રાજકોટમાં પોલીસ કમિશનરને પાટિલ સહિત 17 નેતાઓ સામે ગુનો નોંધવા અરજી કરાઈ, BJP કાર્યકરોના ગરબાનો વીડિયો બન્યો ચર્ચાનું કેન્દ્ર
તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે હતા. સૌરાષ્ટ્રમાં તેમણે ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ જિલ્લા તેમજ રાજકોટ શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ સમયે પ્રારંભિક તબક્કેથી જ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને આવકારવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. કોઈ જગ્યાએ બાઇક રેલી તો કોઈ જગ્યાએ કાર રેલી યોજાઇ હતી. અનેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું જોવા મળ્યું ન હતું. આ ઉપરાંત અનેક જગ્યાએ કાર્યકરોએ ફરજિયાત માસ્કના નિયમનો પણ ભંગ કર્યો હતો. એટલું જ નહીં, જૂનાગઢ જિલ્લામાં તેમજ રાજકોટ શહેરમાં પ્રદેશ અધ્યક્ષના સ્વાગત માટે રાસ-ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે સમગ્ર બાબતના વીડિયો તેમજ ફોટા પણ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ મામલે સોશિયલ મીડિયામાં લોકો ખૂબ ટિપ્પણી કરી રહ્યા છે. બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનરને એક અરજી પણ કરવામાં આવી છે, જેમાં પાટિલ સહિત 17 લોકો સમક્ષ ફરિયાદ નોંધવા કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં કોઇ પણ જાતના મેળાવડા યોજવા શક્ય નથી. તેમજ નવરાત્રીના સમયે પણ જો કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળશે તો નવરાત્રીના રાસ ગરબાના આયોજનો પણ મોકૂફ રાખવામાં આવશે.
સોશિયલ મીડિયા પર કટાક્ષ, 'નવરાત્રીની મંજૂરી માટે આ વીડિયો સાથે લઈ જવો!' pic.twitter.com/riaYzDMiZs
— News18Gujarati (@News18Guj) August 25, 2020
જોકે, સી.આર. પાટીલના સ્વાગત સમયે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જે રાસ-ગરબા લેવામાં આવ્યા હતા તે રાસ ગરબાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સાથે સાથે સોશિયલ મીડિયામાં એવું પણ લખાણ લખવામાં આવ્યું છે કે, “નવરાત્રી કરવાની હોય તો મામલતદાર પાસે પરમિશન લેવા જતી વખતે આ વીડિયો સાથે લઈ જવો.”
ઉલ્લેખનીય છે કે સી. આર. પાટીલ નો સૌરાષ્ટ્ર પ્રવાસ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે એક સફળ પ્રવાસ સાબિત થશે તેવું લાગી રહ્યું છે પરંતુ જન માનસમાં પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ ઠેરઠેર રોષનું કારણ બન્યો છે. કારણ કે અનેક એવી જગ્યાએ અનલોક પાર્ટ-૩ની માર્ગદર્શિકાનો ભંગ થયો છે. સમગ્ર મામલે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ થવા પામી નથી. કોઈપણ જગ્યાએ પોલીસે ભારતીય જનતા પાર્ટીના હોદેદાર કે પછી નાનામાં નાના કાર્યકર્તા વિરુદ્ધ જાહેરનામાના ઉલ્લંઘન બદલ કાયદાકીય કાર્યવાહી નથી કરી.
હવે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા કાઢવામાં આવેલ કથિત રેલીને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસ કમિશનરને ગુનો નોંધવા અરજી કરવામાં આવી છે. જે અરજીમાં આઈપીસીની કલમ 269, 270, 271 તેમજ અન્ય લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી છે. પોલીસ કમિશનરને આપવામાં આવેલી અરજીમાં સી.આર.પાટીલ, ગોરધન ઝડફિયા, કમલેશ મીરાણી, રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ, નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સહિત નામજોગ 17 અગ્રણીઓ વિરુદ્ધ ગુનો નોંધવા રજુઆત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

