ગુજરાત સરકારે ફરી નિર્ણય બદલ્યોઃ 4 મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે

દુકાનો ખોલવા અંગે ગુજરાત સરકારે ફરીએકવાર યુ-ટર્ન મારવો પડ્યો છે. હાલમાં જ CM વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારની પ્રેસ કોન્ફરન્સ થઇ હતી, તેમાં તેમણે જાહેરાત કરી છે કે, 3 મે સુધી 4 મહાનગરપાલિકામાં કોઇ દુકાનો ખોલી શકાશે નહીં. તેમણે કહ્યું હતું કે, અમે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ત્યારબાદ આ નિર્ણય લીધો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પણ કહ્યું હતું કે, વેપારી એસોશિએસને લોકડાઉનની 3 મે સુધીની મર્યાદાને ધ્યાનમાં રાખીને દુકાનો ન ખોલવાનો સ્વૈચ્છીક નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે, વેપારી એસોસિએશને સામેથી દુકાનો બંધ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલે આજે ખુલેલી દુકાનોને 3 મે સુધી બંધ રાખવામાં આવશે. એટલે હવે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 3 મે સુધી દુકાનો ખોલી શકાશે નહીં. શાકભાજી અને કરિયાણાની દુકાનો જેમ ચાલતી હતી તેમ ચાલશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

25 એપ્રિલે ગુજરાત સરકારે આદેશ કર્યો હતો કે, 26 એપ્રિલથી દુકાનો ખોલી શકાશે….

રાજ્યમાં રવિવાર તા. 26 એપ્રિલથી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા માટે મુખ્યમંત્રીએ જે છૂટછાટો આપવાનો નિર્ણય કર્યો હતો તેમાં શહેરો-જિલ્લાઓમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયેલા વિસ્તારોમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહીં તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ વિસ્તારોમાં દુકાનો ખોલવાની નહોતી મળી પરમિશન

જે શહેરોમાં કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર થયા છે તેની વિગતો મુજબ અમદાવાદ મહાનગરના કન્ટેનમેન્ટ જાહેર થયેલા ખાડીયા, જમાલપૂર, શાહપૂર, દરિયાપૂર, દાણીલીમડા અને બાપુનગરમાં દુકાનો-વ્યવસાયો શરૂ થઇ શકશે નહી.

ભાવનગરના સાંઢિયાવાડ અને વડવા, રાજકોટ મહાનગરના જંગલેશ્વર, રાજલક્ષ્મી સોસાયટી અને ક્રિષ્ણજિત સોસાયટી જે કન્ટેનમેન્ટ વિસ્તારો છે ત્યાં પણ દુકાનો-વ્યવસાયો શરૂ કરી શકાશે નહી.

વડોદરા ગ્રામ્યના ડભોઇ, ભાયલી, વાઘોડીયા અને કરજણ તથા પાદરા પાણ કન્ટેનમેન્ટ એરિયા છે ત્યાં પણ આવી દુકાનો-વ્યવસાયો શરૂ કરવા દેવામાં આવશે નહી.

પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ

સરકારની સૂચના અનુસાર રાજ્યના અમદાવાદ, સુરત અને વડોદરા જેવા કોરોના હોટસ્પોટ સહિત 90 ટકા ગુજરાતમાં વહેલી સવારથી કામ ધંધા શરૂ થઈ ગયા હતા. ખાસ કરીને પેટ્રોલ પમ્પ પર હવા પુરાવા, ચશ્માની દુકાનો અને હાર્ડવેરની દુકાનો પર લોકોની ભીડ જામી હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રિકની દુકાનો પર પણ લોકો ઉમટી પડ્યા હતા. આજે અખાત્રીજ નિમિત્તે કેટલીક ચોક્કસ દુકાનો ખોલવા સરકારે મંજૂરી આપતા જ વહેલી સવારથી જ આ દુકાનદારોએ પૂજા કરી ધંધા શરૂ કરી દીધા હતા. તેની સાથે સાથે તમામ દુકાનદારો સરકારના નિયમોનું ચુસ્ત પણે પાલન કરતા જોવા મળ્યા હતા.

અમદાવાદમાં વેપારીઓએ આડશ કરીને ગ્રાહકોને બહાર વસ્તુઓ વેચી

કોરોનાના હોટસ્પોટ અમદાવાદમાંવેપારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની તૈયારીઓ સાથે દુકાનો ખોલી હતી. સવારથી જ ગેરેજ, પંચરની, વાસણની, સ્ટેશનરીની, મોબાઈલ સેલ અને રિપેરિંગ, રિચાર્જ, એસી, ઇલેક્ટ્રોનિક, કપડાંના શો રૂમ, દરજી, સ્ટોર્સ સહિતની દુકાનો ખુલી ગઈ હતી. દુકાનદારોએ દુકાનની આગળ ટેબલ મૂકી અને દોરી બાંધી દીધી હતી જેથી ગ્રાહકોની દુકાનમાં ભીડ ન થાય. બહારથી ગ્રાહકોને વસ્તુ આપવામાં આવતી હતી. લોકો પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળ્યા હતા.

વડોદરામાં વેપારીઓએ સાફ સફાઈ બાદ દુકાનો બંધ કરી

વડોદરા શહેરના રેડઝોન નાગરવાડાને બાદ કરતા અને સરકારે નક્કી કરેલા વિસ્તારોમાં ઇલેક્ટ્રિક, ગેરેજ, પતરાં, ચશ્મા, હાર્ડવેર, ઓટોપાર્ટ્સ, પૂજાનો સામાન, બેકરી, સહિતની દુકાનો ખુલી હતી. જોકે, મોટા ભાગના વેપારીઓ એક માસથી બંધ દુકાનોમાં સાફ સફાઇની કામગીરી કરી દુકાનો બંધ કરી હતી.શહેરના વાઘોડિયા રોડ, ન્યુ વી.આઇ.પી. રોડ,કારેલીબાગ, ગોત્રી, ગોરવા, તરસાલી, મકરપુરા,માંજલપુર,અલકાપુરી સહિતના વિસ્તારોમાં નાની દુકાનો ખુલી હતી. વેપારીઓએ જણાવ્યું કે, દુકાનો ખોલવાની જે મંજૂરી આપવામાં આવી છે. તેનો કોઇ અર્થ નથી કારણ કે, ખરીદી કરવા નીકળનાર ગ્રાહકોને પોલીસ લોકડાઉનના કારણે રોકી રહી છે. ખરીદી કરવા માટે નીકળેલા લોકોને પોલીસ તંત્ર દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે.

રંગીલા રાજકોટમાં રવિવાર છતાં દુકાનો ખુલી, સોશિયલ ડિસ્ટન્સથી ગ્રાહકોએ ખરીદી કરી

રાજકોટમાં આજે રવિવાર હોવા છતાં સવારથી પંચર, કપડા, દૂધની ડેરીઓ, કરિયાણાની દુકાનો ખુલી ગઇ છે. સવારના સમયે ગ્રાહકોની ભીડ જોવા મળી નથી. પરંતુ સાંજના સમયે ગ્રાહકોની સંખ્યા વધે તેવી વેપારીઓમાં આશા છે. જે-તે વિસ્તારમાં રહેતા લોકોએ પોતાના જ વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી ખરીદી કરવાની રહેશે. શહેરના રેલવે જંક્શન, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, યાજ્ઞિક રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં આજથી સવારે અમુક દુકાનો ખુલી છે જ્યારે અમુક દુકાનદારોએ રવિવાર હોવાથી રજા પણ પાળી છે. જે દુકાનો ખુલી છે ત્યાં ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સથી ખરીદી કરી રહ્યા છે.

સુરતમાં ગ્રીન ઝોનમાં દુકાનો ખુલી, સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોએ ખરીદી કરી

સુરતના સેન્ટ્રલ ઝોન, લિંબાયત ઝોન, વરાછા-એ ઝોન, અઠવા ઝોન, રાંદરે ઝોન, ઉધના ઝોન, કતારગામ ઝોન આ સાત ઝોન કન્ટેઈનમેન્ટ હેઠળ આવતા હોવાથી આજે આ વિસ્તારમાં દુકાનો ખુલી નથી. જ્યારે અન્યવિસ્તારોમાં દુકાનો ખુલી છે. રવિવાર હોવાથી ઓછી દુકાન ખુલી જોવા મળી છે. આ દુકાનો પર લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અમલ કરતા નજરે પડી રહ્યા છે. રેડ ઝોનમાં એક પણ દુકાનખુલી નથી. જ્યારે ગ્રીન ઝોનમાં આવેલી દુકાને ધીમે-ધીમે ખુલી રહી છે. જ્યારે દુકાનદારો દ્વારા પણ સર્કલ કરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો