બનાસકાંઠાના ‘સુલતાન’ની અનોખી સેવા: પોતાના મોતની પરવા કર્યા વિના બચાવે છે ડૂબતા લોકોના જીવ, અત્યાર સુધી 200થી વધુ લોકોના જીવ બચાવી ચૂક્યાં છે

આજના આ ઘોર કળિયુગમાં પણ કેટલાક સેવાકર્મીઓ પોતાના સેવાકાર્ય થકી લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારનો એક એવો સેવાકર્મી કે જે પોતાના મોતની પરવા કર્યા વિના લોકોના જીવ બચાવવા મોતની છલાંગ લગાવતા લોકોના જીવ બચવવા તો મૃત પામેલા લોકોના મૃતદેહોને શોધી કાઢવા અનોખું સેવાકાર્ય ચલાવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સ્લમ પરિવારમાંથી આવતો અને થરાદ નગરપાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતો કર્મી સુલતાન મીર કોઈ પણ જાતની આર્થિક લોભ-લાલચ વિના જ આ સેવાકાર્ય થકી અત્યાર સુધીમાં તેને અનેક લોકોના જીવ બચાવી દીધા છે. આટલું જ નહીં, હજારો મૃતદેહોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

બનાસકાંઠા જિલ્લા કે આસપાસના જિલ્લાઓમાંથી પસાર થતી નર્મદાની સુજલામ સુફલામ કે અન્ય કેનાલોમાં કોઈ આત્મહત્યાનો બનાવ હોય કે અકસ્માતનો બનાવ હોય, ત્યારે બચાવવા માટે સુલતાન મીરનું નામ જ મોંઢે આવે છે.

પોતાના ડૂબી રહેલા સ્વજનને બચાવવા કોઈ આગળ ના આવ્યું
સુલતાન મીર સ્લમ પરિવારમાંથી આવતો વ્યક્તિ છે. વર્ષો પહેલા ગામના તળાવમાં સુલતાનના પરિવારના સ્વજન તણાયા હતા. તે સમયે તેમને બચાવવા બધાએ કોઈ તરવૈયાઓને શોધવા દોડધામ કરી રહ્યા હતા. જો કે તે સમયે કોઈ તરવૈયો ના મળતા છેવટે સુલતાનભાઇએ પોતાની જાત મહેનતે સ્વજનનો જીવ બચાવ્યો.

જો કે સ્વજનનો જીવ બચાવી સંતોષ ના માન્યો, પરંતુ આ કામ થકી તેમાંથી પ્રેરણા મેળવતા સુલતાનભાઈને વિચાર આવ્યો કે, મારા જેવા અનેક લોકો હશે કે જેમને તરવૈયાની અછતને કારણે પરિવારજનોના જીવ ગુમાવવા પડતા હશે. આથી તેમણે 12 વર્ષની બાળવસ્થાથી તરવૈયાનું સેવાકાર્ય શરૂ કર્યું અને પોતાના સહિત આસપાસના ગામોમાં જો કોઈ લોકો ગામના તળાવના કે કુવામાં પડીને મોતને ભેટતા હોય તો તેવા લોકોના જીવ બચાવવાની કામગીરી શરૂ કરી.

ખેડૂતોના હિત માટે બનાવવામાં આવેલી કેનાલો બની મોતનું કેન્દ્રબિંદુ
શરૂઆતમાં તો તળાવ કે કૂવામાં પડવાના ગણ્યા ગાંઠ્યા જ કેસો સામે આવતા જેને લઇ સુલતાનભાઇનું આ સેવા કાર્યો સરળ રહ્યું હતું, પરંતુ તે બાદ વર્ષ 2008થી જિલ્લાના સરહદી વિસ્તારોમાં સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે કેનાલો બનાવવામાં આવી, પરંતુ આ કેનાલો ધીરે-ધીરે લોકોના મોતનું કેન્દ્રબિંદુ બનવા લાગી.

પરિવારથી કંટાળેલો હોય કે અન્ય કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી રહેલા અનેક વ્યક્તિઓ આ કેનાલમાં મોતની છલાંગ લગાવવા લાગ્યા. શરૂઆતમાં સુલતાનભાઈ પોતાના થરાદ વિસ્તારની કેનાલમાં પડેલા એક-બે લોકોના જીવ બચાવતા સુલતાનભાઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચાસ્પદ બની ગયાં અને પછી તો વિસ્તારના મોટાભાગના લોકોના ફોનમાં સુલતાનભાઈનો નંબર સેવ થઈ ગયો.

જો કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં સુલતાનભાઇએ કેનાલમાં મોતની છલાંગ લગાવતા 200થી વધુ લોકોના જીવ બચાવી લીધા છે, તો 3000થી વધુ મૃતદેહોનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે.

ખાસ વાત તો એ છે કે, સુલતાનભાઇ આ સેવાકાર્ય બદલ કોઈ પણ પરિવાર પાસેથી એક રૂપિયાનો ચાર્જ લેતા નથી. પોતાના પરીવારનું ગુજરાન ચલાવવા અનેક સમસ્યાઓનો સામનો કરતા આ વ્યક્તિને સ્થાનિક તંત્ર કે સરકાર પણ એક પણ રૂપિયાનું ભથ્થુ આપતી નથી. આમ છતાં જાણે કેનાલ વિભાગનો કર્મચારી હોય તે રીતે આ વ્યક્તિ સેવા અદા કરી રહ્યો છે

સુલતાનભાઈ કોઈવાર કોઈ વ્યક્તિને કેનાલમાંથી કાઢવા જાય અને તેને જીવિત બહાર કાઢે અને કોઇ પરિવાર તેમને સન્માન પેટે કોઈ આર્થિક મદદ કરે તો તે આર્થિક સન્માનમાંથી એકત્ર થયેલા પૈસા સુલતાનભાઈએ પોતાના પરિવાર પાછળ વાપરવાની જગ્યાએ કેનાલમાં કૂદવા અનેક સાધન સામગ્રીઓ વસાવી દીધી છે. જે થકી મુશ્કેલ ઘડીએ પણ સુલતાનભાઈ કોઈનો જીવ બચાવી શકે.

સુલતાનભાઈને જીવનમરણ વચ્ચેના આ સેવાકાર્ય કરવા બદલ કોઈ આર્થિક રકમ મળી નથી. આટલું જ નહીં. તંત્ર દ્વારા કોઈ ભથ્થું પણ મળતું નથી. સુલતાનમીર થરાદ નગરપાલિકામાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવે છે તેમને પાલીકા દ્વારા બોર ઓપરેટરના માત્ર રૂ.12 હજાર પગાર ચૂકવવામાં આવે છે.

અત્યાર સુધીમાં આટલા જીવો બચાવવાં કે મૃતદેહો કાઢવા પાછળ સુલતાનભાઇને કોઈ મોટી આર્થિક સહાય તો મળી નથી, પરંતુ સ્થાનિક તંત્ર અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સન્માનપત્ર આપી સુલતાન મીરને સન્માનિત કરી ચૂક્યા છે.

સુલતાન મીરના જણાવ્યા અનુસાર, આ મોંઘવારીના સમયમાં તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ છે. તેઓ સરકાર પાસે આર્થિક સ્થિતિમાં સુધારો આવે તેવી મદદની માંગ કરી રહ્યાં છે. જો કે પોતે પરિવારનું ગુજરાન ચલાવવામાં અનેક સમસ્યાઓનો સામનો કરતા હોવા છતાં પણ આવી મોંઘવારીના સમયમાં પોતાનું સેવાકાર્યો અટકાવ્યું નથી. સુલતાનભાઈએ આ જુલાઈ માસમાં પણ ૧૮ જેટલા મૃતદેહો બહાર કાઢી ચૂક્યા છે.

ખાસ વાત એ છે કે, બનાસકાંઠામાં મોતની છલાંગ લગાવતા લોકોને બચાવવાની કામગીરી કરતાં સુલતાન મીર અત્યારે માત્ર બનાસકાંઠામાં જ ચર્ચિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. અત્યારે સુલતાનભાઈ ફક્ત બનાસકાંઠામાં જ આ સેવા કાર્ય નથી કરી રહ્યા, પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના અનેક ખૂણામાંથી લોકો સંપર્ક કરતાં સુલતાનભાઈના ત્યાં પહોંચી જાય છે.

સુલતાન મીર આજે પણ અનેક લોકોનાં જીવ બચાવી રહ્યા છે. જોકે તેમની પરિસ્થિતિથી વાકેફ સ્થાનિક થરાદના ધારાસભ્યએ પણ સુલતાન મીરને સહાય કરવા સરકારને અનેક રજૂઆતો કરી છે. જો કે સરકારે આજદિન સુધી કોઇ સહાય કરી નથી. અનેક મૃત પરિવારોનો સહારો બનતા સુલતાન મીરની પરિસ્થિતિ સુધારવા સરકાર પણ મદદ કરે, તેવી અત્યારે તો સૌ કોઈ માંગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો