વડોદરામાં કોરોના નેગેટિવ દર્દીનું 4 કલાકમાં જ મોત: 7 વાગ્યે બેસીને વાત કરતા હોય તો 8 વાગ્યે કેવી રીતે મૃત્યુ થાય- સારવારમાં બેદરકારીનો પરિજનોનો આક્ષેપ
વડોદરા શહેરની SSG હોસ્પિટલ સતત વિવાદોમાં આવી રહી છે. તાજેતરમાં હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગ લાગવાનો બનાવ બન્યા બાદ એક કોરોના નેગેટિવ દર્દીનું 4 કલાકમાં જ મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ હોબાળો મચાવીને હોસ્પિટલના તંત્ર સામે દર્દીને મારી નાખીને તેનાં અંગો કાઢી લેવામાં આવતાં હોવાનો આક્ષેપ કર્યો છે. મૃતક રવીન્દ્ર ભોંસલેને સાંજે 4 વાગ્યે શ્વાસની તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના 4 કલાકમાં તેનું મૃત્યુ થયું હતું. ત્યારે પરિવારજનોએ કહ્યું કે દર્દી 7 વાગ્યે બેસીને વાત કરતા હોય તો 8 વાગ્યે કેવી રીતે તેનું મૃત્યુ થાય. પુત્રએ આક્ષેપ કર્યો છે કે તેના પિતાનું મૃત્યુ થયું છે તેવું હોસ્પિટલના તંત્રએ જણાવ્યું ન હતું. તે જ્યારે હોસ્પિટલ આવ્યો ત્યારે ખબર પડી કે તેમનું મોત થયું છે. રડમશ અવાજે પુત્ર કહી રહ્યો છે કે મને મારા પપ્પા પાછા જોઈએ.
4 વાગ્યે દાખલ કર્યા હતા, છેલ્લે સાંજે 7.30 વાગ્યે વાત કરી હતીઃ મૃતકનો પુત્ર
મૃતક રવીન્દ્ર ભોંસલેના પુત્ર મયૂરે જણાવ્યું હતું કે મારા પિતાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અમે પહેલા તેમને ગ્લોબલમાં લઈ ગયા હતા, ત્યાંથી SSG હોસ્પિટલ લાવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓ બોલતા હતા અને હાલતા-ચાલતા પણ હતા. છેલ્લે, 7.30 વાગ્યે તેમની ફોન પર વાત થઈ હતી. તેમણે હાથ ઊંચો કર્યો હતો. પછી હોસ્પિટલના સ્ટાફે ફોન કાપી નાખ્યો હતો. હું જ્યારે તેમને ટિફિન આપવા આવ્યો ત્યારે મને જાણ થઈ કે મારા પિતાનું મૃત્યુ થયું છે. હોસ્પિટલમાંથી કોઈએ પણ અમને જાણ નહોતી કરી કે તેઓ મૃત્યુ પામ્યા છે. કંઈ કહેવા જ તૈયાર નથી. મને મારા પપ્પા પાછા જોઈએ.
રિપોર્ટ નેગેટિવ આવ્યો તો કોવિડ સેન્ટરમાં કેમ રાખ્યાઃ પરિવારજનો
રોષે ભરાયેલા મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે, જેને કારણે પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા હતા. આ વચ્ચે પરિવારજનોએ હોસ્પિટલ પર આક્ષેપ લગાવ્યા છે કે જો બે-બે દિવસે કોવિડ સેન્ટરમાં આગ લાગતી હોય અને બીજા બનાવો બનતા હોય તો કોવિડ સેન્ટર બંધ કરી દેવું જોઈએ. અમે અમારા દર્દીને ગ્લોબલ હોસ્પિટલથી અહીં લાવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં પણ તેમને કેમ કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. દર્દી 7 વાગ્યે બેસીને વાત કરતા હોય તો 8 વાગ્યે કેવી રીતે મૃત્યુ પામે. હોસ્પિટલનું તંત્ર અમને અમારા દર્દી પાસે જવા પણ દેતા નથી અને બતાવતા પણ નથી. પરિવારજનોએ એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે હોસ્પિટલમાં મૃત્યુ પામનારનાં અંગ કાઢી લેવામાં આવે છે.
દર્દીની હાલત ક્રિટિકલ હોય ત્યારે અહીં લવાય છે, મૃત્યુ પામે એટલે હોસ્પિટલ પર આક્ષેપ કરાય છે
પરિવારજનોના હોબાળા અને આક્ષેપ વચ્ચે સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે દર્દીની હાલત ક્રિટિકલ હોય ત્યારે ખાનગી હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને જ્યારે દર્દી મૃત્યુ પામે ત્યારે હોસ્પિટલ સામે આક્ષેપ કરવામાં આવે છે. હોસ્પિટલ દ્વારા દર્દી સ્વસ્થ થઈ જાય એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

