સુરતમાં માતા-પિતા સાથે બાઈક પર જઈ રહેલા બાળકનું પતંગની દોરીથી ગળું કપાયું, રસ્તા પરથી પસાર થતા કોન્સ્ટેબલ બાળકને લઈ હોસ્પિટલ દોડી ગયા

ઉતરાયણની મજા મુંગા પક્ષીઓ અને બાઈક ચાલકો માટે સજા રૂપ બની જતાં હોય તેવી ઘટનાઓ બનતી હોય છે. પતંગના દોરાથી ચાર વર્ષના બાળકનું ગળું કપાઈ ગયું હતું.માતા પિતા સાથે મંદિરે દર્શન કરવા નીકળેલા 3 સંતાનો પૈકી ચાર વર્ષનું બાળક આગળ બેઠું હતું ત્યારે કોર્ટ નજીક પતંગનો દોરો ગળે ભેરવાતા પિતાએ પુત્રને બચાવવા બ્રેક મારી એ દરમિયાન બાઈક રોડ પર સ્લિપ થતાં પરિવાર રોડ પર પડી ગયો હતો. જેથી રસ્તા પરથી પસાર થઈ રહેલા પોલીસ કોન્સ્ટેબલે પોતાની બાઈક બીજાને ચલાવવા દઈ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત બાળકને સિવિલ હોસ્પિટલ લઈ દોડી આવ્યાં હતાં. હાલ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત બાળકની સિવિલમાં વધુ સારવાર શરૂ કરાઈ છે.

ત્રણ બાળકો આગળ બેઠાં હતાં

ચલથાણ ખાતે રહેતા શિવમ પપ્પુસિંગ(ઉ.વ.આ.4)ના માતા પિતા સાથે પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પિતા પપ્પુસિંગે બાઈકની ટાંકી પર પોતાના ત્રણેય સંતાનોને બેસાડ્યાં હતાં. સૌથી આગળ ચાર વર્ષનો શિવમ બેઠો હતો. લગભગ સવા દસ વાગ્યા આસપાસ પપ્પુસિંગ બાઈક લઈને કોર્ટ બિલ્ડીંગ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં એ દરમિયાન જ કપાયેલા પતંગનો દોરો શિવમના ગળે ભેરવાયો હતો. જેથી પિતા બાળકને બચાવવા જતાં બ્રેક મારતાં પરિવાર સાથે રસ્તા પર પડી ગયાં હતાં.

કોન્સ્ટેબલે દાખવી સમય સૂચકતા

પપ્પુસિંગની બાઈક સ્લીપ થઈ એ દરમિયાન જ હેડક્વાર્ટસમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ કિરીટ પટણી ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. નાનકડા શિવમના ગળા પર પતંગનો દોરો અંદર ધુસી ગયો હોવાથી લોહી નીકળી રહ્યું હતું. જેથી કોન્સ્ટેબલ કિરીટ પટણીએ વધુ સમય ન બગાડતાં તાત્કાલિક પોતાની બાઈક અન્યને ચલાવવા આપી દઈને શિવમને પોતે તેડી લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો.

સિવિલમાં સારવાર શરૂ કરાઈ

મૂળ યુપીના પપ્પુસિંગ ડાઈંગ ખાતામાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે આજે રજા હોવાથી તેઓ પરિવાર સાથે બહાર નીકળ્યાં હતાં એ દરમિયાન જ દીકરાનું ગળું કપાતા સિવિલ હોસ્પિટલમાં આવી ગયાં હતાં. તબીબોએ નાનકડા શિવમના ગળાના ભાગે વધારે ઈન્જરી થઈ હોવાથી તાત્કાલિક ઓપરેશન થીએટરમાં લઈ જઈને ઓપરેશન શરૂ કર્યું હતું.7 સેન્ટિ મીટર લાંબો અને 3 સેન્ટિ મીટર ઊંડો કાપો પડી ગયો હોવાથી ગળામાં અંદરની બાજુ 12 ટાંકા અને બહારની બાજુ 20 ટાંકા તબીબોએ લીધા હતા આરએમઓએ કોન્સ્ટેબલની કામગીરીને બિરદાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો