ નેટવર્ક બંધ કરાયું છે અને ૨૦,૦૦૦ સૈનિકોને સાબદાં કરાયા છે. લેટિન અમેરિકાના દેશોમાં આર્જેન્ટિનામાં લોકડાઉન જાહેર કરાયું છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવા આદેશ આપ્યા છે. કારણ વિના ઘરની બહાર નીકળતા લોકો પાસેથી દંડ વસૂલવા નક્કી કરાયું છે.
કોરોના વાઈરસની દેશ પ્રમાણે સ્થિતિ
| દેશ | મોત | કેસ |
| ઈટાલી | 4,032 | 56,182 |
| ચીન | 3248 | 80967 |
| ઈરાન | 1284 | 18407 |
| સ્પેન | 1,043 | 20,412 |
| ફ્રાન્સ | 372 | 10995 |
| અમેરિકા | 277 | 14354 |
| બ્રિટન | 144 | 3269 |
| નેધરલેન્ડ | 76 | 2460 |
| જર્મની | 44 | 15320 |
| સ્વિત્ઝર્લેન્ડ | 43 | 4222 |
| ભારત | 5 | 215 |
કોરોના અપડેટ
- WHOના મતે કોરોનાને પહેલાં ૧,૦૦,૦૦૦ કેસ સુધી પહોંચતા ૩ મહિના લાગ્યા જ્યારે બીજા ૧ લાખ કેસ ૧૨ જ દિવસમાં નોંધાયા છે.
- લંડનમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. લોકોએ ટયૂબ નેટવર્ક એટલે કે લોકલ ટ્રેનોમાં મુસાફરી બંધ કરી છે. ફક્ત ૧૦ ટકા લોકો જ સ્ટેશનો પર જોવા મળે છે.
- ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ રદ કરાયો છે.
- ઇઝરાયેલમાં લોકોને ઘરમાં જ રહેવાના આદેશ અપાયા છે.
- પાકિસ્તાનમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધીને 500 થઈ છે. ૨નાં મોત થયાં છે.
- શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્સેએ સોમવાર સુધી કરફ્યૂ જાહેર કર્યો છે.
- બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં તમામ બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

