ભારતના વેપારીઓની પાકિસ્તાન પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’, પુલવામા હુમલાથી ગુસ્સે ભરાયેલા આયાતકાર ભારતીય વેપારીઓએ સીમેન્ટના કન્ટેનરો પાછા મોકલ્યા

પુલવામા આતંકી હુમલાને લઇને દેશભરમાં લોકોના ગુસ્સાનો પારો આસમાને પહોંચ્યો છે. જે અંતર્ગત ભારતીય કારોબારીઓએ પાકિસ્તાનથી સિમેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનથી પ્રગટ થનારા ધ ડોન અખબાર મુજબ ભારતીય વેપારીઓએ પાકિસ્તાનથી મોકલેલા 600-800 સીમેન્ટના કેન્ટેનરોને પાછા મોકલ્યા છે. કન્ટેનરો હાલમાં કરાચી પોર્ટ,કોલંબો અને દુબઇના બંદરે ઉતારવામાં આવ્યા છે.

સરકારે આર્થિક અને રાજનીતિક મોર્ચે પાકિસ્તાનને પછાડીને એની સામે કઠોર નિર્ણય લેવાનું શરૂ કર્યુ છે. આ પગલા હેઠળ પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો તેમજ પાકિસ્તાનથી આવનારી ચીજ વસ્તુઓ પર 200 % જેવી આયાત ડ્યુટી લગાડી દેવામાં આવી. બીજી બાજુ દેશના વેપારીઓએ પણ પાકિસ્તાનને સાનમાં લાવવા પોતાની તરફથી જવાબ આપવાની તૈયારીઓ કરી દીધી છે.

7થી8 કરોડ ડોલર્સની સિમેન્ટ મોકલે છેઃ

દર વર્ષે પાકિસ્તાન રૂ.7થી8 કરોડ ડોલર્સ( રૂ.500-572 કરોડ)નો સિમેન્ટ ભારતને વેચાણ કરે છે. વધુમાં પાકિસ્તાની અખબારે જણાવ્યુ કે ભારત 75% જેટલી સિમેન્ટ પાકિસ્તાનની તરફથી આયાત કરે છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં જુલાઇથી જાન્યુઆરી સુધીમાં પાકિસ્તાને ભારતને 6.48 લાખ ટન સિમેન્ટ નિકાસ કરી હતી. જો 2017-18ની વાત કરવામાં આવે તો પાકિસ્તાને 12.12 લાખ સિમેન્ટ ભારતને મોકલી હતી. અને 2016-17માં પાકિસ્તાને ભારતને 12.53 લાખ ટન સિમેન્ટની નિકાસ કરી હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ વેપાર 2 અબજ ડોલરથી વધુનોઃ

ભારત પાકિસ્તાનમાંથી મુખ્યત્વે ફળો, સિમેન્ટ,પેટ્રોલિયમ ઉત્પાદનો, ખનીજ સામગ્રી, લોખંડનો ઓર તેમજ તૈયાર ચામડાની વસ્તુઓ આયાત કરે છે. જો કે પુલવામા હુમલા બાદ આ વેપારને ફટકો પડી શકે છે. આ ઉપરાંત ભારતના ચા નિકાસકારોએ પાકિસ્તાનને ચા ન મોકલવાનો નિર્ણય કરવાની વાત કરી છે.

જો આર્થિક મોરચે વાત કરીએ તો ભારત અને પાકિસ્તાનનો કુલ વ્યાપાર 2016-17માં 2.27 અબજ ડોલર હતો જે 2017-18માં વધીને 2.41 અબજ ડોલરે પહોંચ્યો હતો. 2017-18માં ભારતે 48.8 કરોડ ડોલર માલની આયાત પાકિસ્તાનથી કરી હતી જ્યારે ભારતે 1.92 અબજ ડોલરના માલની નિકાસ કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો