આણંદની અપરા હોસ્પિટલમાં ઓક્સિજનની પાઈપ નીકળી જતાં દર્દીએ બેલ માર્યો પણ નર્સ ન આવી, તબીબે ફોન ન ઉપાડ્યોઃ ઓક્સિજન ન મળતા આખરે દર્દી મૃત્યુ પામ્યા

આણંદ શહેરની નામાંકિત અને અદ્યતન સુવિધાઓથી સજ્જ ડો.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઈપ છૂટી પડી ગઈ હતી. કોરોનાના દર્દી ભુપેન્દ્ર પટેલનું ઓક્સિજન લેવલ અતિશય ઘટી જતાં તરફડીયા મારી રહેલા દર્દીએ હોસ્પિટલનો એલર્ટ બેલ પણ દબાવ્યો છતાં હાજર સ્ટાફ અને ફરજ ઉપરના ડોક્ટર દ્વારા સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત થયું હતું. જેને પગલે દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ માથે લીધી હતી. ઘટનાની ગંભીરતા સમજીને હોસ્પિટલે આવી પહોંચેલા ડો.અજય કોઠીયાલાએ હોસ્પિટલના સ્ટાફની ભૂલ હોવાનું સ્વીકાર્યું હતું.

આ પહેલા ભુપેન્દ્ર પટેલને કોરોના થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ગંભીર કોરોના ને લઇ તેઓને ICU માં દાખલ કરાયા ત્યાર બાદ 14 દિવસની સારવારના અંતે તેઓને રૂમમાં લાવવામાં આવ્યા હતા.

આ દુઃખદ ઘટના અંગે ડો.અજય કોઠીયાલાએ હોસ્પિટલની ભૂલ અને પોતાની જવાબદારી સ્વીકારતા જણાવ્યું હતું કે દર્દીના પરિવારજનોએ સ્વજન ગુમાવ્યા છે જેનું અમને દુઃખ છે.દર્દી કોરોનાને કારણે ICUમાં હતા જ્યાંથી સારવાર બાદ સારું થતા તેઓને પ્રાઇવેટ રૂમમાં દાખલ કરવામાં આવ્યા હતા. મારી પાસે જે માહિતી છે તે મુજબ દર્દીએ ઇમરજન્સી બેલ માર્યો હતો. પરંતુ રૂમની સામે જ આવેલા નર્સિંગ સ્ટેશન પરથી કોઈએ રિસીવ નહોતો કર્યો. બાદમાં દર્દીએ ઘરે ફોન કર્યો અને ઘરેથી દવાખાને ફોન કર્યો. પરંતુ ફરજ ઉપરના ડોક્ટર દર્દી પાસે પહોંચ્યા ત્યાં સુધીમાં દર્દી મૃત્યુ પામ્યા હતા. દર્દીની સારવાર માટે રાત્રે ડો.ભાવેશ,ડો.ક્રિષ્ના, ICUના ડો.સુશીલા અને નર્સિંગ સ્ટાફ હાજર હતો. ડોકટરોએ મેડિકલ ટેક્નિક CPR અને DC સ્ટોક દ્વારા દર્દીને બચાવવા અડધો કલાકથી વધુ સમય સુધી મહેનત કરી હતી. પરંતુ દર્દીને બચાવી શક્યા નહોતા. રાત્રે દર્દીની પરિસ્થિતિ સારી હતી મેં છેલ્લે 9 કલાક આસપાસ દર્દીનો ઓક્સિજન સહિતનો રિપોર્ટ લીધો હતો. પ્રાથમિક તબક્કે આ ઘટના સ્ટાફની બેદરકારીને કારણે બનેલી જણાય છે. સ્ટાફની બેદરકારી બાબતે દિલગીર છું અને સગાઓના રોષ સાથે સહમત છું.

વિપુલ પટેલે જમાવ્યું હતું કે ભુપેન્દ્રભાઇ પટેલ મારા જીજા જી થાય છે.તેઓને કોરોના થયો હોવાથી હોસ્પિટલ દાખલ કર્યા હતા. પરંતુ ઓકિસજનની પાઇપ નીકળી ગઇ હતી. બેલ મારવા છતાં સ્ટાફ આવ્યો ન હતો સ્ટાફની બેદરકારીને કારણે તેઓનું મોત નિપજયું છે. જે અંગે આણંદ શહેર પોલીસ મથકે અરજી આપી છે.

ડો.અજય કોઠીયાલાએ સ્વીકાર્યું કે ઓક્સિજન પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યા હોઈએ તો તે જવાબદારી મારી છે. જો કે સ્ટાફની ભૂલ પણ મારી જ જવાબદારી છે. પરંતુ હું હોઉં નહીંને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેની જવાબદારી હાજર નર્સ અને સ્ટાફની છે. જે બાબતે યોગ્ય તપાસ કરી ફરિયાદ કરવામાં આવશે અને જવાબદાર સ્ટાફને હોસ્પિટલમાંથી છૂટો કરવામાં આવશે.

મૃતકના ભાણી પીનલબેન પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે સવારે ઘરે ફોન આવ્યો કે તેઓની રૂમમાં કોઈ જ નથી. તેઓને ઓક્સિજનની તકલીફ પડે છે. અમે ફોન કરીએ છીએ તો કોઈ જ રિસીવ નહોતું કરતું પછી રિસેપ્શનિસ્ટને ફોન કરતા તેણે જણાવ્યું કે તમામ સ્ટાફ દર્દીની રૂમે પહોંચી ગયો છે. જો કે પછી ફોન આવે છે કે દર્દી મૃત્યુ પામ્યા છે.તો મારે પૂછવું છે કે રાત્રે સ્ટાફ શું કરતો હતો ? અને ડોક્ટર ઓફિસમાં ફોન મૂકી દીધો હતો તો કોણ રિસીવ કરે પાસે રાખ્યો હોત તો જવાબ મળત…!દર્દીની દેખભાળ કરવાની તેમની ફરજ છે કોવિડ સેન્ટરમાં આવું તૂત ચાલે? આ ખૂબ ખોટું થયું છે અમે કેસ કરવાના છીએ.

મારો ઓક્સિજન પાઈપ નીકળી ગયો છે પણ કોઈ ઈમરજન્સી બેલ રિસીવ કરતું નથી

જ્યારે મૃતકના સાગા કિરણભાઈ પટેલે જણાવ્યું કે સવારે ફોન આવ્યો કે મારું કોઈ સાંભળતું નથી.મારો ઓક્સિજન પાઈપ નીકળી ગયો છે.ઇમરજન્સી બેલ માર્યા પણ કોઈ રિસીવ કરતું નથી. જે બાદ અમારે અમારા સંબંધીને ફોન કરવો પડ્યો તેમને ડોક્ટરને ફોન કર્યા ત્યારે સ્ટાફ દર્દીના રૂમે ગયો અને જણાવ્યું કે તમારા સંબંધી મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલની બેદરકારી ને કારણે મૃતદેહ લેવાની ના પાડી અને પોલીસ ફરિયાદ કરવાના છીએ.

હોસ્પિટલના સ્ટાફની આ ગંભીર બેદરકારીને પગલે દર્દીનું મોત થતા દર્દીના સગાએ દર્દીનો મૃતદેહ સ્વકારવાની ના કહી હતી. હોસ્પિટલ અને જવાબદાર તમામ ઉપર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.જોકે પોલીસ અને અન્ય સગાં સ્વજનોએ આક્રંદિત અને દુઃખી પરિવાજનોને સમયની બલિહારી સમજાવી મૃતદેહ સ્વીકારવા માનવી લીધા હતા. આણંદ ખાતે મૃતકનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતક દર્દીના પરિવારજનો દ્વારા આણંદ પોલીસને ફરિયાદ અરજી આપવામાં આવી છે કસૂરવારો ઉપર કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

મૃતક મૂળ ખેડા જિલ્લાના પલાણા ગામના વતની છે.બોરીયાવી તેમની સાસરી છે.તેઓ કોવિડમાં પોઝીટીવ આવ્યા બાદ 14 દિવસ થી આણંદ અપરા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ અંગે આણંદ ટાઉન પીઆઈ વાય.આર.ચૌહાણ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે મૃતકના પરિવારજનો દ્વારા ફરિયાદ અરજી મળી છે. જેની પ્રાથમિક તપાસ કરી કસૂરવારો ઉપર કાયદાની જોગવાઈ અનુસાર કેસ નોંધીશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો