ગુજરાતમાં બોગસ ખેડૂત બની સોનાની લગડી જેવી 500 કરોડની જમીન ખરીદીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું
દક્ષિણ ગુજરાત લાંબા સમયથી જમીન ખરીદી મામલે મોટુ માર્કેટ બન્યું છે, સુરતથી લઈને વલસાડ સુધી જમીનને સોનાની લગડી ગાણવામાં આવે છે. સુરતના મોટા માથાઓએ નવસારીમાં મોટા પાયે જમીનો ખરીદી છે. ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના 11 ગામોમાં બોગસ ખેડૂત ખાતેદારનો દાખલો મેળવી આશરે 500 કરોડની કિંમતની જમીનની ખરીદી થઈ હોવાની ફરિયાદ જલાલપોર પોલીસ મથકે નોંધાઈ છે.
નવસારી જિલ્લાનાં સાતગામોમાં બોગસ ખેડૂત ખાતેદાર બનીને રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવનાર સુરતનાં રાજસ્થાની પરિવારનાં 11 સભ્યો સામે જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આરોપીએ સગાભાઈના સાસુની સુરતમાં વેસુગામની જમીન પચાવી પાડતા આ મામલો બહાર આવ્યો છે. 1998માં ધાનેરા મામલતદારનાં ખોટા સિક્કા બનાવી બનાવટી સહી કરી ખેડૂત ખાતેદાર હોવાનું બોગસ પ્રમાણપત્ર આધારે આરોપીઓએ સુરત અને નવસારી જિલ્લામાં રૂ.500 કરોડની જમીનો ખરીદી હોવાની ફરિયાદ થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વિમલ ટોરમલભાઈ પોદાર (ઉ.વ.59, રહે.પોદ્દાર એવન્યુ યુનિયન પાર્કની પાસે, ઘોડદોડ રોડ, સુરત) એ તા.25-6-2021નાં રોજ સુરત રેન્જ આઈજીપી. ડો.રાજકુમાર પાંડીયનને લેખિત ફરિયાદ કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે તેમનો સગો ભાઈ બાલકિશન ટોરમલભાઈ પોદાર અને તેમનો પુત્ર સંજય પોદ્દારે ફરિયાદીની રાજસ્થાનનાં જોધપુર ખાતે રહેતી સાસુ સુમિત્રાબેન સુરેશચંદ્ર ગોયલની સુરતનાં વેસુ ખાતે આવેલી કિંમતી જમીનનાં પોતે પાવર ધરાવતા હોવાનું જણાવી સુરતનાં અઠવા રજીસ્ટ્રારમાં નામે કરાવી પચાવી પાડી હતી.
હકીકતમાં વિમલ પોદ્દારને સુમિત્રાબેનએ પાવર ઓફ એટર્ની આપ્યા હતા. જે અંગે ફરિયાદ છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી છે. જેમાં હાલ ફરિયાદીની તરફેણમાં સ્ટે ઓર્ડર હયાત છે.
દરમિયાન પોતાની સાસુની જમીન પચાવી પાડનાર સગોભાઈ અને ભત્રીજાને પાઠ ભણાવવા ફરિયાદીએ તેમના જુના કૌભાંડો બહાર કાઢ્યા હતા. જેમાં આરોપીએ પોતાના પરિવાર, વેવાઈ, જમાઈના નામે અંદાજીત રૂ.500 કરોડની જમીનો સુરત અને નવસારી જિલ્લામાં ખરીદી હતી.
જેમાં પોતે ખેડૂત નહી હોવા છતાં બોગસ ખેડૂતનું પ્રમાણપત્ર રજુ કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો. જેમાં જલાલપોર તાલુકાનાં ડાભેલ સીમલક, વેડછા, મંદિર, મટવાડ, હોથમડી, આટ અને હાંસાપોર ગામની ખેતીની સેંકડો વિંઘા જમીનોની ખરીદી કરી હતી. જેને નામે ચઢાવવા માટે ખેડૂત હોવાનું બોગસ પ્રમાણપત્ર રજુ કરી છેતરપિંડી કરી હતી.
આરોપીએ પોતાની પત્ની, પુત્રો, પુત્રીઓ, જમાઈ, વેવાઈ તથા જમાઈનાં ભાઈઓનાં નામે જમીન ચઢાવી હતી. આ ફરિયાદને નોંધી કાયદેસર કાર્યવાહી કરવા માટે રેંન્જ આઈ.જી.પી. રાજકુમાર પાંડીયને આદેશ આપતા જલાલપોર પોલીસે સુરતનાં 11 સામે વિશ્વાસઘાત છેતરપિંડી બોગસ પ્રમાણપત્ર બનાવી ખેતીની જમીનો નામે કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બોગસ પ્રમાણપત્રને ધાનેરા મામલતદાર કચેરીથી પોસ્ટ કરી આમોદ મોકલ્યું હતુ
આરોપીઓ ખેડૂત ન હોવાથી બનાસકાંઠા જિલ્લાનાં ધાનેરા ગામે આવેલી મામલતદાર કચેરીનાં ખોટા સ્ટેમ્પ (સિક્કા) બનાવી લીધા હતા. ત્યારબાદ પોતે ખેડૂત હોવાનું બોગસ પ્રમાણપત્ર બનાવી લઇ તત્કાલીન મામલતદાર (1998) ની બોગસ સહી કરી હતી. અને આ તૈયાર બોગસ પ્રમાણપત્રને, ધાનેરા મામલતદાર કચેરીથી પોસ્ટ કરી ભરૂચનાં આમોદ ગામે મોકલાવ્યું હતુ, કારણ કે ત્યાં તેમણે પ્રથમ ખેતીની જમીન ખેડૂત હોવાનું જણાવી ખરીદી હતી. આમ ખેડૂત નહીં હોવા છતાં બોગસ પ્રમાણપત્ર બનાવી ખેડૂત તરીકે તેની ઉપયોગ કરી કરોડો રૂપિયાની ખેડૂતની જમીનોની ખરીદી કરી હોવાની ફરિયાદ ખુદ આરોપીના સગાભાઈ એ કરી હતી. જે તપાસમાં સાચી નીકળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

