મહિલાની બહાદુરી તો જુઓ! પોતાના પશુઓને બચાવવા માટે ખૂંખાર જરખ સામે એકલાં હાથે લડીને તેને સાડીમાં લપેટી મારી નાખ્યું

મધ્યપ્રદેશના શાનગઢ ક્ષેત્રનાં કુરાવન ગામમાં એક મહિલાની બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. સમંદબાઈએ પોતાના પાલતુ પશુઓને બચાવવા માટે ખૂંખાર જરખ સામે એકલાં હાથે લડી હતી. અડધો કલાક ચાલેલી આ લડાઈમાં સમંદબાઈને આંખ અને શરીરના બીજા ભાગ પર ઇજા પહોંચી છે. પણ જોવાની વાત એ છે કે, સમંદબાઈએ હાર માન્યા વગર પોતાની સાડીમાં લપેટીને જરખને મારી નાખ્યું. સમંદબાઈને સારવાર અર્થે ગામની હોસ્પિટલમાં દાખલ કરી છે. હાલ તેનું સ્વાસ્થ્ય સારું છે, તેમ ડોક્ટરે જણાવ્યું છે.

હાલ કુરાવન ગામમની આજુબાજુ ખૂંખાર 40 જરખ ફરી રહ્યા છે.

બહાદુર મહિલા સમંદબાઈએ જરખ સાથેની લડાઈ વિશે કહ્યું કે, હું સોમવારે સાંજે 5 વાગ્યે પશુઓને ખેતરમાં ચરાવવા માટે લઈ ગઈ હતી. અચાનક એક જરખ આવ્યું અને તેણે મારી સાથે આવેલા પશુઓ પર હુમલો કરી દીધો. શરૂઆતમાં તો આ ખૂંખાર જરખને જોઈને હું ડરી ગઈ હતી પણ, મેં તેની સામે લડવાનું નક્કી કરી લીધું. જરખે મારી આંખ પર કરેલો હુમલો જોઈને મને ગુસ્સો આવી ગયો. મેં મારી સાડીમાં તેને લપેટીને તેનું ગળું દબાવી દીધું. એ પછી જરખ મારા પર તેના પગથી હુમલો કરવા લાગ્યું. મેં તેના પગ બાંધીને તેને જમીન પર વારંવાર પછાડ્યું. આશરે અડધા કલાક પછી તેણે દમ તોડી દીધો. મેં મારો ફોન શોધીને મારા પતિ કનૈયાલાલને જાણકારી આપી. મારા પતિ અને સંબંધીઓ મને તાત્કાલિક હોસ્પિટલ લઇ આવ્યા.

જરખ સામે વનવિભાગની કોઈ કાર્યવાહી નહીં

કુરાવન ગામના રહેવાસી ગોવિંદરામ, ઈશ્વરલાલ અને પ્રભુલાલે કહ્યું કે, આજની તારીખમાં પણ અમારી ગામની આજુબાજુ ખૂંખાર 40 જરખ ફરી રહ્યા છે. અમે હજાર વખત વનવિભાગને ફરિયાદ કરી છે, પણ તેઓ કોઈ કાર્યવાહી કરતા નથી. તો બીજી તરફ વનવિભાગના ઓફિસર આર. એસ. રાવતે જણાવ્યું કે, કુરાવન ગામમાં જરખની સંખ્યા ઘણી વધારે છે. આ પ્રાણી ઘણું ચાલાક હોય છે. પાંજરું મૂકીને પણ તેને પકડવું ઘણું મુશ્કેલ છે. હું ગામના લોકોને વિનંતી કરું છું કે, જરખથી સાવધાન રહો અને તમારા પ્રાણીને ઘરની બહાર ન બાંધો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો