સુરતના આપના કાર્યાલયમાં દારૂ પીને પડી રહેલો કાર્યકર ભાજપનો નીકળ્યો! ભાજપે માગવી પડી લેખિતમાં માફી.

ભાજપ કોર્પોરેટરે આપના કાર્યકરની નશાની હાલતની પોસ્ટ મૂકી હતી. છેવટે આ કાર્યકર ભાજપનો નીકળતાં આખો ખેલ ઊંધો પડી ગયો હતો. સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ દ્વારા પોતાના ફેસબૂક અકાઉન્ટ પર આમ આદમી પાર્ટીના સુરતના ગોપીપુરાના કાર્યાલયમાં એક વ્યક્તિ સુતો હોય તેવો ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો અને તેમાં લખવામાં આવ્યું હતું કે, ગોપીપુરા કાજીના મેદાન પાસે નવનિયુક્ત ખુલેલા AAPના કાર્યાલય પર 6:45 પછીનો નજારો. પણ જ્યારે આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા તપાસ કરવામાં આવી તે સમયે જાણવા મળ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં ઘૂસીને સુઈ જનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સુરતનો ભાજપનો સક્રિય કાર્યકર્તા છે. આ બાબતે પોલીસ કાર્યવાહી થવાના ડરથી ભાજપના કાર્યકર્તા દ્વારા માફીનામું પણ આમ આદમી પાર્ટીના વોર્ડ પ્રમુખને મોકલી આપવામાં આવ્યું છે.

આ બાબતે આમ આદમી પાર્ટી સુરતના ફેસબૂક પેજ પર એક પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, ભાજપ દ્વારા સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 13ના આમ આદમી પાર્ટી કાર્યાલય બાબતમાં અફવા ફેલાવવામાં આવી. આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીની પોલીસ કાર્યવાહીથી ભાજપની કરતૂત ખુલ્લી પડી જવાનો ડર લાગતા માફી પત્ર મોકલી આપવામાં આવ્યું હતું.

આ માફી પત્રમાં લખવામાં આવ્યું છે કે, 25 જૂન શુક્રવારના રોજ ભાજપના સક્રિય કાર્યકરતા હિમાંશુ મહેતા ગોપીપુરામાં આમ આદમી પાર્ટીના સેન્ટ્રલ ઝોન સુરતના જનસંપર્ક કાર્યાલયમાં સાંજના સજાયે જઈને સુતેલા હતા. તે સમયે તેમના ફોટા ભાજપના સક્રિય કાર્યકર્તા અને સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 21ના બુથ પ્રમુખ પ્રશાંત બારોટે સાંજના 7:16 વાગ્યાના સમયે પાડીને ભાજપના સક્રિય કાર્યકર્તા જયરાજ સાહુકારને વોટ્સએપમાં મોકલ્યા હતા.

ત્યારબાદ આ ફોટા જયરાજ સાહુકાર દ્વારા સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 13ના કોર્પોરેટર સંજય દલાલને મોકલી વોટ્સએપ પર ફોરવર્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ફોટા અર્થનો અનર્થ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા. જેના લીધે સોશિયલ મીડિયામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલ પર આમ આદમી પાર્ટીની ગોપીપુરા સુરતમાં આવેલી કાર્યાલયની ખૂબ બદનામી કરવામાં આવી હતી.

આ બબાતે હું ભાજપના સક્રિય કાર્યકર્તા અને સુરત વોર્ડ નંબર 21નો બુથ પ્રમુખ પ્રશાંત બારોટ અને સક્રિય કાર્યકર્તા જયરાજ સાહુકાર દિલગીર છીએ અને આ બાબતે આમ આદમી પાર્ટીની લેખિતમાં મંજૂરી માગીએ છીએ. અમે વોર્ડ નંબર 13ના બુથ પ્રમુખ નિશાંત કેરીવાલાની સાક્ષીમાં બાંહેધરી આપીએ છીએ કે, હવે પછી અમારા દ્વારા આવી કોઈ પણ ખોટી હરકત થશે નહીં થશે. જેના કારણે આપની કે, આપના રાજકીય પક્ષની ખોટી બદનામી થાય.

આપને બદનામ કરવા માટે આવા તિકડમ કરાય છે
આપની એન્ટ્રી સાથે ફફડાટ હોય એમ બદનામ કરવા ભાજપ તિક્ડમ ચલાવે છે. એની જ પરંપરા છે. > ધર્મેશ ભંડેરી, વિપક્ષ નેતા.

ધમકી આપી માફીપત્ર લખાવ્યું
ફોટો પાડનાર ભાજપ કાર્યકર છે. હિમાંશુ માત્ર ચૂંટણી વખતે આવે છે. સક્રિય નથી, હાલ આપમાં છે. > વ્રજેશ ઉનડકટ, ભાજપ કોર્પોરેટર.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો