બનાસકાંઠામાં ભેજાબાજ ટોળકીએ 1600 વર્ષ જૂની એન્ટિક ચેરમાં સોનીને રોકાણ કરાવી દોઢ કરોડની છેતરપિંડી આચરી
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતી ઘટના બનાસકાંઠામાં (Banaskantha) ધાનેરા તાલુકાના નાનામેડા ગામે બની છે. બનાસકાંઠામાં એક જ્વેલર્સ માલિક સાથે તેના મિત્ર સહિત ભેજાબાજ ટોળકીએ એન્ટિક ચેરમાં (Antique chair) પૈસાનું રોકાણ કરવાના બહાને દોઢ કરોડની છેતરપિંડી (fraud) આચરી છે. છેતરપીંડી આચરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધી ધાનેરા પોલીસે (Dhanera police) આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એન્ટિક ચેરની આવી વિશેષતાઓ જણાવી હતી
નાનામેડા ગામમાં રહેતા માસુંગભાઈ પટેલ ખેડૂત પુત્ર છે અને ધાનેરામાં જવેલર્સનો શોરૂમ ધરાવે છે જેમને તેમના મિત્ર ભરત ચૌધરીએ 2016ની સાલમાં સ્વિઝરલેન્ડમાં એક એન્ટિક નેકડ ચેરની વાત કરી હતી. તેમણે ખુરશીની વિશેષતાઓ જણાવતા કહ્યું હતું કે, ચેર પર એક કાચનો પદાર્થ છે જે ગ્રહો જોવામાં વપરાય છે અને આ ચેર 1600 વર્ષ જૂની છે. જેની કિંમત કરોડોમાં થાય છે જેમાં રોકાણ કરવાથી કરોડો રૂપિયાનો ફાયદો થશે. તેવી લાલચ આપી તેમને વિશ્વાસમાં લીધા હતા.
2016થી અત્યાર સુધી 1.48 કરોડની છેતરપિંડી કરી હતી
બાદમાં ભરત ચૌધરી સહિત 4 ભેજાભાજ ટોળકીએ માસુંગભાઈ પાસે આ ચેરમાં રોકાણ કરાવ્યું હતું. 2016થી અત્યાર સુધી આ ચાર શખ્સોએ માસુંગભાઈ પાસેથી અલગ-અલગ સમયાંતરે કુલ 1.48 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આ સમય દરમિાન આ ચારેય શખ્સોએ માસુંગભાઈને વિશ્વાસમાં લેવા માટે સ્વિઝરલેન્ડમાંથી આવેલા ભારતીય એમ્બેસીના સહી સિક્કાવાળો લેટરપેડ, મુંબઈ પોલીસ કમિશનરના ફોટા, મોબાઈલ નંબર અને પોલીસ મથકના સહી સિક્કાવાળો લેટરપેડ, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને સેન્ટ્રલ ઓફીસના લેટરપેડ વેગેર ડોક્યુમેન્ટ પણ વોટ્સએપ દ્વારા આપ્યા હતા.
જોકે, હવે પાંચ વર્ષ બાદ રોકાણ કરેલા પૈસા પરત માંગતા અને ચેર અંગે પણ કોઈ જ માહિતી ના આપતા માનસુંગભાઈએ આ શખ્સો પાસે ઉઘરાણી શરૂ કરી હતી અને બાદમાં આ શખ્સોએ તેમના પૈસા પરત આપવાની જગ્યાએ ઉઘરાણી કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતા તેઓએ ધાનેરા પોલીસ મથકે આ ટોળકી સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીના પિતા, હમીરાભાઈ પટેલ આ અંગે જણાવે છે કે, ચેરમાં પૈસા રોકાણ કારવના બહાને છેતરપીંડી કરી છે. મારા પુત્રના દોઢ કરોડ પડાવ્યા છે. અન્ય લોકોના પણ 50 કરોડથી વધુ પૈસા સલવાય હોય એમ લાગે છે.
થરાદના નાયબ પોલીસ અધિક્ષક, પૂજા યાદવે આ અંગે જણાવે છે કે, છેતરપીંડીની ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરવામાં આવી છે.માસુંગભાઈની ફરિયાદના આધારે ધાનેરા પોલીસે છેતરપિંડી આચરનાર ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો છે. અન્ય લોકો પણ આ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ, તે સમગ્ર કેસ મામલે તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ
1. રમેશ અરજણભાઈ ચૌધરી (રહે. ભાચરવા, ડીસા)
2. વેલા અજાભાઈ ચૌધરીરહે. (ભાચરવા, ડીસા)
3. સલીમ કાલુમિયા ફારૂકી (રહે.મન્નત બંગલોઝ, પાટણ)
4. રાકેશ રાયચંદભાઈ ખત્રી (રહે. વાડીરોડ, ડીસા)
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

