ભૂખી મહિલાના આંસુઓ જોઈને દ્રવી ઊઠ્યું હૃદય અને આજે હજારો ભૂખ્યાંના ભરે છે પેટ

હૈદરાબાદના દબીરપુરા પુલ નીચે દરરોજ બપોરે ઘણા બધાં લોકો સ્વચ્છ ચટ્ટાઈ પર બેસી ભોજન કરે છે. અને અઝહર મકસૂસી નામનો એક શખસ વારાફરતી તે બધાની પ્લેટમાં ગરમાગરમ ભોજન પીરસે છે. આ ઘટનાક્રમ છેલ્લા સાત વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે સાત સ્થળોએ 1200 લોકો તેમના કારણે એક ટંક ભરપેટ જમી શકે છે.

હૈદરાબાદના જૂના શહેર ચંચલગુડા વિસ્તારમાં જન્મેલા અઝહર માટે જીંદગી ક્યારેય સરળ રહી નથી. ચાર વરસની ઉંમરમાં જ તેમણે પિતાને ગુમાવી દીધા હતા. પાંચ ભાઈ-બહેનોના પરિવારના ગુજરાનની જવાબદારી મા પર આવી ગઈ. તે દિવસોને યાદ કરતા અઝહરે જણાવ્યું કે, નાનાને ત્યાંથી મદદ મળતી હતી પણ તેમની બીજી પણ ઘણી જવાબદારીઓ હતી એટલે ક્યારેય દિવસમાં એકવાર તો ક્યારેય બે દિવસે એકવાર જમવાનું મળતું હતું આથી ભૂખ સાથે તેમનો જૂનો સંબંધ છે. 12 વર્ષની ઉંમરમાં તેમણે ગ્લાસ ફિટિંગનું કામ શરૂ કર્યું. ત્યારબાદ થોડા વર્ષો સુધી ટેલરિંગનું કામ કર્યું અને વર્ષ 2000માં 19 વર્ષની ઉંમરે પ્લાસ્ટર ઑફ પેરિસનું કામ શરૂ કર્યું જે આજે પણ તેમની આજીવિકાનું સાધન છે. આ દરમિયાન તેમના લગ્ન થયા અને હાલ ત્રણ બાળકના પિતા છે.

ભૂખી મહિલાના આંસુઓએ દેખાડ્યું સપનું

ભૂખ્યાને જમાડવાના ઘટનાક્રમની જાણકારી આપતા અઝહરે જણાવ્યું કે, 2012માં તે દબીરપુરા રેલવે સ્ટેશનની નજીકથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તેમણે એક મહિલાને અતિશય ખરાબ હાલતમાં જોઈ. તેને પૂછતા ખબર પડી કે, તે બે દિવસથી ભૂખી છે. લક્ષ્મી નામની આ મહિલાને જોઈ અઝહર વિહવળ થઈ ગયા અને તેમણે તાત્કાલિક જમવાનું ખરીદીને આપ્યું. કહેવા માટે તો આ એક નાનકડો કિસ્સો હતો પણ આને તેમને ઘણું બધું વિચારવા માટે મજબૂર કરી દીધા. બીજા દિવસે તે પત્ની પાસેથી જમવાનું બનાવીને લાવ્યા અને રેલવે સ્ટેશન પાસે 15 લોકોને જમવાનું આપ્યું. ત્યારબાદ આ તેમની દિનચર્યાનો ભાગ બની ગયો.

અઝહરનું કહેવું છે કે, ભૂખનો કોઈ ધર્મ નથી હોતો આથી તે દરેક ધર્મ, જાતિ, વર્ગ. ઉંમર અને વિસ્તારના વ્યક્તિઓનું પેટ ભરવા માગે છે. થોડા મહિનાઓ સુધી આવું ચાલતું રહ્યું. આ દરમિયાન જમનારા લોકોની સંખ્યા 50 થઈ ગઈ. અઝહર માટે આટલા લોકોનું જમવાનું ઘરેથી બનાવીને લાવવાનું મુશ્કેલ થઈ જતા તેમણે રેલવેના પુલ નીચે જ જમવાનું બનાવવાની વ્યવસ્થા કરી અને કેટલીક પ્લેટો અને પડિયા લાવ્યા. આજે અહીં 120થી વધુ લોકોને ભોજન આપવામાં આવે છે અને જમવાનું બનાવવા માટે રસોઈયા પણ રાખવામાં આવ્યા છે.

ઘણા અજાણ્યા લોકો પણ આપવા લાગ્યા સાથ

અઝહર જણાવે છે કે, આશરે બે વર્ષ સુધી તેમણે મર્યાદિત સંસાધનો સાથે વધુમાં વધુ લોકોનાં પેટ ભરવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન લોકોને તેમના આ સદકાર્ય વિશે ખબર પડવા લાગી તો કેટલાક પરોપકારી લોકોએ પણ તેમની મદદ કરી. ઘણા લોકો ઑનલાઈન ઑર્ડર કરીને પણ સામાન મોકલવા લાગ્યા. સામાન વધવા લાગતા તેમણે ગાંધી મેડિકલ હોસ્પિટલ બહાર પણ જમાડવાનું શરૂ કર્યું. ત્યાં રોજ આશરે 200 લોકોને જમાડવામાં આવે છે. અઝહર જણાવે છે કે, તે સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. બીજા રાજ્યના કેટલાક શહેરોમાં પણ લોકોએ આ જ પ્રકારનું અભિયાન શરૂ કરવાનો ઈરાદો જાહેર કર્યો તો અઝહરે તેમને પણ દરેક રીતે મદદ કરી.

અઝહરની પહેલથી આજે બેંગલુરુ, રાયચૂર. ગુવાહાટી અને ટાંડૂર સહિત કુલ સાત સ્થળોએ આશરે 7 સ્થળોએ આશરે 1200 લોકોને એક ટંકનું ભોજન કરાવવામાં આવે છે. કહેવાય છે કે, ઉપરવાળો પોતાના બંદાને ભૂખ્યો જગાડે છે પણ ભૂખ્યો સૂવાડતો નથી. આ દુનિયામાં અઝહર જેવા માણસો ભગવાનની આ રહેમત પર વિશ્વાસ અપાવે છે. જોકે, આ પ્રકારે લોકોની નિસ્વાર્થ સેવા કરનારા લોકો વધુ નથી એટલે તેમના આ પ્રયત્નોની પ્રશંસા કરવાની સાથે તેમને શક્ય તેટલો સહયોગ પણ આપવો જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો