કોરોના વાયરસના કારણે પહેલી વાર એવું બન્યું કે ચીન ભારતમાંથી સર્જિકલ માસ્ક ખરીદી રહ્યું છે, ગુજરાતમાંથી રોજના 5 લાખથી વધુ માસ્કની માંગ

ચીનમાં અત્યારે કોરોના વાયરસે એવો તે હાહાકાર મચાવ્યો છે કે, આખી દુનિયામાં પ્રોડક્શન હાઉસ તરીકેની ખ્યાતિ મેળવનારું ચીન પોતાની જ જરૂરિયાત જેટલા માસ્કનું ઉત્પાદન કરી શકતું નથી. ડિસ્પોઝેબલ માસ્કનો એક દિવસ જ વપરાશ કરી શકાય છે અને આ કારણે હવે ચીનમાં વપરાશ સામે માસ્કનું ઉત્પાદન ઘટી ગયું છે.

આથી જ પહેલી વાર એવું બન્યું છે ચીને પોતાની જરૂરિયાત માટે ભારતથી માસ્કની ખરીદી શરુ કરી છે. આનો સીધો ફાયદો ગુજરાતના માસ્ક ઉત્પાદકોને મળ્યો છે. રાજ્યના ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી હાલ રોજના 5 લાખથી વધુ ડિસ્પોઝેબલ માસ્કની ચિનમાં નિકાસ થઈ રહી છે. હજી પણ ત્યાંની માગને જોતા સ્થાનિક ઉત્પાદકોએ એપ્રિલ સુધી બીજા કોઈ ઓર્ડર લેવા પડશે નહીં. અમદાવાદના માસ્ક ઉત્પાદક સેલ્સ પ્રોડક્ટ્સના પાર્ટનર આશિષ કોટાડિયાએ જણાવ્યું કે, ચીને અગાઉ કદી ભારતમાંથી માસ્ક ખરીદ્યા નથી. પરંતુ કોરોના વાયરસના કારણે ત્યાં સર્જીકલ માસ્ક અને રેસ્પોરેટરી માસ્કની માગ ખૂબ વધી છે, જેને પૂર્ણ કરવા ગુજરાતના કારખાનાઓમાં મજૂરો ડબલપાળી કરી રહ્યા છે. આ ઉપરાંત ચેન્નાઈ અને મદુરાઈમાં પણ ચીનથી માસ્કની ડિમાન્ડ આવી રહી છે.

ચીનની જંગી માગ પૂરી કરવા જેટલી પ્રોડક્શન કેપેસિટી નથી

નિક્શી મલ્ટી પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર ચિરાગ કાબ્રાએ જણાવ્યું કે, ભારતમાં ડિસ્પોઝેબલ માસ્ક ઉત્પાદન એ લઘુ ઉદ્યોગની કેટેગરીમાં આવે છે. ગુજરાતમાં પણ મોટાભાગના નાના ઉત્પાદકો છે. આની સામે ચીનની માગ ઘણી જ મોટી છે જે આપણા માટે પૂરી કરવી અશક્ય છે. આ ઉપરાંત ક્વોલિટી પણ એક સમસ્યા છે. આમ છતાં આ એક તક છે અને ઘણા ઉત્પાદકો તેનો લાભ લઇ રહ્યા છે. બીજી તરફ ભારતીય માગ પણ એટલી જ રહેતી હોવાથી મોટા પ્રમાણમાં નિકાસ કરાવી શક્ય નથી.

એર ટ્રાન્સપોર્ટથી માસ્ક મોકલાઈ રહ્યા છે

કોરોના વાયરસના કારણે ચીનમાં ઝડપથી માસ્ક પહોચાડવા પડે તેવી સ્થિતિ છે અને આના માટે એર ટ્રાન્સપોર્ટ એક માત્ર રસ્તો છે. જોકે ચીનમાં જે રીતે ઈમરજન્સી છે તેના કારણે ઘણી એરલાઇન્સે ફ્લાઈટ્સ રદ્દ કરી છે. આ સ્થિતિમાં ઉત્પાદકોને ચીનમાં માલ મોકલવામાં મુશ્કેલી આવી રહી છે.

ઉત્પાદકો કારીગરોને બમણો પગાર આપવા વિચારી રહ્યા છે

આશિષ કોટાડિયાએ જણાવ્યું કે, અમારી પાસે ચીનનો ઓર્ડર આવ્યો છે અને અમે રોજના 1 લાખ માસ્ક નિકાસ કરી રહ્યા છીએ. આટલું ઉત્પાદન કરવા માટે અમારે બે અને ત્રણ શિફ્ટમાં કામ કરવું પડશે. આટલું મોટું ઉત્પાદન કારીગરોની મદદ વગર શક્ય નથી એટલે અમે તેઓને બમણો પગાર આપવા માટે વિચારી રહ્યા છીએ. અમારી જેમ અન્ય ઉત્પાદકો પણ આવું કરવા ધરી રહ્યા છે.

વાયરસ અને તહેવારોના કારણે ચીનમાં ઉત્પાદનને અસર થઇ

માસ્ક ઉત્પાદકોના મતે, ચીનમાં કોરોના વાયરસના કારણે ઘણી જગ્યાએ માસ્કનું ઉત્પાદન બંધ છે. આ ઉપરાંત ત્યાં નવુંવર્ષ હોવાના કારણે રજા પણ હતી જેના કારણે ઉત્પાદન બંધ હતું. વેકેશન બાદ વાયરસના ડરના લીધે ચીનમાં ઘણી જગ્યાએ શટડાઉનની સ્થિતિ છે એટલે ત્યાના માસ્ક ઉત્પાદનને અસર થઇ હોવાથી ચીન ભારત, બાંગ્લાદેશ સહિત વિશ્વભરમાંથી માસ્ક ખરીદી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો