બેનના ઘરે ગયેલા પટેલ યુવકને અકસ્માત નડ્યો, જીવતા સળગ્યાં

ચૂડા તાલુકાના જૂના મોરવાડ ગામનું દંપતિ ધર્મની માનેલી બહેનના ઘેર સત્સંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા ચોકડી રોડના વેળાવદર ગામના પાટીયા પાસે છકડોરીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકાએક મોટરસાયકલમાં આગ લાગી હતી. જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું. ચૂડા હાઇવે અને નાના માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ચૂડા તાલુકાના જૂના મોરવાડ ગામના 38 વર્ષના નિતિનભાઇ રણછોડભાઇ રામાણી અને તેમના પત્નિ 32 વર્ષના રાજુબેન નિતિનભાઇ રામાણી બરાનીયા ગામે ધર્મની બહેનના ઘરે રામાપીરનો સત્સંગમાં ગયા હતા.

આ સત્સંગ પુરો થતા વહેલી સવારે તેઓ પોતાને ઘેર પરત આવવા નિકળ્યા હતા. ત્યારે ચોકડી રોડ ઉપર આવેલ વેળાવદર ગામના પાટીયા પાસે કોરડા ગામથી એક છકડોરીક્ષા કપાસ વિણવા દાડીયા ભરી જતી ચૂડા તરફ આવી રહ્યા હતા. ત્યારે મોટરસાયકલ અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલમાં એકાએક આગ લાગી હતી.જેમાં નિતિનભાઇ આગના ભરડામાં આવી જતા તેઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

જયારે તેઓના પત્નિ રાજુબેન તથા છકડામાં મુસાફરી કરી રહેલા છ દાડીયાઓને ઇજાઓ પહોંચી હતી. આથી 108ની મદદથી તેઓને સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ચૂડા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતકની લાશને પીએમ માટે ચૂડા સરકારી દવાખાને મોકલી આપી હતી.

મૃતક જૂની મોરવાડના ઉપસરપંચ

ચૂડાના વેળાવદર પાસે થયેલ અકસ્માતમાં મૃત્યુ પામનાર મોટરસાઇકલ ચાલક નિતિનભાઇ રામાણી જૂની મોરવાડ ગામની સમરસ ગ્રામપંચાયતના ઉપસરપંચ તરીકે કામગીરી બજાવતા હતા. અને ગામમાં ભગત તરીકે વધુ જાણીતા હતા. આથી તેઓના મોતના સમાચારના કારણે ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો