વડોદરામાં હેલ્મેટ ન પહેરેલા યુવાનને પકડવા જતા પોલીસ જવાનને 25 ફૂટ સુધી બાઇક સાથે ઘસડ્યો

ટ્રાફિકના નવા નિયમનો કડક અમલ કરાવવાનો પ્રયાસ કરનાર પોલીસ જવાનને બાઇક ચાલકે 25 ફૂટ સુધી ઘસડ્યો હતો. હેલ્મેટ પહેર્યા વિના પસાર થતાં બાઇક ચાલકને ટ્રાફિક પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેને આધારે પોલીસે યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ જવાને યુવાનનો રોકવાનો પ્રયાસ કર્યો

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકના નવા નિયમોનો કડક અમલ કરાવવા માટે ટ્રાફિક જંક્શનો ઉપર પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. આજે સવારથી પોલીસનો એક કાફલો ફતેગંજ વિસ્તારમાં આવેલી નરહરી હોસ્પિટલ પાસેના સર્કલ પાસે તૈનાત હતો. દરમિયાન એક બાઇક ચાલક હેલ્મેટ પહેર્યા વિના પસાર થતાં ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઇ રાઠવાએ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

બાઇક ચાલકે પોલીસ જવાનને 25 ફૂટ ઘસડ્યા

ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર બાઇક ચાલક દંડથી બચાવવા માટે પોલીસ જવાનને ચકમો આપીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસ જવાન મુકેશ રાઠવાએ તેનો પીછો કરી પકડવાનો પ્રયાસ કરતા તેઓ બાઇક સાથે 25 ફૂટ સુધી ઘસડાયા હતા. જેમાં તેઓને થાપામાં અને પગમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પોલીસ જવાનને તુરંત જ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ એ.સી.પી. ટ્રાફિક અમીતા વાનાણીને થતાં તુરંત જ તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

ઇજાગ્રસ્ત પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયા

એ.સી.પી. ટ્રાફિક અમીતા વાનાણીએ જણાવ્યું હતું કે, ફતેગંજ નરહરી સર્કલ પાસેથી બાઇક ચાલક હેલ્મેટ પહેર્યા વિના પસાર થતો હતો. તેને ટ્રાફિક પોલીસ જવાન મુકેશભાઇ રાઠવાએ રોકવાનો પ્રયાસ કરતા બાઇક ચાલક ઉભો રહ્યો ન હતો. અને બાઇક હંકારી મૂકી હતી. જેનો પીછો કરીને મુકેશભાઇ પકડવા જતાં તેઓ બાઇક સાથે ઘસડાયા હતા. અને તેમાં તેઓને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
પોલીસે યુવાનની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી

નરહરી હોસ્પિટલ પાસે બનેલી ઘટનામાં પોલીસ જવાનને ઇજા પહોંચાડનાર બાઇક ચાલકનું નામ રિકીન સોની હોવાનું બહાર આવ્યું છે. સયાજીગંજ પોલીસે દ્વારા રિકીન સોનીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સોમવારે કાલાઘોડા ખાતે હેલ્મેટ બાબતે જ તુષાર શાહ નામના વ્યક્તિએ ભારે હોબાળો મચાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો