મધ્યમ વર્ગના હાથમાં પૈસા આવશે, સરકાર ખર્ચ વધારશે, વેરામાં રાહત આપશે તો અર્થતંત્ર બેઠું થશે: અર્થશાસ્રી બકુલ ધોળકિયા

છેલ્લાં 70 વર્ષમાં આપણા દેશમાં ફક્ત ચાર વર્ષ એવા રહ્યાં હતાં કે જ્યારે આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ રહ્યો હતો. બાકીના 66 વર્ષમાં જીડીપી ગ્રોથ પૉઝિટિવ હતો. એ ચાર વર્ષ હતા 1956-57, 1965-66, 1972-73 અને 1979-80, જેમાં સૌથી વધુ 1979-80માં દેશનો ગ્રોથ રેટ નેગેટિવ હતો, પણ વર્ષ 2020 જેટલી ખરાબ મંદી અત્યાર સુધી નથી આવી. આ વખતે નોમિનલ જીડીપી પણ ઘટશે, જે 70 વર્ષમાં પહેલીવાર બનશે. અત્યાર સુધી રીઅલ જીડીપીમાં ઘટાડો થતો હતો. 1991ના વર્ષમાં સોનું ગીરવે મૂકવું પડ્યું હતું ત્યારે પણ આટલી ખરાબ પરિસ્થિતિ ન હતી. હવે એ સમજવવાની જરૂર છે કે આ કપરા કાળમાંથી કેવી રીતે નીકળી શકાય?

જ્યાં સુધી સમગ્ર દેશ એકસાથે અનલૉક ન થાય ત્યાં સુધી સ્થિતિને નોર્મલ ગણી શકાય નહીં. જેમ લૉકડાઉન ટોટલ હતું તેમ અનલૉક પણ ટોટલ હોવું જોઇએ. આપણા વેપાર ઉદ્યોગ ઇન્ટર રિલેટેડ છે. અમુક રાજ્યોમાં લૉકડાઉન હોય અને અમુક રાજ્યોમાં અનલૉક હોય તો ઇકોનોમિક વ્યવહાર ચાલી ન શકે. દુનિયામાં ક્યાંય આટલું મોટું લૉકડાઉન થયું નથી. આટલા મોટા પ્રતિબંધો ભાગ્યે જ દુનિયાના કોઇ દેશમાં રહ્યા હોય. એટલા માટે જ આપણા દેશ પર સૌથી ખરાબ અસર પડી.

મોટી કંપનીઓએ ગમે તેમ કરીને પ્રોફિટ બતાવવાનો હોય છે, નહીંતર શૅર માર્કેટમાં તેમના શૅર કોટેડ હોય તે ખલાસ થઇ જાય. હવે જ્યારે આવક ઓછી હોય અને નફો બતાવવાનો હોય તો કંપનીઓ કોસ્ટ કાપશે. જેથી બધી મોટી કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને છૂટા કર્યા અને ફિક્સ કોસ્ટ ઘટાડ્યો. વળી જ્યાં શક્ય હોય ત્યાં એક્સપોર્ટ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આજથી પાંચ વર્ષ પહેલાં આપણે ગર્વ લેતા હતા કે ભારત ફાસ્ટેટ ગ્રોઇંગ ઇકોનોમી છીએ, પણ આજે આપણે બોટમ પર છીએ. આજે દુનિયાના દેશોની સરખામણીએ સૌથી ખરાબ આર્થિક સ્થિતિમાં છીએ. અત્યારે આપણે એ આત્મચિંતનની જરૂર છે કે ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકોનોમીમાંથી તળિયે કેવી રીતે પહોંચ્યા? અને હવે તેમાંથી બહાર આવવા માટે શું કરવું પડશે?

તેજી માટેના 6 સ્ટેપ: સરકારના 20 લાખના પેકેજમાં 17 લાખ ફાઇનાન્સ સેક્ટર માટે છે. ઉદાર પેકેજ હશે, નીચલા-મધ્યમ વર્ગની ખરીદશક્તિમાં વધારો મંદીને દૂર કરવાની ચાવી છે

સમસ્યા: કોરોના કાળમાં અર્થતંત્રની સ્થિતિ અત્યંત કફોડી બની છે, જીડીપીમાં મોટો ઘટાડો છે
સમાધાન:
 નક્કર પગલાં લેવાની ઈચ્છાશક્તિ સાથે નવી આર્થિક નીતિ લાવવી પડશે. ઉદાર આર્થિક પેકેજ જોઈશે
કેવી રીતે: લૉકડાઉન અને મંદીમાંથી બહાર આવવા તદ્દન નવા પ્રકારની આર્થિક નીતિની જરૂર છે. જેના વિશે જ્ઞાનનો અભાવ નથી, ડાયગ્નોસિસનો અભાવ નથી, પરંતુ અભાવ છે તો કોંક્રીટ એક્શનનો. ઇકોનોમિક પેકેજમાં આપણે બહું લિબરલ નથી. 20 લાખ કરોડના પેકેજમાંથી 17 લાખ કરોડ તો લોન, ફાઇનાન્સ સેક્ટરના છે. નીચલા અને મધ્યમ વર્ગના લોકોને સીધા જ પૈસા મળે તેવું ઓછું થયું છે. અમેરિકા, યુરોપ, કેનેડા, બ્રિટન જેવા દેશોએ લોકોને સીધા પૈસા પહોંચાડ્યા. જેથી લોકોની નોકરી ગઇ, ધંધા બંધ થયા પરંતુ આવક ચાલું રહી.

સમસ્યા: લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે જેના કારણે બજારમાં માગ ઘટી છે
સમાધાન:
 GST અને ચીજવસ્તુઓ પરના અન્ય વેરામાં રાહત આપવાની જરૂર, તો ભાવ ઘટશે-માગ વધશે
કેવી રીતે: જે લોકો ઇન્કમટેક્સ ભરે છે તેમને રાહત આપવાની જરૂર છે. જે લોકો માલ ખરીદે છે તેમને વિવિધ વેરામાં છુટ આપવાની જરૂર છે. જેથી ભાવ ઘટશે. અને ભાવ ઘટશે તો માંગ વધશે અને માંગ વધશે તો પ્રોડક્શન વધશે અને પ્રોડક્શન વધશે તો નોકરીઓ વધશે. ઓટોમોબાઇલ પર 28 ટકા જીએસટી છે. જો લોકો ખરીદશે જ નહીં તો સરકારને 28 ટકા જીએસટી કઇ રીતે મળશે. કંપનીઓ 80 ટકા પ્રોડક્શન પર પહોચશે તો છુટા કર્યા હતા તેમને ફરી નોકરી પર લેશે. આ આખી સાઇકલને રિવાઇઝ કરવાની જરૂર છે.

સમસ્યા:સરકારી ખર્ચમાં જોઈએ એટલો વધારો થયો નથી. સરકારે હાથ ખેંચી રાખ્યા હોય એમ લાગે છે
સમાધાન:
સરકારે રાજકીય ખાધની ચિંતા કર્યા વિના ખર્ચમાં વધારો કરવો પડશે. માગ વધશે તો ઇકોનોમી રિવાઇઝ થશે
કેવી રીતે: મંદીમાં ખર્ચ વધવો જોઇએ. સરકારી ખર્ચમાં કાપ ન મુકાવો જોઇએ. રાજખાધ થાય તો પણ સરકારે ચિંતા કરવાની ન હોય. ટેક્સ ઘટાડાથી રેવન્યુ ઘટશે નહીં પણ વધશે. સરકારે ફિક્સેશન ટેક્સ રાહત આપવી જોઇએ. જેથી લોકો અત્યારે જે પૈસા સંઘરી બેઠા છે તેઓ માલ સંઘરશે. માર્કેટમાં માંગ ઉભી થશે અને માંગ વધશે તો આખી ઇકોનોમિ રિવાઇઝ થશે. જ્યારે એપ્રિલ મહિનાથી ફરી અગાઉ પ્રમાણે ટેક્સ લાગું થશે તો અર્થતંત્ર સદ્ધર થઇ ગયું હશે. આજે બંધ પડેલા મશીનોને ચાલું કરવાના છે. સરકારે ટેક્સના દર ઘટાડવા જોઇએ, જેથી માંગ વધે.

સમસ્યા: ગરીબીનો રેશિયો 23-24%થી વધી 34-35% થશે, વધુ 14 કરોડ લોકો ગરીબી રેખા નીચે જશે
સમાધાન: 
ગરીબોના હાથમાં સીધા પૈસા પહોંચે એ રીતે વ્યવસ્થા ગોઠવાવી જોઇએ, મોટી કંપનીઓ પોતાનું કરી લેશે
કેવી રીતે: ગરીબો માટે ટાર્ગેટેડ સ્કીમ લાવો જેથી ગરીબોના હાથમાં સીધા પૈસા પહોંચે. નાના વેપારીઓને ફાયનાન્સમાં રાહત આપવી જોઇએ. માણસનું મોરલ વધે તેવા પગલાં સરકારે લેવાં જોઇશે. પોઝિટિવ માઇન્ડ સેટની જરૂર છે. સરકાર પાસે સલાહકારોની કોઇ કમી નથી. પરંતુ સરકારીની પ્રાથમિકતા શું છે તે નક્કી કરવી જોઇએ. અત્યારે ગરીબો અને નીચલો મધ્યમ વર્ગ સરકારની પ્રાથમિકતા હોવી જોઇએ. બિઝનેસમાં નાના વેપારી અને કંપનીઓ પ્રાથમિકતા હોવી જોઇએ. મોટી કંપનીઓ પોતાનું કરી લેશે.

સમસ્યા: કોવિડ અગાઉના વર્ષોમાં 8 ટકાના દરે વિકાસ હતો, તે ઘટીને 3 ટકા સુધી આવી ગયો
સમાધાન:
 દેશનું અર્થતંત્ર ઉભું કરવા આગામી 6 મહિનામાં માગ વધે એવા પ્રયાસો કર્યા સિવાય કોઈ જ છૂટકો નથી.
કેવી રીતે: ફાસ્ટેટ ગ્રોઇંગ ઇકોનોમિને બદલે અન્ય દેશોની સરખામણીએ સૌથી ખરાબ ઇકોનોમિ છે આપણી આજે. 2019માં પણ મંદીની અસર હતી. કોવિડ પહેલાં 8 ટકાના દરે વિકાસ હતો તે ઘટતાં-ઘટતાં 3 ટકાએ પહોંચી ગયો છે. જો 2019માં યોગ્ય પગલાં લીધા હોત તો 2020માં આપણી આર્થિક સ્થિતિ આટલી ખરાબ ન હોત. હવે જો 2020માં આપણે ધ્યાન નહીં રાખીએ 2021માં પણ આપણે ઝડપથી ઉભરી નહીં શકીએ. 2021 પર લોકો સારી ઇકોનોમિની આશા રાખીને બેઠા છે પરંતુ તેનો આધાર 2020માં આપણે કેવાં પગલા લઇએ છીએ તેના પર છે.

સમસ્યા: સપ્લાય ચેઇન નબળી, ઉત્પન્ન થયેલા માલને બજાર સુધી પહોંચાડી ન શક્યા
સમાધાન: 
ખરીદી કરી શકે તેમણે ડર કાઢી ખરીદી કરવી પડશે, નીચલા વર્ગના હાથમાં પૈસા આવે એમ કરવું પડશે
કેવી રીતે: ગુજરાતમાં સ્મોલ બિઝનેસના લોકોને ઓછી મુશ્કેલી આવી છે. પરંતુ અન્ય રાજ્યોમાં ખરાબ સ્થિતિ છે. માલ ફરતો થાય ત્યારે ઇકોનોમિક એક્ટિવિટી નોર્મલ થાય. આ માલ ફરતો થાય તે માટે જે લોકો પાસે ખરીદ શક્તિ છે તે લોકોએ મગજમાંથી ડરને કાઢવો પડશે અને ખરીદી શરૂ કરવી પડશે. જેમની પાસે પૈસા નથી તેઓ બિઝનેસ કે રોજગારી માટે બહાર નીકળી રહ્યાં છે, જ્યારે કે જેમની પાસે પૈસા છે તેઓ બહાર નીકળવા તૈયાર નથી. આ માટે સૌથી પહેલાં ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના હાથમાં પૈસા મુકો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો