128 વખત રક્તદાન કરનાર વેલજીભાઈનું 71 વર્ષે નિધન, કુલી ફિલ્મમાં અકસ્માત સમયે અમિતાભને રક્ત આપ્યું હતું

વર્ષ 1992માં અમિતાભ બચ્ચનનો સૂરજ તપતો હતો. એક પછી એક હીટ ફિલ્મો આપનાર બીગ બી ત્યારે કૂલી ફિલ્મનું શૂટિંગ કરતાં હતા. અચાનક એક અકસ્માત સર્જાયો અને અમિતાભ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં..આજે પણ એટલી જાગૃતિ નથી તો ત્યારે તો રક્તદાન અંગે લોકોને મહત્વ નહોતું સમજાતું. અમિતાભને લોહી ચડાવવાની જરૂરીયાત હતી અને આ સંદેશ રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક અને રિસર્ચ સેન્ટર પહોંચ્યો હતો. જેથી બ્લડ બેન્કના સભ્યોમાં એક્ટિવ એવા શેલિયા વેલજીભાઈ મોહનભાઈ લોહી લઈને મુંબઈ ગયેલા. અમિતાભને લોહીની વધુ જરૂર હોવાથી વેલજીભાઈએ બ્રિચકેન્ડીમાં પણ રક્તદાન કર્યું. 71 વર્ષની જૈફ ઉંમરે અવસાન પામનાર વેલજીભાઈએ અમિતાભને જ લોહી આપ્યું તેવું નહીં પરંતુ 128 વખત રક્તદાન કરીને સૌ કોઈ માટે રક્તદાનના પ્રેરણાસ્ત્રોત બનવાનું કામ કર્યું હતું.

128 વખત રક્તદાન કર્યું હતું

મૂળ રાજકોટનાં જસદણનાં આટકોટ ગામનાં વેલજીભાઈ સેલિયા ખેતીવાડી કરતાં હતાં. કોઈપણ જાતનાં વ્યસન વિના તંદુરસ્ત જીવનમાં છેલ્લે તેમને સુગરની બિમારી હોવાથી ચારેક દિવસ અગાઉ સુગર ઘટી જતાં કોમામાં સરી પડ્યાં હતાં. જેથી તેમને સ્થાનિક બાદ જસદણ અને પછી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં. જો કે, તબીબીની સારવાર કારગર ન નિવડતા ગત તા. 3 સપ્ટેમ્બરનાં રોજ તેમનું અવસાન થયું હતું. 71 વર્ષની જૈફ ઉંમરે અવસાન પામનાર વેલજીભાઈએ માત્ર અમિતાભને જ રક્તદાન કર્યું હોય તેવું નથી. પરંતુ, સમગ્ર જીવન દરમિયાન 128 વખત રક્તદાન કરીને સૌ કોઈ માટે રક્તદાનનાં પ્રેરણાસ્ત્રોત બનવાનું કામ કર્યું હતું.

સેવાકીય કાર્યો માટે અડધી રાત પણ ન જોતાં

વેલજીભાઈના બે સંતાનો સુરતના કતારગામ ખાતે રહે છે. વેલજીભાઈના દીકરા રમણીકભાઈએ જણાવ્યું હતું કે,1948માં જન્મેલા પિતાએ તે વખતે જ્યારે શાળાના પગથિયાં બાળકો ચડતા નહોતાં ત્યારે ઓલ્ડ એસએસસી કર્યું હતું. ગામમાં તેમની ભણેલા તરીકેની છાપ અને માન હતું. લોકો દવાખાનાના કામ હોય કે સરકારી કચેરીના અડધી રાત્રે પણ મદદ માટે આવે તો પિતાજી નાતજાત જોયા વગર પોતાના કામ છોડીને તેમની સેવામાં લાગી જતાં.

સાદું જીવન જીવ્યાં

વેલજીભાઈ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં રહેતા અને ખેતીવાડી કરતાં હતાં. ખેતીવાડી કરવાની સાથે તેમને સમાજ સેવાનો પહેલેથી શોખ હતો.તંદુરસ્ત જીવનમાં છેલ્લે તેમને સુગરની બીમારી હોવાથી ચારેક દિવસ અગાઉ સુગર ઘટી જતાં કોમામાં જતાં રહ્યાં હતાં. કોમામાં જતાં રહેતા તેમને સ્થાનિક બાદ જસદણ અને પછી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા અને સારવાર દરમિયાન જ તેમનું અવસાન થયું હતું.

જયા બચ્ચને સોનાની ગિની અને શિલ્ડથી જાહેરમાં સન્માન કર્યું હતું

અમિતાભ માટે લોહી આપનાર અને વ્યસ્થા કરનાર વેલજીભાઈ પ્રસિધ્ધિથી દૂર રહ્યાં હતાં. આ ઘટના બાદ 1984માં ટીના મુનિમ અંબાણી અને જયા બચ્ચન સહિતનો બોલીવુડ કાફલો રાજકોટ આવ્યો હતો અને રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે જાહેર મંચ પર જયા બચ્ચને વેલજીભાઈનું સોનાની ગિની, શિલ્ડ સાથે સન્માન કર્યું હતું.

ક્યારેય અમિતાભને મળ્યા નહીં

વેલજીભાઈએ ભલે અમિતાભનો જીવ બચાવ્યો પરંતુ તેઓ ક્યારેય જીવતા અમિતાભને મળવા નહોતા ગયાં. તેઓ અમિતાભની કે કોઈ પણ કલાકારની ફિલ્મો પણ જોતા નહોતાં. તેઓને સામેથી પણ જ્યારે બોલાવાયા તો પણ તેમણે ત્યાં જવાની જગ્યાએ રક્તદાન અને સામાજિક સેવાના કાર્યો વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે કાર્ય કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો