રાજકોટ માટે રાહતના સમાચાર, કોરોના પોઝિટિવ યુવાનના પરિવારજનોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા

દેશ બાદ હવે ગુજરાત પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયું છે. એક બાદ એક ગુજરાતમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસનાં આઠ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. તેવામાં રાજ્યમાં કોરોના વાયરસનો પહેલો પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયો હતો. જો કે, રાજકોટવાસીઓ માટે સારા સમાચાર એ છે કે, આ યુવકનાં પરિવારજનોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં યુવાનને રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. યુવાનનાં પોઝિટિવ કેસને લઈ આરોગ્ય વિભાગ દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર 24 કલાક ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. 32 વર્ષીય યુવાન જે મક્કા-મદીનાથી સાઉદી અરેબિયા થઈ મુંબઈ અને ત્યાંથી રાજકોટ પરત આવ્યો હતો. આ સમય દરમિયાન તે ઘણાં લોકોના સંપર્કમાં આવ્યો હતો. આ સમય દરમિયાન તેનાં પરિવારજનોનાં રિપોર્ટ લેબમાં મોકલવામાં આવ્યા હતા. પણ રાહતનાં સમાચાર એ છે કે, યુવકનાં પરિવારનાં તમામ 4 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે.

જો કે આરોગ્ય વિભાગ દ્વારા યુવક જે ટ્રેનમાંથી આવ્યો હતો અને કયા યાત્રીઓનાં સંપર્કમાં આવ્યો હતો એ તમામ લોકોનું લિસ્ટ બનાવી તેઓનો સંપર્ક સાધવાનો અને મેડિકલ સારવાર આપવાના પ્રયાસો ચાલુ કરી દીધા છે. રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. ચા અને પાનના ગલ્લા બંધ કરી દેવામાં આવ્યા છે. તો ગુજરાતમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાતા ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે. અને સીએમ રૂપાણીએ તમામ લોકોને ઘરે રહેવા માટે અપીલ કરી છે.

જંગલેશ્વર, આજી જીઆઈડીસીમાં 10000થી વધુ લોકોનુ સ્કેનિંગ કરાયું

જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ મળતાની સાથે મનપાના આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. જંગલેશ્વર અને તેની પાસે આવેલા આજી જીઆઇડીસી વિસ્તારમાં 10000થી વધુ લોકોનું આરોગ્ય વિભાગે સ્કેનિંગ કર્યું છે. શુક્રવારે નમાજ અદા કરવા માટે મસ્જિદમાં લોકો જતા હોવાથી મનપાએ ત્યા મેડિકલ કેમ્પ કર્યો હતો. આ ઉપરાંત ચાર આરોગ્ય મોબાઇલ વાન અને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક મેડિકલ સહાય મળી રહે તે માટે જંગલેશ્વરમાં સુવિધા ઊભી કરવામાં આવી છે. જંગલેશ્વરના યુવાન સાથે જે જે વ્યક્તિ સંપર્કમાં આવ્યા હોય તે વ્યક્તિઓએ સામેથી આરોગ્ય વિભાગમાં આવી સ્કેનિંગ કરાવવા મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી છે. જેથી આ રોગને આગળ વધતો અટકાવી શકાય. રાજકોટમા કોરોનાનો કેસ પોઝિટિવ આવતા શુક્રવારે જુમ્માની નમાઝ સમયે મુસ્લિમ સમાજે મહત્વપૂર્ણ નિર્ણય મદ્રેસા બંધ કરવા તેમજ મસ્જિદોએ ઘણા ફેરફાર કર્યા છે. જેમાં નમાઝ ટુંકાવાઈ છે અને મુસાફો અટકાવાયા છે. તેમ હાજીભાઈ ઓડિયા અને સોએબભાઈ ખોખરે જણાવ્યું હતું.

11 દિવસમાં યુવાનના સંપર્કમાં આવેલા 1 હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરાશે

દરમિયાનમાં યુવક દેવપરામાં આવેલા ખાનગી ડોક્ટર પાસે દવા લેવા પહોંચ્યો હતો. તે દવાથી તબિયતમાં કોઈ સુધારો ન થતાં અન્ય બે દવાખાને પણ દવા લીધી હતી. છતાં પણ તબિયતમાં સુધારો ન થતાં આખરે 16મી માર્ચે આ યુવક દેવપરા વિસ્તારમાં જ આવેલી લોટસ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. જ્યાં તબીબે તેની તપાસ કરતાં અને તેની હિસ્ટ્રી જાણતા તેને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. 11 દિવસમાં યુવાનના સંપર્કમાં આવેલા 1 હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો