ગોંડલમાં બાલાશ્રમની દીકરીઓના અનોખા લગ્ન: દરેક દીકરીને કન્યાદાનમાં 3થી 5 લાખની એફડી, 100 વારનો પ્લોટ અને સોનાના દાગીનાની ભેટ અપાઈ

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી બાલાશ્રમની 7 અનાથ દીકરીઓનો કાલે શાહી લગ્નોત્સવ યોજાયો છે. 7 દીકરીઓના લગ્ન હોય શહેરના અમુક વિસ્તારોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. તેમજ મંડપને શણગારવામાં આવ્યા છે. 7 દીકરીઓ સાથે લગ્ન કરનાર વરરાજાનો બેન્ડવાજા અને ફટાકડાની આતશબાજી વચ્ચે વરઘોડો નીકળ્યો હતો. જેમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. માંડવે જાન પહોંચતા જ વરમાળા યોજાઇ હતી. બાદમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્નવિધિ કરવામાં આવી રહી છે. રાજકોટના નિલેશભાઇ દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં 100 વારનો પ્લોટ આપવામાં આવ્યો છે.

સાંસદ, ધારસભ્યો હાજર રહ્યા

આ લગ્નોત્સવમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પોરબંદરના સાંસદ રમેશ ધડુક સહિત રાજકીય આગેવાનો અને ગોંડલના રાજવી પણ હાજર રહ્યા છે. આ શાહી લગ્નોતસ્વમાં જમણવાર પણ ગોઠવવામાં આવ્યું છે. જેમાં અનેક વાનગીઓ માંડવીયા અને જાનૈયાઓને પીરસવામાં આવશે. ગઇકાલે મંડપ વિધિ અને રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોંડલના રાજવી જ્યોતિન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપી આશિર્વાદ આપ્યા હતા.

આ સાત દીકરીઓના લગ્ન યોજાયા

1. ચાંદની અમુભાઇના લગ્ન રાજકોટના ચિરાગ કાનજીભાઇ પીપળીયા સાથે
2.પુનમ શાંતિલાલના લગ્ન મોરબીના નિકુંજ પોપટભાઇ ભાલોડીયા સાથે
3.મયુરી ઘનશ્યામભાઇના લગ્ન રાજકોટના કિશ ચંદુભાઇ મેંદપરા સાથે
4.ચાંદની નલીનભાઇના લગ્ન જામજોધપુરના અજય અશોકભાઇ ફળદુ સાથે
5.મનિષા ભગવાનભાઇના લગ્ન મોરબીના સાવન બાબુભાઇ ઉઘરેજા સાથે
6.દિવ્યા અમુભાઇના લગ્ન ગોંડલના સાવન સંજયભાઇ હિરપરા સાથે
7. સપના અમુભાઇના લગ્ન ઉમરાળીના રેનીશ આણંદભાઇ કથીરિયા સાથે

અગાઉ 144 દીકરીઓના લગ્ન થયા હતા

ગોંડલ બાલાશ્રમની અનાથ દીકરીઓના દર વર્ષે દાતાઓના સહયોગથી લગ્ન કરાવવામાં આવે છે. અગાઉ બાલાશ્રમની 144 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા. આજે 7 દિકરીઓના લગ્ન હોય 151 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે.

1903માં બાલાશ્રમની સ્થાપના કરાઇ હતી

ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીએ ગોંડલ રાજ્યના અનાથ અને નિરાધાર બાળકો માટે 1903માં બાલાશ્રમની સ્થાપના કરી હતી. ભગવતસિંહજી માતા-પિતા વગરના આ અનાથ બાળકોને પોતાના સંતાનોની જેમ પ્રેમ કરતા અને એનું ધ્યાન રાખતા. બાલાશ્રમના બાળકોના પહેરવેશમાં જાંબલી રંગનો ઉપયોગ થતો. આ બાળકો સાથે પોતે દિલથી જોડાયેલા છે એવો બાળકોને અહેસાસ કરાવવા ભગવતસિંહજી પોતે મોટા ભાગે જાંબલી રંગની પાઘડી જ પહેરતા.

બાલાશ્રમના દીકરા-દીકરી માટે અભ્યાસની પૂરતી વ્યવસ્થા કરતા. આ બાળકો પગભર થાય તે માટે તેને એના રસ-રુચિ પ્રમાણેના હુન્નર પણ શીખવતા. બાલાશ્રમની દીકરી જ્યારે ઉંમરલાયક થાય ત્યારે એના માટે યોગ્ય મુરતિયો શોધીને એના લગ્ન પણ કરાવી આપતા.

ગોંડલના લોકો પોતાની દીકરીના લગ્ન થતા હોય તેમ સામેલ થાય છે

માતા-પિતા વગરની આ દીકરીઓના લગ્નમાં ગોંડલના રાજકીય, ઔદ્યોગિક, સામાજિક આગેવાનોની સાથે સાથે ગોંડલના સામાન્ય પ્રજાજનો પણ દીકરીના લગ્ન હોય એવી રીતે હરખથી જોડાય છે. દાતાઓ દાનનો ધોધ વહાવે છે અને દીકરીને અઢળક કરિયાવર સાથે સાસરે વળાવે છે. આ વખતે રાજકોટના નિલેશભાઈ લુણાગરિયાએ દરેક દીકરીને કરિયાવારમાં 100 વારનો પ્લોટ ભેટ તરીકે આપ્યો છે જે પ્લોટનો દસ્તાવેજ સીધો જ દીકરીના નામે થશે.

– દેવાંગ ભોજાણી/હિમાંશુ પુરોહિત

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો