‘મત માગવા જ આવો છો, મુસીબત વખતે દેખાતા નથી’ કહીને લોકોએ કરજણ બેઠકના ભાજપ-કોંગ્રેસ બંનેના ઉમેદવારોને ઘઘલાવીને ભગાડ્યા
ગુજરાત વિધાનસભાની કરજણ બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણીને લઇને હાલ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. જોકે 3 દિવસના ગાળામાં કરજણ પાસે આવેલા નવી જીથરડી ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. ભાજપ બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સામે સ્થાનિક લોકોના રોષનો વિડિયો વાઇરલ થયો છે.
કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા નવી જીથરડી ગામમાં પેટાચૂંટણીના પ્રચાર માટે ગયા હતા, જ્યાં કોંગ્રેસ ઉમેદવારનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો અને કિરીટસિંહ જાડેજાનો મતદારોએ ઉધડો લીધો હતો અને ચૂંટણી ટાણે જ દેખાયા હોવાનો લોકોએ તેમની પર આક્ષેપ કર્યો હતો. લોકોનો આક્રોશ જોતાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને ગામમાંથી ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો હતો.
એડિટ કરેલો વિડિયો છે, ભાજપ બદનામ કરવાના પ્રયાસ કરે છે
કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માત્ર એડિટ કરેલો વિડિયો છે. આવા હથકંડા અપનાવવા એ ભાજપની જૂની આદત છે. કરજણની જનતા જાણે છે કે આ બધું એડિટ કરેલું મૂકે છે, અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એનાથી અમને કોઇ ફેર પડતો નથી. ભાજપ હલકી કક્ષાની રાજનીતિ રમી રહ્યો છે.
વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર ચાલી રહેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં હાલ ભાજપ-કોંગ્રેસ બંને ઉમેદવારો પ્રચારમાં જોતરાઇ ગયા છે, ત્યારે અનેક સ્થળે ઉમેદવારોને મતદારોના રોષનો ભોગ બનવાનો વારો આવી રહ્યો છે. 3 દિવસ પહેલાં જ કરજણ નજીક નવી જીથરડી ગામમાં પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કાર્યકરોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. કાર્યકરો અને આગેવાનોએ ઉધડો લેતાં જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ તમે દેખાયા જ નથી, આજે જોવા મળ્યા છો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

