વડોદરામાં કૂતરું કરડતા જાગૃત નાગરિકે મ્યુનિસિપલ કમિશનર સામે વળતરનો દાવો કર્યો

વડોદરા શહેરના છાણી ટીપી-13માં રહેતા એક વ્યક્તિને કૂતરું કરડતા મ્યુનિસિપલ કમિશનર સામે વળતરનો દાવો કર્યાંનો પ્રથમ કિસ્સો બન્યો છે. પાલિકા દ્વારા કૂતરાઓની વસ્તી ઘટાડવા વાર્ષિક રૂપિયા 1.25 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં વડોદરા શહેરમાં કૂતરાઓનો ત્રાસ યથાાવત છે. હજુ વડોદરાની જનતાને આગામી 12 વર્ષ સુધી રખડતા કૂતરાઓથી બચવું પડશે.

કૂતરું કરડતા 3 દિવસ નોકરી પર ન જઇ શક્યા

વડોદરા શહેરના છાણી ટી.પી.-13માં આવેલા ડી-4, ગાંધીનગર સોસાયટીમાં રહેતા રમેશભાઇ ભુદરભાઇ પરમાર(48) પહેલી સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ નોકરી ઉપરથી ઘરે જઇ રહ્યા હતા, ત્યારે છાણી વિસ્તારમાં પાછળથી ધસી આવેલા ત્રણથી ચાર કૂતરાના ટોળાએ પગના પંજામાં બચકું ભરતા ઇજા પામ્યા હતા. તેઓએ ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. અને 3 દિવસ નોકરી ઉપર જઇ શક્યા ન હતા.

પાલિકા વેરો વસૂલે છે તો કૂતરાની સારસંભાળની જવાબાદારી પણ તેમની જ છે

રમેશભાઇ પરમારે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા આકારણીમાં કૂતરા વેરો વસૂલ કરવામાં આવે છે. જેથી પાલિકાની જવાબદારી બને છે કે, કૂતરાઓની સારસંભાળ રાખવી અને શહેરીજનોને કૂતરાઓથી સુરક્ષા પૂરી પાડવી. મને કૂતરું કરડતા હું ત્રણ દિવસ નોકરી ઉપર જઇ શકું તેમ નથી. જેથી મેં પાલિકા પાસે વળતર માંગવા માટે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. મને આશા છે કે, ગ્રાહક સુરક્ષા કોર્ટ તરફથી મને ન્યાય મળશે.

પાલિકા કૂતરાના ખસીકરણ માટે 1.25 કરોડ ફાળવે છે

વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. દેવેશ પટેલે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા વડોદરા શહેરમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે વાર્ષિક રૂપિયા 1.25 કરોડ ફાળવે છે. અને પાલિકા દ્વારા એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની માન્ય સંસ્થા વડોદરા સોસાયટી ફોર પ્રિવેન્સીયન ઓફ પ્રુવલ્ટી અગેન્સ એનિમલ (વી.એસ.પી.સી.એ.) અને હ્યુમેન સોસાયટી ઇન્ટરનેશનલ (એચ.એસ.આઇ.) દ્વારા કૂતરાઓનું ખસીકરણ કરાવવામાં આવે છે.

સંસ્થાઓને એક કૂતરાના ખસીકરણ દીઠ રૂપિયા 1050 આપવામાં આવે છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સંસ્થાઓને એક કૂતરાના ખસીકરણ દીઠ રૂપિયા 1050 આપવામાં આવે છે. અને પાલિકાની વિજિલન્સ, ઓડિટ શાખા અને માર્કેટ શાખાની બનેલી ટીમ દ્વારા પ્રતિ માસ સંસ્થાઓમાં જાય છે. અને સંસ્થા દ્વારા કૂતરાના કરવામાં આવેલ ખસીકરણના ઓર્ગનની ગણતરી કરે છે. ફોટા પાડે છે. ગણતરી મુજબ જેટલા ઓર્ગન થાય તે પ્રમાણે રકમ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ઓર્ગનનો નાશ કરવામાં આવે છે. કૂતરાઓના ખસીકરણની કામગીરી શરૂ કરે પોણા ચાર વર્ષ જેટલો સમય થયો છે. આ કામગીરી આગામી 12 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે તો જ શહેરમાં કૂતરાઓની સંખ્યામાં ઘટાડો જણાશે.

42,200 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું

પાલિકાના ડો. વિજય પટેલે જણાવ્યું કે, પાલિકા દ્વારા 15-10-015થી કૂતરાના ખસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. કૂતરાના ખસીકરણની કામગીરી કરતી બે સંસ્થાઓ દ્વારા આજ દિન સુધીમાં 42,200 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. વાઘોડિયા તાલુકાના ખંટબા અને પાદરા તાલુકાના ચાપડ ગામ ખાતે આવેલી આ બંને સંસ્થાઓ દ્વારા એક માસમાં સરેરાશ 600 જેટલા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે.

રોજ 8થી 10 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે

વી.એસ.પી.સી.એ.ના ડો. સી.બી. પટેલે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા પાદરા તાલુકાના ચાપડ ગામે આવેલી છે. અને અમારી સંસ્થા દ્વારા પ્રતિદિન 8થી 10 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે. આમ છેલ્લા એક વર્ષમાં 10 હજાર જેટલા કુતરાઓને પકડી લાવી ખસીકરણ કરવામાં આવ્યું છે. ખસીકરણ માટે અત્યાધુનિક લેબોરેટરી છે. જેમાં કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે. અમારી પાસે કૂતરાઓને પકડવા માટે જી.પી.એસ. સિસ્ટમ લગાવેલી બે ગાડી છે. જ્યાંથી અમે કૂતરા પકડીને લાવીએ છે. તે કૂતરાનું ખસીકરણ કરીને જે-તે સ્થળે છોડી દેવામાં આવે છે. અમારી સંસ્થામાં 19 સભ્યો છે. જે સભ્યો કૂતરા ઉપરાંત અન્ય પશુઓની પણ સારવાર માટે કામ કરે છે.

75 ટકા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે

એચ.એસ.આઇ.ના પ્રોજેક્ટ મેનેજર ડો. સંજય આહિરે જણાવ્યું કે, વડોદરામાં અમારી સંસ્થા દ્વારા 75 ટકા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. અમારી સંસ્થા ખંટબા ખાતે આવેલી છે. અને ત્યાં કૂતરાઓના ખસીકરણ માટે અત્યાધુનિક લેબોરેટરી છે. જે લેબોરેટરીમાં કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે. અમારી સંસ્થામાં 17નો સ્ટાફ છે. જે કૂતરાઓના ખસીકરણ માટે કામગીરી કરે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો