સાસુ-વહુના ઝઘડાનો આવ્યો કરુણ અંજામ: અમદાવાદમાં વહુએ સાસુને સળીયાના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા

ગુસ્સો સવાર થયા પછી માણસ સારાસારનો વિવેક ભૂલે ત્યારે કેવું ભયંકર પરિણામ આવે ? તેનો ચિત્તાર આપતી કરૂણ ઘટના ઘટી છે. શહેરના ગોતા વિસ્તારમાં રોયલ હોમ્સમાં મંગળવારે રાત્રે સાસુએ તારા ગર્ભમાં સસરાનું સંતાન છે તેવો આક્ષેપ કરતા ઝઘડો થયા બાદ પુત્રવધૂએ સાનભાન ભૂલી માતા સમાન સાસુના માથામાં લોખંડના સળિયાથી પ્રહાર કરીને હત્યા કરી નાખી હતી. બાદમાં ચાદરથી લાશ સળગાવવા પ્રયાસ કરી પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. હત્યા બાદ બેડરૂમમાં પુરાઈ ગઈ હતી. પતિને ખબર પડતા દરવાજો પણ ખોલ્યો નહીં અને રસોડાની બારીથી પ્રવેશ કર્યો ત્યારે માની લાશ જોઈ ભાંગી પડયો હતો.

એમ.કોમ.-એમ.બી.એ.(ફાઈનાન્સ)થયેલી નિકિતાએ સાસુ રેખાબહેનની હત્યા કર્યા બાદ પતિ દીપકને અઢી કલાક સુધી, જ્યારે પોલીસને 9 કલાક સુધી ગોળ-ગોળ ફેરવ્યા હતા. આખી રાત જુદા જુદા બહાનાં બનાવી રહેલી નિકિતાએ આખરે સવારે 11 વાગ્યે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે,મેં જ મારી સાસુની હત્યા કરી છે. જેના આધારે પોલીસે દીપકની ફરિયાદ બાદ નિકિતાની ધરપકડ કરી હતી. નિકિતાએ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી એમ.કોમ. અને સિક્કીમ યુનિવર્સિટીમાંથી એમબીએ ફાઈનાન્સ કર્યું હતું.

મંગળવારે પુત્રવધૂ નિકિતા અને સાસુ રેખાબહેન વચ્ચે ઝઘડો થતાં તેની બૂમો પાડોશીઓને સંભળાઈ હતી. પાડોશીઓએ ઘરનો દરવાજો ખખડાવવા છતાં નહીં ખોલતાં પાડોશીએ સસરા રામકિશનને ફોન કરીને ઝઘડા અંગે જાણ કરી હતી. રામકિશને પુત્ર દીપકને ફોન કરીને જાણ કરતા તે 9.15 વાગ્યે ઘરે પહોંચ્યો હતો. દીપકે દરવાજો ખખડાવ્યો હોવા છતાં નિકિતાએ દરવાજો ખોલ્યો નહીં જેથી ફોન કરતા નિકિતાએ કહ્યું કે મને મમ્મીએ ઝઘડો થવાથી રૂમમાં પૂરી દીધી છે.

આવી વાતો કરી 11.45 સુધી નિકિતાએ પતિ દીપકને ગોળ ગોળ ફેરવ્યો હતો. અઢી કલાક પછી દીપક સીડી મૂકીને બાલ્કનીમાંથી ઘરમાં ગયો હતો ત્યારે ડ્રોઈંગ રૂમમાં જ લોહીથી લથપથ માતાનો મૃતદેહ જોતાં તે ડઘાઈ ગયો હતો અને રૂમમાં જઈને પત્નીને બહાર કાઢતાં તેણે કહ્યું કે, મમ્મીને શું થયું તેની મને કઈ ખબર નથી. ત્યારબાદ દીપકે તેમના ભાગીદાર અને મામા સસરાને ફોનથી ઘટનાની જાણ કરી. રાત્રે દોઢ વાગ્યે 108ને ફોન કર્યા બાદ પોલીસને જાણ કરી હતી. સોસાયટીના સીસીટીવીમાં ઘરમાં બીજા કોઈએ પ્રવેશ ન કર્યો હોવાથી નિકિતાની મધરાતથી પૂછપરછ શરૂ કરાઈ હતી. જોકે તેણે બુધવારે સવારે 11 વાગ્યે સાસુની હત્યા કર્યાની વાત કબૂલી હતી.

સાસુની હત્યા કરીને સળગાવવા જતા નિકિતા પણ ડાબા હાથે દાઝી ગઇ હતી. જો કે નિકિતાએ સાસુના મૃતદેહ ઉપર ચાદર ઓઢાડીને દિવાસળી ચાંપી દીધી હોવાથી રેખાબહેનના શરીરના ઘણા અંગ સળગી ગયા હતા. રેખાબહેન 5 વર્ષથી ઓબ્સેસીવ કમ્પઝિવ ડીસઓર્ડર (ઓસીડી)ની બીમારીથી પીડાતાં હતાં. જેથી તેમને કોઇ અડે કે એટલે તરત સ્નાન કરીને કપડા બદલી લેતા હતા. આટલું જ નહીં બહારથી કોઈ વ્યકિત ઘરમાં આવે એટલે આખું ઘર પણ ધોતા હતા.

દીપકના પિતા રામકિશનને કોરોના થયો હોવાથી તેમને 24 ઓકટોબરે લાઈફ લાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં રામકિશન હોસ્પિટલમાં હોવાથી પત્નીની અંતિમ ક્રિયામાં પણ તેઓ હાજર રહી શકયા ન હતા. જોકે સાસુ-વહુના વખતો વખતના ઝઘડાથી તેઓ પણ વાકેફ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. નિકિતાના મોબાઈલના આધારે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દીપકે નિકિતા અને રેખાબહેનને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ રેખાબહેન ફોન ઉપડતા ન હતા, જેથી તેણે સામેના બ્લોકની પહેલા માળની સીડી પાસે જઈ ઘરમાં તેના ઘરમાં જોવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઘરના પડદા બંધ હોવાથી કશું દેખાયું ન હતું, જેથી તે કલર કામ કરવાની સીડી લઈને તેના રસોડાની બાલ્કનીમાં ગયો હતો અને લોખંડની બારીમાંથી હાથ નાખીને દરવાજો ખોલીને ફલેટમાં ગયો હતો.

વોશિંગ મશીન બગડ્યું હોવાથી ઘરે મિકેનિક આવતાં દીપક બપોરે 1 વાગ્યે દુકાને ગયો હતો. દુકાનેથી રાતે 8 વાગ્યે ઘાટલોડિયા ચાણક્યપુરી બ્રિજ નીચે આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યારે હત્યા કરી હતી. પતિ દીપક રાતે 11.45 વાગ્યે બાલ્કનીમાંથી સીડી વડે ઘરમાં ગયો હતો. ત્યારે હત્યાની ખબર પડી હતી. જોકે આ પહેલાં 9.30 વાગ્યે ઝઘડો થયાની જાણ થઈ હતી, પરંતુ માતાની હત્યા અંગેની જાણ પોલીસને બે કલાક બાદ રાત્રે 1.30 વાગ્યે કરતાં તે શંકાના દાયરામાં છે.

નિકિતા અને દીપકનાં લગ્ન જાન્યુઆરી 2020માં થયાં હતાં. ત્યારબાદ નિકિતા ટુકડે ટુકડે 6 મહિના જેટલો સમય પિયરમાં રહી હતી. જ્યારે 4 મહિના જેટલો સમય સાસરીમાં રહી હતી. પ્રસંગ તેમજ વાર તહેવારે નિકિતા પિયર જતી અને લાંબો સમય ત્યાં જ રહેતી હતી. સોલા પીઆઈ જે.પી. જાડેજાએ કહ્યું કે, નિકિતાનો કોરોના ટેસ્ટ કરાવ્યા પછી સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે. જો કે હત્યામાં વપરાયેલો લોખંડનો સળિયો કબજે કરી એફએસએલમાં મોકલી આપ્યો છે.

રોયલ હોમ્સના ડી બ્લોકના છઠ્ઠા માળે રહેતા પાડોશીઓએ કહ્યું કે, રેખાબહેનના ઘરે રોજે ઝઘડા થતા હતા. નિકિતાને કોઈએ જોઈ પણ ન હતી. નવરાત્રી દરમિયાન સસરાએ પણ નિકિતાને બારીમાં ઊભા રહેવા બદલ માર માર્યો હતો. થોડા સમય અગાઉ નિકિતાએ એક પાડોશીને કહ્યું હતું કે, તેની સાસુ તેની પાસેથી દહેજની અવારનવાર માગણી કરે છે. અન્ય એક પાડોશીએ કહ્યું કે, રેખાબહેન રોજ તેની પુત્રવધૂ નિકિતાને માર મારતા હતા. નિકિતાની ચીસો રોજ સંભાળતી હતી.

આત્મહત્યા અને બીજાએ હત્યા કરી હોવાની થિયરી ઊભી કરી

સાસુએ જાતે આત્મહત્યા કરી કે કોઇએ હત્યા કરી છે તેવી થિયરી ઉભી કરવા પુત્રવધૂએ મહેનત કરી હતી. પુત્રવધૂએ પોતાને બેડરૂમમાં પુરી દીધી અને એવો દેખાવ કર્યો કે આ હત્યાની તેને કંઇ જાણ નથી. બેડરૂમમાં ઉડેલું લોહી ચાદરથી સાફ કર્યું હતું અને ચાદર લાશના માથા પર મુકી આગ લગાવી દીધી હતી. બાદમાં કપડાં પણ બદલી નાખ્યા અને ધોઈ નાખ્યા હતા પરંતુ તેના પર લોહીના નિશાન રહી ગયા હતા.

પુત્રવધૂ આ સવાલોમાં ફસાઈ ગઈ

  • હત્યાકાંડ સમયે ઘરમાં સાસુ-વહુ સિવાય બીજું કોઈ નહોતું.
  • પુત્રવધુના બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો.
  • ઘર અંદરથી બંધ હતું તેથી બહારથી કોઇ આવી શકે તેમ નહોતું.
  • પુત્રવધૂ આગ લગાવતા હાથે દાઝી ગઇ હતી.
  • પતિ ગયો ત્યારે પુત્રવધુએ અલગ કપડા પહેર્યા હતા અને હત્યા બાદ બીજા ?
  • અગાઉ પહેરેલા કપડા પર લોહીના નિશાન હતા અને બાથરૂમમાં ધોઈ નાખ્યા હતા.
  • સળગેલા વાળ અને ચાદર કોથળીમાં ભરી બહાર ફેંક્યા

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો