બાળકોને મોબાઈલ રમવા આપતા વાલીઓ ચેતજો

બા‌ળકોના મોબાઇલ અને કોમ્પ્યુટર ગેમ પ્રત્યેના વધારે પડતા લગાવને કારણે વિદેશોમાં સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગેમ પ્રત્યે શહેરના બાળકો પર સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા રસપ્રદ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોના ગેમ તથા કયા પ્રકારની ગેમ રમવામાં વધારે રસ ધરાવે છે. તેવા સવાલો પૂછ‌વામાં આવ્યા હતા. વધુમાં મયુરે જણાવ્યું હતું કે બાળકો તેમના જીવનના મહત્ત્વના સમયને ગેમ રમવા પાછળ વેડફી રહ્યાં છે. અન્ય દેશોમાં સરકાર દ્વારા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ગેમ પર કડક કાયદાનું નિયમન લાગુ કરી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે ભારત સરકાર દ્વારા બાળકોના ભવિષ્યને ધ્યાને રાખીને ગેમના નિયમન બાબતે હસ્તક્ષેપ કરવો જોઇએ. કલાકો સુધી મોબાઇલ અને કમ્પ્યૂટર પર ગેમ રમતા બાળકો મોયોપિયા (નજીકનું જોવા માટે ચશ્માના નંબર)ના શિકાર બની રહ્યા છે.

એક કલાકથી વધારે ગેમ રમવું ટાળવું જોઇએ

ગેમ પ્રત્યે બાળકોમાં દિવસે ને દિવસે ક્રેઝ વધી રહ્યો છે. જેને કારણે તેમની આંખોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસરો જોવા મળે છે. મનોરંજનના ઉદ્દેશ્યથી ગેમ અડધો કલાકથી એક કલાક સુધી રમી શકાય. વધારે સમય ગેમ પાછળ આપવાને કારણે બાળકોની આંખોમાં સ્ટ્રેસ પડે છે. વધુ ગેમ રમવાને કારણે માયોપીયા ( નજીકનું જોવા માટે ચશ્માના નંબર)નાં શિકાર થઇ જતાં હોય છે. – ડો.આસ્થા પટેલ, ઓપ્થેલ્મોલોજિસ્ટ

ગેમિંગ એડિક્શન એક બીમારી?

દેશ અને દુનિયામાં મોબાઇલ અને ગેમ પર લોકોની વધતી નિર્ભરતા જોઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગેમિંગ એડિક્શનને ડિસઑર્ડર જાહેર કરી માનસિક બીમારીની શ્રેણીમાં રાખ્યું છે.

પરંતુ એવું નથી કે ગેમ રમવાની આદત માત્ર બાળકોને હોય છે. ડૉક્ટર જયંતી દત્તા મુજબ વયસ્કોમાં પણ આ બીમારી જોવા મળે છે. તેમનું કહેવું છે કે ઘણી ઓફિસોમાં પણ એન્ગ્રી બર્ડ, ટૅમ્પલ રન, કૅન્ડી ક્રશ, કોન્ટ્રા જેવી ગેમના ચાહકો જોવા મળશે. ડૉક્ટર જયંતી દત્તા એક મનોવિજ્ઞાનિક છે. તેમના અનુસાર લોકો સમય વિતાવવા માટે ગેમ રમવા લાગે છે. પરંતુ એ આદત ક્યારે બની જાય એની જાણ રહેતી નથી.

ગેમિંગ ડિસઑર્ડર શું છે?

WHOની યાદી અંતર્ગત આ આદત ડિજિટલ અને વીડિયો ગેમ બંને હોઈ શકે છે. WHO મુજબ આ બીમારીના શિકાર લોકો તેમના અંગત જીવન કરતાં ગેમને વધુ મહત્ત્વ આપે છે. આના કારણે કામ પર પણ અસર પડે છે. પરંતુ કોઈપણ વ્યક્તિને આ આદત હોય તો તેમને બીમારી ના કહી શકાય.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ કોઈ વ્યક્તિ બીમાર છે કે નહીં તે જાણવા તેમની વર્ષભરના ગેમિંગ પેટર્નને જોવાની જરૂર પડે છે. જો ગેમ રમવાથી તેમના અંગત પારિવારિક અથવા સામાજિક જીવનમાં, અભ્યાસમાં, નોકરી પર ખરાબ અસર પડે તો તેમને બીમાર માનવામાં આવે છે.

દિલ્હીના એમ્સમાં બિહેવિયરલ એડિક્શન સેન્ટર છે. વર્ષ 2016માં તેની શરૂઆત થઈ હતી. સેન્ટરના ડૉક્ટર યતનપાલ સિંહ બલહારા મુજબ બે વર્ષમાં દેશમાં દર્દીઓની સંખ્યા વધી છે.

ડૉક્ટર બલહારા મનોચિકિત્સક છે. તેમના મુજબ દર સપ્તાહે ગેમિંગ એડિક્શનના પાંચ થી સાત દર્દીઓ તેમની પાસે આવે છે અને મહિનામાં આ સંખ્યા 30 જેટલી રહે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો