બોડેલીના યુવકનું અકસ્માતમાં બ્રેઇનડેડ થતાં પરીવારજનોએ અંગોનું દાન કર્યું, 3 લોકોને મળ્યું નવજીવન

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયા બાદ યુવક શહેરની હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેના પરિવારજનોએ અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો અને તેના એક યકૃત (લીવર) અને બે કીડનીથી ત્રણ બાળકોને નવજીવન મળ્યું હતું.

બોડેલીના અનિરુદ્ધસિંહ પરમાર ( ઉવ.24) ગત 1લી સપ્ટેમ્બરે ફોર વ્હીલરમાં જંબુગામથી બોડેલી તરફ આવી રહ્યાં હતા ત્યારે કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં અનિરુદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને શહેરની રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કર્યા હતા. શુક્રવારે બપોરે બ્રેઇન ડેડ જાહેર કરતાં તેમના પરિવારજનોનું ડો. રવિરાજસિંહ અને ટીમે કાઉન્સેલિંગ કર્યું હતું અને તેઓ અંગદાન કરવા સંમતિ આપી હતી.

છેવટે અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ રિસર્ચ સેન્ટરનો સંપર્ક કરાયો હતો. તેની ટીમ વડોદરા હોસ્પિટલમાં સુસજ્જ એમ્બ્યુલન્સ અને સર્જરીના સાધનો સાથે આવીને એક લીવર અને બે કીડનીને બચાવીને અમદાવાદ લઇ ગઇ હતી. જ્યારે અનિરુદ્ધના પાર્થિવ દેહને એસએસજીમાં પોસ્ટમોર્ટમ કરાવી બોડેલી પરિવારજનો સાથે લઇ ગયા હતા. શનિવારે બપોરે સાડા બાર વાગ્યાના સુમારે જ્યારે એક તરફ બોડેલીમાં અનિરુદ્ધની ચિતા સળગતી હતી ત્યારે બીજી તરફ અમદાવાદની કીડની ઇન્સ્ટિટ્યૂટમાં બે કીડનીથી બપોરે સાડા બાર સુધીમાં ત્રણ બાળકોને ઓપરેશન કરીને નવજીવન આપવામાં આવી રહ્યું હતું. જ્યારે લીવરનું ટ્રાન્સપ્લાન્ટેશન સવારે 8.00 વાગ્યા સુધીમાં જ થઇ ગયું હતું.

સમાજને પ્રેરણા મળશે : પરિવારજનો

અનિરુદ્ધસિંહના પરિવારજનોએ અંગદાન કરવાના નિર્ણય વિશે જણાવ્યું કે સરકાર અંગદાનને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે તેમાં સહયોગ આપવો જોઇએ. તેના મામા દીપસિંહે જણાવ્યું કે, ‘ આ નિર્ણય અમારા કુટુંબનો સંયુક્ત નિર્ણય હતો. છોકરો બચવાનો નહોતો તે નક્કી હતુ પણ બીજાને પ્રેરણા મળશે.’ જ્યારે તેની માતા યોગેશ્વરીબહેન કહે છે કે, મારો દીકરો તો જતો રહ્યો છે પણ તેનાથી ત્રણને જીવનદાન મળ્યું’.

હાર્વેસ્ટિંગ ઓપરેશન 5 કલાક સુધી ચાલ્યું

બ્રેઇન ડેડ થયેલા દર્દીમાંથી અંગો કાઢવાનું હાર્વેસ્ટિંગ ઓપરેશન રાત્રે 12.30થી 5.30 દરમિયાન થયું હતું. ત્યારબાદ અંગોને 4થી 8 સે.તાપમાન ધરાવતા અને વિશેષ પ્રવાહી ધરાવતા પાઉચમાં મૂકીને અમદાવાદ લઇ જવાયા હતા.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો