રાજકોટમાં સિવિલે 103 વેન્ટિલેટર 38 ખાનગી હોસ્પિટલને મફતમાં આપ્યા હતાં, ખાનગી હોસ્પિટલે દર્દીઓ પાસેથી 21500 રૂપિયા પ્રતિ દિવસ લેખે ચાર્જ વસૂલી 54 કરોડની કમાણી કરી

રાજકોટમાં છેલ્લા 20 દિવસથી લોકો વેન્ટિલેટર બેડની અછતથી પરેશાન છે. સિવિલ હોસ્પિટલમાં એવા 650થી વધુ દર્દીઓ એવા હતા કે જેઓની હાલત ગંભીર હતી પણ વેન્ટિલેટર ખાલી ન હોવાથી મોતને ભેટ્યા હતા. એક મહિનામાં 4000થી વધુ દર્દીઓ દાખલ થયા પણ આટલા દર્દી વચ્ચે 201 જ વેન્ટિલેટર હતા. આવી કપરી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં નવા 40 વેન્ટિલેટર ખરીદ કરીને વસાવાયા હતા જ્યારે અન્ય જિલ્લાઓમાંથી પણ વેન્ટિલેટર ઉધાર લેવાયા હતા આમ છતાં વેન્ટિલેટર પૂરતા ન હોવાથી ઘણા દર્દીઓના શ્વાસ થંભી ગયા હતા અને જરૂર હોવા છતાં વેન્ટિલેટર પર મૂકી શકાયા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ખાનગી હોસ્પિટલે દર્દી પાસેથી તગડી ફી વસૂલી

એવું નથી કે સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર ઓછા હતા. ના, સિવિલના મોંઘાદાટ 103 વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલ ઉસેડી ગઈ છે અને તેનો ઉપયોગ કરીને દર્દીઓ પાસેથી પ્રતિ દિવસના 21500ના ભાવે ચાર્જ વસૂલી રહ્યા છે અને અત્યાર સુધીમાં માત્ર વેન્ટિલેટરમાંથી જ 54.47 કરોડની કમાણી કરી લીધી છે. ઓગસ્ટ માસમાં જ્યારે કોરોનાની પ્રથમ લહેર રાજ્ય પર ત્રાટકી ત્યારે લોકો પાસે સિવિલ હોસ્પિટલ સિવાયના વિકલ્પ ઓછા હતા. તંત્રે લોકોની મદદ થાય તે માટે નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા ખાનગી હોસ્પિટલને વિનંતી કરી હતી ત્યારે હોસ્પિટલ્સે કહ્યું હતું કે, વેન્ટિલેટર મોંઘા આવે છે તેમજ અત્યારે અછત હોવાથી વધારે ભાવ છે.

સરકારી વેન્ટિલેટર હોવા છતાં દર્દીઓને લાભ ન આપ્યો

આ કારણે રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલમાં જે વધારાના વેન્ટિલેટર છે તે ટૂંકા ગાળા એટલે કે વેન્ટિલેટર ખરીદે ત્યાં સુધી ઉધાર આપ્યા હતા. રાજકોટમાં આવા 103 વેન્ટિલેટર 38 હોસ્પિટલ ઉસેડી ગઈ અને ત્યારથી અત્યાર સુધી પરત આપ્યા જ નથી. આ કારણે જ્યારે સિવિલ હોસ્પિટલમાં અછત ઊભી થઈ તો તંત્ર પાસે કોઇ વિકલ્પ ન રહેતા ઘણા દર્દીઓ વેન્ટિલેટર વગર મોતને ભેટ્યા છે. જ્યારે 103 વેન્ટિલેટરના દૈનિક 21500 રૂપિયા લેખે હોસ્પિટલ્સ 54.47 કરોડ રૂપિયા દર્દીઓ પાસેથી વસૂલી ચૂકી છે અને સરકારી વેન્ટિલેટર હોવા છતાં તેનો લાભ લોકોને આપ્યો નથી.

ખાનગી હોસ્પિટલને 6.5 લાખ ખર્ચવા નથી એટલે શહેરમાં આઈસીયુ બેડની અછત

ખાનગી હોસ્પિટલ કોરોનામાં કરોડો રૂપિયા કમાઈ રહી છે છતાં વેન્ટિલેટર ખરીદવાનો ખર્ચ કરવો નથી. લગભગ દરેક હોસ્પિટલ સિવિલમાંથી મફતના વેન્ટિલેટર લઈ ગઈ છે. હવે તો બજારમાં પણ વેન્ટિલેટર ઓર્ડર આપ્યાના સપ્તાહમાં મળી જાય છે અને કિંમત 6.5 લાખથી શરૂ થાય છે. આમ છતાં હોસ્પિટલ ખરીદવા ઈચ્છતી નથી તેઓ એવું માને છે કે કેસ ઘટી જશે પછી ઉપયોગ નહીં થાય. આવી માત્ર આર્થિક લાભની વિચારસરણીને કારણે વેન્ટિલેટર બેડની સંખ્યા ન વધતા દર્દીઓ પરેશાન થયા છે. બીજી તરફ અમુક હોસ્પિટલ્સે તો વેન્ટિલેટરના વિક્રેતાઓ પાસે ભાડે માગ્યા છે જોકે ભાડે ન આપી શકાય તેવી જોગવાઈ હોવાથી શક્ય બન્યું નહિ અને હવે તેઓ ખરીદતા નથી.

કઈ કંપનીના કેટલા વેન્ટિલેટર્સ ગયા

AGVA 5
DHAMAN III 17
BELL 81

અમને કહ્યું એટલે વેન્ટિલેટર આપી દીધા: અધિક્ષક

પ્રથમ વેવમાં સિવિલ પાસે પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર હતા અને તેથી જ ઉપરથી સૂચના આવી હતી કે ખાનગી હોસ્પિટલને અમુક વેન્ટિલેટર આપવા એટલે અમે જે પણ હોસ્પિટલે માગ્યા તેને વેન્ટિલેટર આપ્યા. અત્યારે બધા ઉપયોગ કરી રહ્યા છે. જોકે સિવિલ હોસ્પિટલે આ વેન્ટિલેટર માટે એક રૂપિયાનો પણ ચાર્જ લીધો નથી. વિનામૂલ્યે ઉપયોગ કરવા માટે જ આપ્યા છે. > ડો. આર. એસ. ત્રિવેદી, તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ

સરકારનો હેતુ સારવારનો વ્યાપ વધારવાનો હતો

પ્રથમ વેવ વખતે જ્યારે સરકાર પાસે વેન્ટિલેટરનો પૂરતો જથ્થો હતો ત્યારે ખાનગી હોસ્પિટલ્સે કોવિડ હોસ્પિટલ શરૂ કરવા વેન્ટિલેટરની માંગ કરી હતી ત્યારે આવેલી સૂચના મુજબ વિનામૂલ્યે ઉપયોગ કરવા વેન્ટિલેટર અપાયા હતા. આ નિર્ણયનો હેતુ વધુમાં વધુ વિસ્તારમાં સેવા વધારવાનો હતો. જે હોસ્પિટલ સક્ષમ થઈ હોય તો નવું ખરીદ કરે અને પરત આપે તે જરૂરી છે. > રેમ્યા મોહન, જિલ્લા કલેક્ટર

સૌથી મોંઘા અને એડવાન્સ વેન્ટિલેટર જ લઈ ગયા

​​​​​​​ખાનગી હોસ્પિટલના સંચાલકોને વેન્ટિલેટરનો મફતમાં ઉપયોગ કરવાનો મોકો મળ્યો તો તેમાં પણ પોતાનો વધુ લાભ જોયો હતો અને સિવિલમાં પહેલાથી જ લગાવાયેલા સૌથી એડવાન્સ અને મોંઘા એવા બેલ કંપનીના જ વેન્ટિલેટર ઉપાડી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો