કડકડતી ચલણી નોટો મેળવવા અમદાવાદમાં દલાલો રૂ.100 આપી મહિલાઓને લાઈનમાં ઊભી રાખે છે, 2 હજારનું કડકડતી નોટનું બંડલ રૂ.2300માં વેચે છે

દિવાળી પૂર્વે રિઝર્વ બેન્ક લોકોને કડકડતી ચલણી નોટો આપે છે. પરંતુ રિઝર્વ બેન્કની બહાર ગોઠવાઈ જતાં દલાલો આ નોટ લોકો સુધી પહોંચવા નથી દેતાં. આ દલાલો આસપાસમાં રહેતી મહિલાઓ અને બાળકોને નવી ચલણી નોટ માટેની લાઈનમાં ઊભા રાખે છે. તેઓ પ્રત્યેક મહિલા કે બાળકને 2 હજાર રૂપિયા આપે અને મહિલા તેમજ બાળકો લાઈનમાં ઊભા રહી રૂ.20ની કડકડતી નોટનું બંડલ લઈને આવે એટલે દલાલ તેમને રૂ.100 કમિશન આપે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે દલાલ કડકડતી નોટનું રૂ.2 હજારનું આ બંડલ રૂ.2300માં વેચી રૂ.200ની રોકડી કરી લે છે. ‘દિવ્ય ભાસ્કર’એ કરેલા સ્ટિંગમાં કડકડતી નોટોમાંથી ધીકતો ધંધો કરવાની મોડસ ઓપરેન્ડી પકડાઈ હતી. નવી નોટો મેળવવા રિઝર્વ બેન્કની બહાર 1 કિલોમીટર સુધી લાઈન લાગી હતી. રિઝર્વ બેન્ક બહાર જ છેલ્લા 1 અઠવાડિયાથી આ ખેલ ચાલી રહ્યો છે.

બંડલ માટે વધુ પૈસા ચૂકવવા પડે છે

દલાલોના આ કીમિયાને લીધે વેપારીઓ તેમજ સામાન્ય લોકોને નવી નોટો મળતી નથી અથવા તેમણે વધારે પૈસા આપીને મેળવવી પડે છે. સામાન્ય રીતે દિવાળી વખતે પગાર કે બોનસમાં કડકડતી નોટો આપવાનું ચલણ છે. છેલ્લા એક સપ્તાહથી રિઝર્વ બેન્કે લોકોને રૂ.20, 50 અને રૂ.100ની નવી નોટોના બંડલ આપવાનું શરૂ કર્યું છે. પરંતુ જરૂરિયાત ધરાવતા વર્ગે આ કડકડતી નોટો માટે વધુ પૈસા ચૂકવવા પડે છે.

હાલ 25 દલાલો રિઝર્વ બેન્કની બહાર ઓપરેટર છે

રિઝર્વ બેન્ક બહાર ગોઠવાઈ જતાં દલાલો મહિલાઓ અને બાળકોનો કેરિયર તરીકે ઉપયોગ કરે છે. મોટાભાગની મહિલાઓ અને બાળકો શાહપુર તેમજ દૂધેશ્વર પાસેના મહેંદી કૂવાની છે. હાલ 25થી 30 દલાલ રિઝર્વ બેન્ક બહાર ઓપરેટ કરે છે. પોલીસ બંદોબસ્ત હોવા છતાં કડકડતી નોટોના કાળાબજારનો ધંધો બેરોકટોક ચાલી રહ્યો છે. રિઝર્વ બેન્ક ખૂલે તેની પહેલાં જ કડકડતી નોટો લેવા માટે લોકોની સવારથી લાઈનો લાગી જાય છે.

100 કમિશન માટે મહિલાઓ સવારથી લાઈનમાં ઊભી રહે છે

દિવાળીમાં રિઝર્વ બેન્ક જૂની નોટોના બદલામાં કડકડતી નોટો આપે છે. જો કે, કેટલાક દલાલોએ આ નવી નોટો માટે શરૂ કરેલા ખેલથી લોકો સુધી નવી નોટ પહોંચતી નથી અને તેમણે વધુ પૈસા આપવા પડે છે. તસવીરમાં એક દલાલ નવી નોટનું બંડલ લાવી આપનાર મહિલાને રૂ.100 કમિશન આપે છે. દલાલનો થેલો પણ રૂ.20ની કડકડતી નોટના બંડલથી ભરેલો છે. ફોટો : ધવલ ભરવાડ

દિવાળીમાં નવી નોટની ડિમાન્ડ હોવાથી 20ના બંડલના રૂ.300 ઓન બોલાય છે

ભાસ્કરે આ અંગે સ્ટિંગ કર્યું ત્યારે એક ગર્ભવતી ગરીબ મહિલા એક કિલોમીટર લાંબી લાઇનમાં સવારથી ઊભી હતી. આ મહિલા રૂ. 20નું બંડલ મેળવીને દલાલ મંગેશને જઇને આપ્યું હતું. મહિલાને દલાલ મંગેશે રૂ. 100 કમિશન પેટે આપ્યા હતા. જ્યારે આ દલાલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દિવાળીના સમયે રૂ. 10, રૂ. 20 અને રૂ. 50ની ચલણી નોટની ડિમાન્ડ રહેતા ઓન બોલાય છે. અત્યારે રૂ. 20ના બંડલ ઉપર કમિશન પેટે રૂ. 300 વધારે અમને મળે છે. લાઇનમાં ઊભા રહેવા માટે મંગેશે મહિલાઓને મહેંદી કૂવા વિસ્તારમાંથી બોલાવી હતી.

50નું બંડલ હોય તો 400 વધુ લેવાય છે

દિવાળીમાં આરબીઆઈ દ્વારા રૂ.10ની નવી નોટના બંડલ નહીં આપતા હોવાથી કાળાબજારિયા બંડલ માટે વધુ રૂપિયા માગી રહ્યા છે. જ્યારે રૂ.20ના બંડલ બેન્કોમાં ફરતા થયા હોવાથી રૂ.2300 ઓન લઈને આપે છે. રૂ. 50ના બંડલ ઉપર રૂ. 400થી 500 વધુ લેવામાં આવે છે. રિઝર્વ બેન્કે આ વખતે રૂ.10ની નોટનું બંડલ નહીં આપતાં દલાલો બંડલ દીઠ રૂ.400 વધુ લે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો