બેદરકારી: પોસ્ટ ઓફિસની નાનકડી ભૂલથી ચીખલીના યુવકને ઇન્ટરવ્યૂ શરૂ થયા બાદ મળ્યો કોલ લેટર, એજ્યુકેટેડ યુવાન ફરી એકવાર બેરોજગારીના દિવસો ગણવા બન્યો મજબૂર
ચીખલી તાલુકાના એક ગામડાના ગરીબ પરિવારના યુવાનને ઇન્ટરવ્યૂ શરૂ થયાના સમય બાદ ઇન્ટરવ્યૂનો કોલ લેટર મળ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોસ્ટ ઓફીસની એક નાનકડી ભૂલને કારણે ત્રણ વર્ષથી નોકરી માટે વલખા મારતો એજ્યુકેટેડ યુવાન ફરી એકવાર બેરોજગારીના દિવસો ગણવા મજબૂર બન્યો છે.
પીડિત યુવાન દિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે GEBમાં લાઇન મેન તરીકે ઓનલાઇન એપ્રેન્ટીસની પોસ્ટ માટે ફોર્મ ભર્યું હતું. તમામ મિત્રોના ઇન્ટર્વ્યૂ કોલ લેટર આવી ગયા હતા. પરંતુ મારો લેટર ઇન્ટરવ્યૂના દિવસે પોસ્ટ માસ્ટર આપી ગયા હતા. ઇન્ટરવ્યૂનો સમય 11થી 3નો હતો અને લેટર મને સાડા અગિયાર વાગ્યે મળ્યો હતો. ચીખલીથી 25 કિલોમીટર અંદર કાકડવેલ ગામેથી સુરત હજીરા રોડ પર આવેલી GEBની ઓફીસ પર એટલે કે 100 કિલોમીટરનો રસ્તો કાપી પહોંચવું અશક્ય હતું. તેમ છતાં આ પહેલો ઇન્ટરવ્યૂ લેટર હતો એટલે તમામ જરૂરી પેપર તૈયાર કરી બાઇક ઉપર સુરત જવા રવાના થયા હતા. સુરત પહોંચ્યા બાદ મિત્રોને ફોન કરતા ખબર પડી કે 3 વાગ્યા બાદ સેન્ટર પર પહોંચવાથી કોઈ ફાયદો નથી. અને લગભગ સુરતમાં પ્રવેશ કરતા જ અઢી વાગી ગયા હતા. એટલે સુરતથી પરત કાકડવેલ તરફ નીકળી પડ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે સાહેબ હું મારી માતા જોડે રહું છું મજુરી કરી માતાએ મને ITI કરાવ્યું છે. મારા બે નાના ભાઈઓ છે એ બન્નેનો અભ્યાસ ખર્ચ અને ઘરની તમામ જવાબદારી માતા ઉપાડી રહી છે. હું પ્રયાસ કરું છું કે મને કાયમી નોકરી મળી જાય તો હું પણ મારી માતાની પરિવાર ચલાવવાની આ સફરમાં સહભાગી બની શકું. હાલ છૂટક કામ કરી થોડી ઘણી આવક મેળવી લઉં છું પણ હ્રદયમાં એક વાત ચોક્કસ ઘર કરી જશે કે સાલું સરકારી નોકરી તો નસીબમાં હતી પણ ગ્રહોએ સાથ ન આપ્યો. ભૂલ ભલે એક પોસ્ટ માસ્ટરની હોય પણ હું તો બેરોજગાર બની ગયો ને, મોઢા સુધી આવેલો કોળિયો જ્યારે પેટમાં ન જાય એનો અહેસાસ મારી કરતા વધારે કોણ વ્યક્ત કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

