બાળકીની હત્યાના બનાવમાં પરિવારને શોધવા સુરતના બિલ્ડરે કરી રૂ.5 લાખના ઈનામની જાહેરાત, જાણો કેમ

પાંડેસરામાંથી 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી એ ઘટનામાં બાળકીની ઓળખ આપનારી વ્યક્તિને રૂ. પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત બિલ્ડર તુષાર ઘેલાણીએ કરી છે. ત્યારે તેમને આ વિચાર કેમ આવ્યો એ જાણવા તુષાર ઘેલાણીનો સંપર્ક કર્યો તે તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

તેમણે કહ્યું હતું કે, છેલ્લાં ચાર-પાંચ દિવસથી અખબાર વાંચો કે ટીવી જુઓ, સોશ્યલ મીડિયા જુઓ તમામ જગ્યાએ દેશભરના અલગ અલગ વિસ્તારમાં બળાત્કાર, હત્યાની ઘટના જોવા મળતી હતી. જેના કારણે મને વિચાર આવ્યો કે શું થવા બેઠું છે આ દેશનું? એવામાં સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના જોવા મળી. આ દીકરીનો ફોટો જોઈ તેમાં મને મારી દીકરી દેખાઈ અને મારું હૃદય દ્રવી ઊઠ્યું. આખરે મેં એક વેપારી તરીકેની અને એક નાગરિક તરીકેની મારી ફરજ નિભાવી માહિતી આપનારી વ્યક્તિને રૂ. પાંચ લાખ આપવાનું નક્કી કર્યું.

તેમણે કહ્યું કે કદાચ એવું બને કે કોઈ વ્યક્તિ પાસે થોડીઘણી વિગત હોય તો તે રૂ. પાંચ લાખ જેવી રકમના કારણે વિગત આપવા પોલીસ સુધી પહોંચે. આ વાતને ધ્યાને લઈ રૂ. પાંચ લાખ જાહેર કરવામાં આવ્યા છે.

કાયદો મજબૂત બનાવવા અને આવા નરાધમોને જાહેરમાં જ સજા કરવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો. મૂળ ભાવનગર જિલ્લાના પાલિતાણાના વતની અને સુરતમાં જોલી બિલ્ડર્સ નામે બાંધકામનો મોટા પાયા પર વ્યવસાય કરતા તુષાર ઘેલાણીએ પોતાનો નાગરિક ધર્મ બજાવ્યો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો