સુરતમાં કોર્પોરેટરે સિટી બસમાં ટિકિટનાં પૈસા લઈ ટિકિટ નહીં આપી કટકી કરતાં કંડક્ટરોનું કૌભાંડ ઝડપ્યું

સિટી બસ સર્વિસનાં ડ્રાઈવરોનાં બેફામ ડ્રાઈવિંગ સામે ઘણા સવાલો ઉઠતા હતાં. બાદમાં સિટી બસ સર્વિસમાં ફરજ બજાવતા કન્ડક્ટરો દ્વારા મુસાફરો પાસેથી ટિકિટનાં પૈસા લઈ ટિકિટ નહીં આપી કટકી કરાતી હોવાના વીડિયો પુરાવા સાથે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ પાલિકામાં રજૂઆત કરી હતી સાથે કંડક્ટર સપ્લાય કરતી એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની પણ માંગ કરી છે. મેયરે આ બાબતે કોઈ જ જાતની ગેરરીતિ ચલાવ્યા વગર તપાસ કરીને કાયદેસરના પગલાં લેવાની વાત કરી હતી તો કંડક્ટરને સસ્પેન્ડ કરીને ફ્લાંઈગ સ્ક્વોર્ડને વધુ ચેકીંગ કરવા કહી દેવાયાનું એજન્સીએ કહ્યું હતું.

સિટી બસમાં ટિકિટ વગર મુસાફરી કરાવતો કન્ડકટર (ઈન્સેટમાં ડાબે) કૌભાંડને ઉજાગર કરનાર કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા (ઈન્સેટમાં જમણે નીચે)

પુરાવા સાથે રજૂઆત કરીઃ દિનેશ કાછડીયા

દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, પાલિકા સંચાલિત બસમાં તેઓએ જાતે જઈને તપાસ કરી હતી. કંડક્ટરો દ્વારા લોકોને માંગવા છતાં પણ ટિકિટ આપવામાં આવતી નહોતી. જે રૂપિયા આવે તે ખીસ્સામાં નાખી દેવામાં આવતાં. આ પ્રકારના વીડિયો સાથે પાલિકામાં રજૂઆત કરવામાં આવી. પાલિકા સંચાલિત સિટી બસમાં જે રીતની ગેરરીતિઓ કંડક્ટર દ્વારા ચલાવવામાં આવે છે તેનાથી પાલિકાની તિજોરીને નુકસાન થતાં આખરે તો સામાન્ય લોકો પર જ બોજ વધે છે. અમે કંડક્ટરને ઓછો પગાર આપીને વધુ પૈસા ગજવે ઘાલતી કંડકટર સપ્લાય કરતી ચારેય એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવાની પણ માંગ કરી છે.

સિટી બસનું 260 કરોડનું નુકસાન

મહાનગર પાલિકા દ્વારા ચાલતી સિટી બસમાં 260 કરોડનું નુકસાન થયું હોવાનું કહેતા દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, 850 બસ ચાલે છે અને હજુ 50 વધારાની બસ ચલાવવાની દરખાસ્ત છે. પાલિકાના ધોળા હાથી સમાન નુકસાન કરતાં આ પ્રોજેક્ટને બંધ કરી દેવો જોઈએ. મને લાગે છે કે, ટિકિટ વગર મુસાફરી કરાવવામાં અધિકારીઓની સાથે અમુક લોકોનો પણ ભાગબટાઈ હશે તો જ આ પ્રકારે કંડક્ટરોમાં હિંમત આવે..

ગેરરીતિ ચલાવાશે નહીં: મેયર

મુસાફરોને ટિકિટ ન આપવા અંગે મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. ગેરરીતિ ધ્યાન પર આવે તો પગલાં લેવાતા હોય છે અને આગળ પણ લઈશું. વાત બસ કંડક્ટર સપ્લાય કરતી એજન્સીની હશે તો તેની સામે પણ તપાસ કરીને ટર્મીનેટ કરવી પડે એજન્સીને કે બ્લેકલીસ્ટ કરવી પડે જરૂર કરવામાં આવશે. હું પોતે અઠવાડીયામાં એક વાર પ્રવાસ સિટીબસમાં કરૂં છું પરંતુ હજુ મારા ધ્યાન પર આવું કશું આવ્યું નથી. પણ ફરિયાદો જે પ્રકારે મળી રહી તે જોતા તેમાં તથ્ય પણ લાગે છે.

કન્ડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે

આ અંગે ફરિયાદ મળી હતી અને ફરિયાદનાં સંદર્ભમાં તપાસ માટે ટીમ પણ મોકલવામાં આવી હતી. બંને કન્ડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમારી ફ્લાઈંગ સ્ક્વોડને પણ સૂચના આપવામાં આવી છે. – રાજેન્દ્ર પુરોહિત, આસી. મેનેજર, સિટીલિંક

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો