રાજકોટના ખનીજ માફિયાની ચોટીલા મામલતદારને ખુલ્લી ધમકી, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકો કરીને….!

ચોટીલા હાઈવે પર રેતી ભરીને જતાં ડમ્પરને પકડીને અહીંના મામલતદારે પોલીસ મથકે લઈ જતા ડમ્પર છોડાવવા રાજકોટના ખનીજ માફિયાએ ધમપછાડા કર્યા હતા. એટલું જ નહીં, તેણે મામલતદારને ચોટીલા પોલીસ મથકની બહાર જ ખુલ્લી ધમકી આપીને કહ્યું કે, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકે દઈ મારી નાખીશ’ ઘટના બાદ સાંજે મામલતદાર કોઈ જરૂરી સરકારી કામથી બહાર જતા ખનીજ માફિયા અને તેના સાગરિતોએ તેઓની કાર આંતરી હુમલાનો પ્રયાસ કરતા મામલતદારે ફોન કરી પોલીસને બોલાવી લેતા પોલીસને જોઈ ખનીજ માફિયા ત્યાંથી ભાગી ગયા હતા.

લીંબડી ભોગાવા નદીમાંથી રેતી ભરીને રાજકોટ જતા ચોટીલા હાઈવે ઉપર મામલતદારની ટીમે ડમ્પરની તપાસ કરતા રોયલ્ટી પાસ મરમીટ અને વાહનની આર.સી.બુક અને ડ્રાઈવર પાસે લાઈસન્સ સહીતના પુરાવા ન મળતા મામલતદારે રેતી ભરેલું ડમ્પર સીઝ કરી ચોટીલા પોલીસ સ્ટેશને લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરતા હતા. ખનન માફીયાએ પોલીસ સ્ટેશનની બહાર મામલતદારને અપશબ્દો બોલી ભડકો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યાની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટર અને ભૂસ્તર શાસ્ત્રીની સૂચનાથી તમામ તાલુકાના મામલતદારને સુચના આપવામાં આવી છે. જેમાં ગત તા. 27ના રોજ ચોટીલા મામલતદાર પ્રકાશ ગોઠી પોતાના સ્ટાફ સાથે ચોટીલા હાઈવે ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા, તે સમયે સાયલા તરફથી રેતી ભરેલું ડમ્પર જીજે.3 એઝેડ 8700ને ઉભુ રખાવી તપાસ કરતા ડ્રાઈવર પાસે રોયલ્ટી પાસ ન હતો અને ડમ્પરના કાગળો અને લાઈસન્સ પણ ન મળતા મામલતદારની ટીમે ડમ્પરને વજનકાંટા ઉપર લઈ જઈ વજન કરી રૂપિયા 63, 540ની રેતી અને 25 લાખનું ડમ્પર મળી કુલ રૂપિયા 25.63 લાખનો મુદ્દામાલ સીઝ કરી ચોટીલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

આ સમયે ડમ્પરના ડ્રાઈવરે તેના માલિકને ફોનથી સઘળી માહિતી આપતા ચોટીલા પોલીસ સ્ટેશને ખનન માફિયો પહોંચીને પોતાના મોબાઈલમાંથી અન્ય વ્યક્તિને ફોન કરીને તેની સાથે વાત કરતા મામલતદારને જણાવેલ પણ મામલતદારે જે કોઈને કામ હોય તે ઓફિસ આવીને વાત કરે તેમ કહી ફોન ઉપર વાત કરી ન હતી. મામલતદારની ટીમ ચોટીલા પોલીસ સ્ટેશનથી બહાર નીકળતા ખનન માફીયા રાહુલ હેરમાં રહે. રાજકોટવાળો મામલતદાર પાસે આવીને બેફામ અપશબ્દો બોલી કેમ ફોન ઉપર વાત નો કરી, હવે તુ મારી ગાડી પકડ ખબર પડે ભડાકો (ફાયરિંગ) કરીને મારી નાખું છું કે નહીં તે જો તેમ કહી જતો રહ્યો હતો.

સમી સાંજના કચેરી છુટવાના સમયે આરોપી રાજભા હેરમા અને અન્ય બે શખસો કાળા કલરની મારૂતી અલ્ટો નંબર જીજે.21એએ 723માં આવીને મામલતદાર કચેરીના પાર્કીંગમાં રેકી કરવા ઉભા હતા. મામલતદાર સરકારી કારમાં ઓફિસથી નીકળી ભોજપુરી ગામે રાત્રી સભામાં જતા પહેલા પોતાના ઘરે જઈનેસ્વેટર પહેરી બહાર નીકળતા આરોપીઓની કાર રસ્તા ઉપર આડી ઉભી રાખી દીધી હતી. જેથી મામલતદારના ડ્રાઈવરે પોતાની કાર અન્ય ગલી ખાચામાંથી કાઢી હાઈવે રોડ ઉપર ચડતા આરોપીઓની કારે પીછો કરવામાં આવતા મામલતદાર પ્રકાશ ગોઠીએ ચોટીલા પોલીસ સ્ટેશને ફોન કરતા પોલીસની કાર જોઈ આરોપીઓ રાજકોટ તરફ નાસી છુટ્યા હતા. ચોટીલા મામલતદાર પ્રકાશ ગોઠીએ ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી બાબતે રાહુલ હેરમાં સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

રાજકીય ઓથા હેઠળ ખનન માફિયાઓ બેફામ બન્યા

જીલ્લાની કુદરતી સંપદા ઉપર મોટાભાગે રાજકીય ભૂ-માફીયાઓનો ડોળો ફરી રહ્યો છે. જેમાં ભૂ-માફીયાઓ દ્વારા ખનીજની ટીમ અને પોલીસ ઉપર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હોય તેવો આ પહેલો બનાવ નથી ભૂતકાળમાં વઠવાણના વસ્તડી, કેરાળા, મુળી, જોરાવરનગર અને રાણપુર સહિત અનેક તાલુકાઓના પોલીસ સ્ટેશનમાં ભૂ-માફીયાઓ દ્વારા રેકી અને હુમલાના ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ભાજપના રાજમાં લુખ્ખાઓને મોકળું મેદાન

ભાજપમાં રાજમાં લુખ્ખા અને અસામાજીક તત્વોને દિવસેને દિવસે મોકળું મેદાન મળી રહ્યું છે. નજીવી બાબતે ગાંધીનગર બેઠેલા રાજકીય આકાઓ સાથે વાત કરાવાનું કહીને સરકારી અધિકારીઓ ઉપર રોફ જમાવી રહ્યા છે. રાજકીય આશારે મલાયદાર રેવન્યુ વિભાગ અને પોલીસ સ્ટેશનોમાં સ્પેશિયલ ઓર્ડર થતા જે તે વિસ્તારમાં રાજકીય આકાઓની બોલબોલા જોવા મળી રહી છે. જો કોઈ સરકારી બાબુ પોતાની ખાખીની કે હોદ્દાનો ઉપયોગ કરી તો તેને છેવાડાના અને લુખ્ખા વિસ્તારમાં બદલી કરી દેવામાં આવતી હોવાથી સરકારી બાબુઓએ પણ પોતાના માન મોભાને નેવે મુકીને નોકરી કરવાની નોબત ભાજપના રાજમાં આવી હોવાની ચર્ચાએ ભારે ચકચાર મચાવી મુકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો