ગુજરાતના આ ગામના બાળકો મોબાઈલથી રહે છે દૂર, આ માટે શિક્ષકોએ અજમાવી છે આ ખાસ ટ્રિક

આજના સમયના બાળકોને મોબાઈલથી દૂર રાખવા એટલે જાણે લોઢાના ચણા ચાવવા જેટલું અઘરૂ છે. પરંતુ ઈત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના નાનાકડા ડોડિયા ગામે આ કામ સરળ કરી દીધું. બસ માત્ર સરપંચ અને શિક્ષકોએ બનાવેલાં બાળકોની ઈત્તર પ્રવૃતિના બનાવેલા ક્રિએટીવ કેલેન્ડરથી. આજે ડોડિયા ગામના બાળકો સર્વાંગી વિકાસથી લઈ ગામના વિકાસ સુધી પહોંચ્યા છે. તો જાણી લઈએ આ ક્રિએટીવ કેલેન્ડરના ફાયદા

બાળકને મોબાઈલ છોડાવો આ રહ્યું ક્રિએટીવ કેલેન્ડર

માતા-પિતાનો એક વર્ગ એવો છે જે રડતા બાળકને ચુપ કરાવવા કે પછી જમાડવા માટે બાળકના હાથમાં મોબાઇલ પકડાવી દે છે. જેના કારણે બાળકોની બુદ્ધિ, યાદ શક્તિ, એકાગ્રતા અને માનસિક સ્થિતિ પર વિપરિત અસર પડતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ડોડિયા (ઔષધ) ગામની પંચાયતે શિક્ષકો અને વાલીઓ સાથે મળી બાળકોને મોબાઇલથી દુર રાખવા પહેલ કરી છે. ગામના શિક્ષકોએ મળી દર મહિનાની ઍક્ટિવિટી માટેનું ક્રિએટીવ કેલેન્ડર બનાવ્યું છે. તેઓએ બાળકોને કોઇ જબરજસ્તી વગર બહુ પ્રેમથી ક્રિએટીવ દિશામાં વાળ્યાં છે.

શું છે આ ક્રિએટીવ કેલેન્ડર?

અરવલ્લી જિલ્લાના ડોડિયા ગામમાં 33 શિક્ષકો છે. તેમણે મળીને બાળકોની ઉર્જાને યોગ્ય દિશામાં વાળવા માટે એક કેલેન્ડર બનાવ્યું. જેમાં દર મહિનાના પહેલા રવિવારે ઈત્તર પ્રવૃતિની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ધો. 3થી 5નું એક ગ્રુપ, ધો. 6થી 8નું એક ગ્રુપ અને ધો. 9થી 12નું ગ્રુપ એમ બાળકોના 3 ગ્રુપમાં સ્પર્ધાનું આયોજન થાય છે. જેમ કે એક રવિવારે ચિત્ર સ્પર્ધા હોય, તો બીજા મહિને ક્વિઝ કોમ્પિટીશન હોય. આ પ્રકારની કોમ્પિટીશન માટે બાળક એક મહિનો તેની તૈયારી કરે છે. આ કોમ્પિટીશનથી બાળકના રસના વિષય અંગે પરિવાર તથા તેને ખ્યાલ આવે છે. આ ક્રિએટીવ કેલેન્ડરની શરુઆત જૂન 2018માં કરવામાં આવી હતી.

ઈનામમાં રમત ગમતના સાધનો અપાય છે

સામાન્ય રીતે બાળકો કોઇ સ્પોર્ટ્સ એક્ટિવીટી કરતાં હોય ત્યારે માતા પિતા તેને અભ્યાસ કરવા ટકોર કરે છે. જ્યારે અહીં થતી સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહિત કરવા રમતરમતના સાધનો અપાય છે. સ્પર્ધામાં 1થી 3 નંબર લાવનારા બાળકોની સ્કુલોને જાણ કરાય છે. જેથી સ્કુલો પણ બાળકોની ઉપલબ્ધિ અન્ય વિદ્યાર્થીઓને કહીને તેનો ઉત્સાહ વધારે છે.

બાળકો મોબાઇલ નથી વાપરતા

અહીં વાલીઓ પણ બાળકોની સામે મોબાઇલ વાપરવાનું ટાળે છે. ધો 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ બિલકુલ મોબાઇલ વાપરતા નથી. જ્યારે ધો. 9થી 12ના વિદ્યાર્થીઓને કોઇ અભ્યાસ અર્થે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવી હોય તો અને તો જ તેઓ મોબાઇલ વાપરે છે.

બાળકો કરે છે ગામની સમસ્યાનું સમાધાન

ગામના ડેવલોપમેન્ટ માટે ગામના સરપંચ નાનાભાઇ વાળંદ બાળકો પાસે આઇડિયા માંગે છે. આ અંગે વાત કરતા તેઓ કહે છે કે, આમ કરવાથી તેમને ગામની સમસ્યાનો ખ્યાલ આવે છે. બીજુ તેમને સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે અંગે વિચારતા થાય છે. જેથી તેમની બુદ્ધિમતા વધે છે. જેમ કે અમે પુછ્યું કે ગામમાં એવું તો શું કરીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટીક દૂર કરી શકાય. બાળકોએ કહ્યું ગામમાં 40 ટકા લોકો મજુરી કરી રોજે રોજ કરીયાણું ખરીદે છે. એટલે 10- 15 રુ.ની ચા, તેલ કે મસાલા ખરીદે એટલે એક સાથે 10 પ્લાટિકની કોથળીઓ વપરાય છે. જેના કરતાં ગામના વેપારી સાથે વાત કરી તેમને 10 દિવસનું કરિયાણું એક સાથે બાકીમાં આપીએ તો પ્લાસ્ટીકનો વપરાશ ઘટશે. ગામના સરપંચે વેપારીઓને આમ કરવા મનાવી આઇડિયા અમલમાં મુક્યો.

ગામના પૈસા ગામમાં જ રહે છે

ગામના પૈસા ગામમાં રહે તે માટે રોજગારીની પહેલી તક ગામના લોકોને આપવામાં આવે છે. ગામમાં પશુઓના ચારા માટે ચાલતી પ્રાઇવેટ ઘંટી બંધ થતા ગામના લોકોની જ સાર્વજનિક ઘંટી શરુ કરવામાં આવી છે. બીજુ ગામમાં ફિલ્મ થિએટર બનાવવામાં આવી રહ્યું છે. જેથી મનોરંજનના પૈસા પણ ગામમાં જ રહે.

દેશનું પહેલુ ઔષધ ગામ

આ ગામ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો કે 300 ઘરના આ ગામના કેટલા પૈસા દવાઓમાં ખર્ચ થાય છે. જેમાં તેમણે જાણ્યું કે દર મહિને એક ઘરમાંથી 118 રુ.એમ ગામના રૂ. 8 હજારનો અંદાજીત ખર્ચ દવામાં થાય છે. આ રોકવા ગામમાં 20 ઘરની એક સોસાયટી બનાવી. દરેક સોસાયટીને ઔષધીના નામ આપ્યાં. જેનું સોસાયટીનું નામ તુલસી વન હોય તો એ ફળિયાના 20 ઘરના આંગણે તુલસીનો રોપો મળે. જો અરડુસી ફળિયું હોય તો અરડુસી મળે. એમ બિમારીમાં ઔષધીનો ઉપયોગ કરવા લોકોને વાળ્યાં છે.

ગામના બેરોજગાર માટે સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ અપાશે

ગામના બેરોજગારને રોજગારી આપવા માટે સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ જાન્યુઆરી 2020થી પંચાયત દ્વારા શરુ કરવામાં આવશે. જેમાં 50 પ્રકારના કામ શીખવવમાં આવશે.
સ્ટોરી – ધર્મિષ્ઠા પટેલ, અમદાવાદ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો