તાપી નદીમાં છલાંગ લગાવનાર બિલ્ડરે લખેલી સુસાઈડ નોટ આવી સામે, હજુ પણ શોધખોળ યથાવત

મોટા વરાછામાં સવજી કોરાટ બ્રિજ પરથી ગુરૂવારે સવારે 6 વાગ્યે એક બિલ્ડરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી. નદીમાં કૂદનાર યુવકને શોધવા માટે ફાયરની ત્રણ ટીમ કામે લાગી હતી. જોકે, મોડી સાંજ સુધી યુવકની કોઈ ભાળ મળી ન હતી અને આજે પણ સવારથી શોધખોળ ચાલી રહી છે. જ્યારે બિલ્ડરે લખેલી સુસાઈડ નોટ સામે આવી છે. જોકે, પૈસેટકે સુખી અને સંયુક્ત કુટુંબમાં રહેતા યુવકે શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો એ સુસાઇડ નોટ પરથી પણ જાણી શકાયું નથી.

આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા તજવીજ

ગુરૂવારે સવારે 6 વાગ્યે મોટા વરાછાના સવજી કોરાટ બ્રિજ પરથી કોઈ અજાણ્યા યુવકે છલાંગ લગાવી દીધી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. આથી ફાયરની વરાછા અને કાપોદ્રાની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ નદીમાં કૂદેલા યુવકને શોધવાના તમામ પ્રયાસ કર્યા હતા. જોકે, મોડી સાંજ સુધી યુવકની કોઈ ભાળ મળી ન હતી. પોલીસને જાણ કરાતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસને બ્રિજ પરથી યુવકનું મોપેડ, બૂટ ને સુસાઇડ-નોટ મળી હતી. સુસાઇડ-નોટ પરથી તાપીમાં છલાંગ લગાવનાર યુવકની ઓળખ શૈલેશ પ્રેમજીભાઈ વઘાસિયા (રહે. સ્નેહસ્મૃતિ સોસા. નાના વરાછા) તરીકે થઈ હતી. મૂળ ભાવનગરના શૈલેશ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પોલીસે શૈલેશના પરિવારને આ અંગે જાણ કરી શૈલેશના તાપીમાં છલાંગ લગાવવા પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

ફાયરની 3 ટીમોની યુવકને શોધવાની કવાયત

ફાયર-ઓફિસરે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં મોટા વરાછા અને કાપોદ્રા ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયરના જવાનોએ બ્રિજની આસપાસના એક કિલોમીટરના વિસ્તારમાં વોટર રેસ્ક્યુની સામગ્રી સાથે નદીના પેટાળમાં યુવકને શોધવાના પ્રયત્નો કર્યા હતા. જોકે, મોડી સાંજ સુધી યુવકની કોઈ ભાળ મળી ન હતી. આજે (શુક્રવાર) સવારે ફાયર બ્રિગેડના વધુ જવાનો યુવકને શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

અગાઉ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો

પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ શૈલેશભાઈએ થોડા મહિનાઓ અગાઉ પણ ઘરે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે ઘરવાળાઓને ખબર પડી જતાં જે-તે સમયે તેમનો જીવ બચી ગયો હતો.

વઘાસિયા પરિવાર શોકમાં ગરકાવ થયો

શૈલેશભાઈના ભત્રીજા સંજિતે જણાવ્યું હતું કે, બે ભાઈઓમાં શૈલેશભાઈ મોટા હતા. તેઓ પત્ની અને બે બાળકો, ભાઈ-ભાભી અને માતા-પિતા સાથે સુખમય જીવન જીવી રહ્યા હતા. વ્યવસાયમાં પણ કોઈ રૂપિયાની લેવડ-દેવડ મોટી થઈ હોય એ ખબર નથી પણ તેમણે નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યાની જાણ થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

લાલ ચોપડામાં સમગ્ર વિગતો લખી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

સુસાઇડ-નોટમાં જણાવ્યા પ્રમાણે શૈલેશભાઈએ ઘરમાં એક લાલ ચોપડો રાખ્યો હતો. જેમાં તેમના લેતી-દેતી અને વીમાની સંપૂર્ણ વિગતો લખી હતી. આ ઉપરાંત સુસાઇડ-નોટમાં સગાં-સંબંધીઓના નંબર લખ્યા હતા અને આપઘાત મામલે પરિવારના કોઈ સભ્યને પરેશાન ન કરવા વિનંતી કરી છે. હું બહુ એકલો પડી ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હજી સુધી યુવકના આપઘાતના પ્રયાસનું કારણ જાણવા મળી શક્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો