કોરોનાથી અનાથ બનેલા ભૂલકાંઓની હૃદયદ્રાવક કહાની: ત્રણ ભૂલકાં મા બોલતાં શીખે એ પહેલાં જ કોરોનાએ માતા-પિતા છીનવી લીધાં

કોરોનાની બીજી લહેર ભલે વીતી ગઈ હોય પણ તેણે લોકોના જીવનમાં એવી છાપ બનાવી છે કે તે કદી ભૂલી શકાશે નહીં. સ્વજનોને ગુમાવવાનું દુ:ખ તો ભારોભાર હોય છે પણ કોઇ ભૂલકાં અનાથ થાય તો પાષાણ હૃદય પણ પીગળી જાય છે. 2 વર્ષનું બાળક માતા-પિતા બોલતા શીખે તે પહેલા જ માતા-પિતાનાં મોત થયા, વૃદ્ધાએ પુત્ર અને પુત્રવધૂ કોરોનામાં ગુમાવ્યા હવે તેના બે નાના બાળકોને ઉછેર કરે છે જ્યારે ઘરની જવાબદારી મોટી પુત્રીએ ઉપાડી છે અને બીજા કોઇ વ્યવસાયને બદલે માતાની જેમ નર્સ જ બનવાનું પસંદ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ તો માત્ર બે કિસ્સા છે રાજકોટમાં આવા એક બે નહિ 44 ભૂલકાં એવા છે જેમના માતા અને પિતા બંને કોરોનાકાળમાં કાયમ માટે તેમનો હાથ છોડીને ચાલ્યા ગયા છે. 193 એવા સંતાનો છે જેમના પિતા અથવા માતાનું મોત થયું છે અને હવે સિંગલ પેરેન્ટિંગના સહારે છે.

કિસ્સો-1 : મમ્મી જ્યાં નોકરી કરતા ત્યાં જ નર્સ તરીકે કામ કરીને તેના આત્માને રાજી રાખું છું.

મમ્મી નાસ્તો બનાવી જગાડતી, હવે સવારે જ બપોરની રસોઈ કરું છું
શિયાળ પરિવારના 3 સંતાનોને કોરોનાની એક થપાટે રડતો કરી દીધો છે. માતા-પિતાની વિદાયથી 3 સંતાનો હવે દાદી સાથે રહે છે. 15 વર્ષનો ભાઈ લવ અને 16 વર્ષની બહેન ઉર્વિશાની તમામ જવાબદારી અંજલિબહેન પર છે સાથે મામાનો સહારો સતત મળતો રહે છે. આરોગ્ય કેન્દ્રમાં નોકરી કરતી આ દીકરી કહે છે કે, મા-બાપનું સુખ આટલું જ હશે એ ક્યાં ખબર હતી. ઘણી વખત ભાઈ-બહેન એક બીજાની સામું જોઈ રડી લઈએ છીએ.

મમ્મી-પપ્પાનું સપનું હતું કે, હું ડોક્ટર બનું, આર્થિક સ્થિતિના કારણે એ સપનું તો સાકાર નહીં કરી શકું. પરંતુ મમ્મી જ્યાં નોકરી કરતા ત્યાં જ નર્સ તરીકે કામ કરીને તેના આત્માને રાજી રાખું છું. પહેલા તો “મમ્મી રોજ સવારે કહેતા બેટા ઊઠ’, મમ્મીની હાજરી હતી તો ક્યારેય ઊઠીને નાસ્તો પણ નહોતો બનાવ્યો. હવે તો રોજ સવારે બપોરની રસોઈ પણ બનાવીને જઉં છું. એક એક ક્ષણે મા-બાપની ગેરહાજરી અનુભવાઈ છે પણ શું કરી શકું.

કિસ્સો- 2 : બે વર્ષનો નિખિલ તેના પપ્પાના ફોટા સાથે રમે ત્યારે આંસુ નથી રોકાતા

બે વર્ષનો નિખિલ તેના પપ્પાના ફોટા સાથે રમે ત્યારે આંસુ નથી રોકાતાં
સંતોષીનગરમાં રહેતા સવાસડિયા પરિવારને પણ કોરોનાએ વેરવિખેર કરી નાખ્યો છે. રમેશભાઈ અને નીતાબહેનનું 12 દિવસમાં જ મૃત્યુ થયા. રિક્ષા ચલાવીને પોતાના બે સંતાનો સાચવતા દિનેશભાઈના માથે હવે બે વર્ષનો નિખિલ, 7 વર્ષની મિતલ અને 11 વર્ષની ભાવિકા મળી કુલ 5 બાળકોની જવાબદારી છે.

આર્થિક રીતે આ પરિવાર ઘણી કટોકટી અનુભવી રહ્યો છે. બે વર્ષના નિખિલને પપ્પાના ફોટા સાથે રમતો જુએ છે ત્યારે દિનેશભાઈ આંસુ નથી રોકી શક્તા. માતા-પિતાની વિદાયને અઢી મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ એક દિવસ પણ દિનેશભાઈએ આ ભૂલકાઓને પિતાની કમી મહેસૂસ નથી થવા દીધી.

કિસ્સો-3 : છબી સાથે થોડી વાતો કરી અને શીશ ઝુકાવી રોજ ઘરેથી બહાર નીકળું છું

મમ્મીને યાદ કરી ભયલો રડ્યાં કરે ’ને હું પછી એને કેમેય કરીને સમજાવું, સાચું કહું એ મમ્મી-પપ્પાની છબી જોઈને તો હું પણ અંદરથી રડતી જ હોય પણ આંસુને આંખની અંદર જ સમાવી લઉ છું, વેદના સાથે હિંમત આપતા આ શબ્દો મારડિયા અપેક્ષાના છે. કોરોનાની બીજી લહેરમાં 20 વર્ષીય અપેક્ષાબેન અને 16 વર્ષના આયુશે માતા-પિતા ગુમાવ્યા છે.

પિતા કલ્પેશભાઈનું 6 એપ્રિલ અને માતાનું પણ તેના થોડા દિવસ બાદ સારવારના અંતે મોત થયું. પિતાની છત્રછાયા અને માતાનો ખોળો એક સાથે છીનવાતા ભાઈ-બહેન પર સંકટના વાદળો તૂટી પડ્યાં. પરંતુ પીડીયુ મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા અપેક્ષા કહે છે કે, પરિવાર તૂટ્યો છે, સપનાઓ તો આજે પણ અતૂટ છે. બન્ને હાલ ક્રિસ્ટલ મોલ પાસે ભાડાના મકાનમાં રહે છે. અપેક્ષા કહે છે માતા-પિતાની છબી સાથે થોડી વાતો કરી, શીશ ઝુકાવી રોજ ઘરેથી બહાર નીકળું છું. હજુ મારે 3 વર્ષ જેટલો સમય અભ્યાસ ચાલશે પણ હિંમત નથી હારી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો