શહીદના પરિવારની જમીન ભૂમાફીયાઓ બળજબરીથી ખોદી બોકસાઇટ કાઢી લઇ પરીવારને માર્યો માર, પોલીસે ફરિયાદ પણ ન લીધી

કલ્યાણપુર પંથકમાં મહામૂલ્ય ખનીજની બેફામ ચોરી તંત્રની રહેમ દ્રષ્ટિ હેઠળ ચાલતી હોવાના અનેક પૂરાવાઓ સામે આવ્યા છે. ત્યારે પોલીસ માટે કમાવ દિકરો બનેલા બોકસાઇટ માટે તેઓ દિવસ-રાત એક કરે છે. બોકસાઇટ ચોરી રોકવાની વાત તો દૂર રહીં. પરંતુ શહીદ મોહનભાઈ ડાભી પરિવારની જમીન ભૂમાફીયાઓ બળજબરીથી ખોદી બોકસાઇટ કાઢી લઇ તેઓને માર-મારતા ચકચાર મચી ગઇ છે. પોલીસે ફરિયાદ લેવા તો નૈનયો ભણી દીધો. પરંતુ શહિદની શહાદતનું ઔચિત્ય પણ નહીં જાળવી બેફામ વાણી વિલાસ કરી એક પોલીસ કર્મચારીએ એવું વિધાન કર્યું કે, ‘ તમારો પુત્ર શહીદ તમારા માટે થયો છે અમારા માટે નહી.’ તેમ કહીં અપમાનિત કર્યાનો બનાવ બહાર આવતા ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.

 “તમારો પુત્ર તમારા માટે શહીદ થયો, અમારા માટે નહીં” -.પોલીસ.. ભૂ-માફિયાઓએ પરિવારને માર્યો, પોલીસે ફરિયાદ પણ ન લીધી.

શહીદના પરિવારને સરકારે 37 વીધા જમીન આપી

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના વતની મોહનભાઇ ડાભી આર્મીમાં ફરજ બજાવતા હતા અને ફરજ દરમિયાન જ 2002માં દેશ માટે શહીદ થયા હતા. પરિવાર પર આવી પડેલી આફતમાં સરકાર તરફથી તેમના પરિવારને 37 વીઘા જેટલી જમીન સાથણીમાં આપવામાં આવી હતી. પરંતુ જમીન મળ્યા બાદ બાજુમાં રહેલા ખનીજ માફિયાઓને ખબર પડી કે આ જમીન ખનીજથી ભરપુર છે એટલે તેમના થાંભલા તોડી જમીન ખોદી ખનીજ કાઢી લેવામાં આવી હતી. આ અંગે વિરોધ કરવા જતાં ધાક-ધમકી આપી મોહનભાઇના ભાઇ રણમલભાઇ અને વયોવૃધ્ધ પિતા મથુરભાઇને માર મારવામા આવ્યો હતો. જે અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

તંત્રને રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં

પરિવાર દ્વારા જિલ્લા કલેકટર, એસપી સહિતનાને અરજી કર્યાં છતાં કોઇ પરિણામ મળ્યું નહીં હોવાનો આફતગ્રસ્ત પરિવારે આક્ષેપ કર્યો છે. ઉલટું કલ્યાણપુરપોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતાં ‘તમારો દીકરો શહીદ તમારા માટે થયો છે અમારા માટે નહી’ તેવા શબ્દો ઉચ્ચારી એક પોલીસ કર્મીએ ભગાડી મૂકયા હતા. આ આઘાતજનક અનુભવ બાદ પોલીસ મથકથી શહિદનો પરિવાર અશ્રુભીંની આંખે નીકળી ગયો હતો.

2002માં મોહનભાઇ કાશ્મીરમાં શહીદ થયા

શહીદ મોહનભાઇ મથુરભાઇ ડાભી નાની ઉંમરથી જ સાહસિક હતા અને 18 વર્ષની વયે જ તેઓ આર્મીમાં જોડાય ગયા હતા. આર્મીમાં અલગ અલગ જગ્યાએ ફરજ બજાવવા દરમિયાન 2002માં 12 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરમાં ડોડા ડિસ્ટ્રીક્ટમાં બોમ્બ બ્લાસ્ટમાં શહિદ થયા હતા.

આર્મીના અધિકારીઓને ફરિયાદ

શહીદ મોહનભાઇના પરિવારે કયાંય ન્યાય ન મળતા છેવટે તેમનો પુત્ર જે જગ્યા પર નોકરી કરતો હતો. ત્યાં આર્મીમાં ફરિયાદ કરતા કર્નલ એસ.એસ. રાઠોડદ્વારા કલેકટરને પત્ર લખી તાત્કાલિક શહીદના પરિવારને મદદ કરી કાર્યવાહી કરવા જણાવાયુ છે. તેમ છતાં હજુ સુધી નિંભર સ્થાનિક તંત્રએ કોઇ પગલા લીધાનથી.

આવી કોઇ બાબત મારા ધ્યાન પર નથી

શહીદ મોહનભાઇ ડાભીના પરિવારની ફરિયાદ અંગેની મને કોઇ જાણ નથી, કશી જ ખબર નથી. આવી કોઇ બાબત મારા ધ્યાન પર આવી નથી. -રોહન આનંદ, એસપી દેવભૂમિ દ્વારકા

પોલીસે ફરિયાદ લેવાને બદલે અપમાનિત કર્યા

ખનીજ માફીયાઓ ખનીજ કાઢી અમારી સાથે દાદાગીરી કરી છે. જે બાબતે કલેક્ટર સુધી રજુઆતો કર્યા બાદ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવા અમે ગયા હતાં. પરંતુ પોલીસ ફરિયાદ લેવાના બદલે એક પોલીસ કર્મચારીએ અમને અપમાનિત કર્યા હતા. અમે માત્ર ન્યાય મેળવવા માંગીએ છીએ.– રણમલભાઇ ડાભી,શહીદના ભાઇ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો