જામનગરમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગ લીધો, શહેરના માર્ગો પર રખડતાં ઢોરના રૂપમાં મોત ઘૂમી રહ્યું છે

જામનગર શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા બાબતે મહાનગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં છે ત્યારે શહેરમાં અનેક ગંભીર જીવલેણ અકસ્માતો બની રહ્યા છે. પરંતુ મહાપાલિકાને લોકોના જીવોની પડી નથી તેમ વધુ એક વૃદ્ધનો ભોગ ઢોરે લીધો છે જેમાં પોતાની પત્ની સાથે જઈ રહેલા વૃદ્ધને ખુંટિયાએ હડફેટે લેતા બંને દંપતિ ઘવાયા હતા જેમાં વૃદ્ધનું લાંબા સારવાર બાદ મૃત્યુ થયું છે. જ્યારે વૃદ્ધા હજુ પણ ઢોરના હુમલામાં પથારીવશ થઈને પડ્યા છે. આ ઘટનાથી ઢોરની સમસ્યાનો વિકરાળ અને બિહામણો ચહેરો લોકો સમક્ષ આવ્યો છે.

જામનગર શહેરના રાજમાર્ગો પર ઢોરનું રાજ અકબંધ છે. મહાપાલિકાને જાણે તેઓ ગણકારતા જ ન હોય તેમ તમામ માર્ગો પર તેઓ પોતાની હાજરી નોંધાવે છે અને બેફામ બનીને લોકોને હડફેટે લઈ તેમનાં હાડકાં ભાંગે છે અને ઘણીવાર તો જીવ પણ લે છે છતાં પણ મહાપાલિકાને આની કોઈ ગંભીરતા નથી.આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના ઓશવાળ-2માં રહેતા દામજીભાઈ બુસા (ઉં.વ.75) નામના વૃદ્ધ પોતાની પત્ની સાથે ગત તા.9-3ના રોજ એક્ટિવા મોટરસાઇકલ જીજે-10-સીએ 5848 પર જઈ રહ્યા હતા ત્યારે વિશ્રામ હોટલ પાસે અચાનક ખૂંટિયો ગાડીની વચ્ચે આવીને પડ્યો હતો, જેમાં વૃદ્ધને માથામાં અસંખ્ય ફ્રેક્ચર થઈ ગયાં હતાં અને વૃદ્ધાને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

વૃદ્ધને સારવાર માટે જામનગર અને બાદમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા પરંતુ કોમામાં રહેલા વૃદ્ધ ભાનમાં આવ્યા ન હતા અને બાદમાં તેમનું મૃત્યુ થતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ આ ઘટનામાં વૃદ્ધનો જીવ ગયો અને તેમની પત્ની પથારીવશ બન્યા છે ત્યારે મહાનગરપાલિકાનું ઢોર પ્રત્યેનું વલણ લોકો માટે ધીરે ધીરે જીવલેણ બનતું જાય છે જે ખૂબજ ખતરનાક છે.

અમારા પરિવારને ખૂબ સહન કરવું પડ્યું: પુત્ર
મારા પિતા અને માતા મોટરસાઇકલ પર જતા હતા. તેઓ ઉંમરલાયક હોય એટલે માંડ 20-30ની સ્પીડ પર ગાડી સાઈડમાં ચલાવતા હતા. ખૂંટિયો અચાનક દોડતો તેમના પર પડ્યો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં પિતા એક મહિના જેવો સમય કોમામાં રહ્યા હતા અને વેન્ટિલેટર પર પણ રહ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. માતા પણ પથારીવશ છે. આ ઢોરોના કારણે અમારા પરિવારને ઘણું સહન કરવાનું આવ્યું છે.> નિલેશભાઈ બુસા, વેપારી, જામનગર.

માલિકીનું ઢોર હશે તો ફોજદારી થશે: ડીએમસી
આ ઘટના અંગેની મને જાણ નથી, પણ ક્યા વિસ્તારમાં થઈ છે એ જાણી લઉં છું અને અધિકારીઓ પાસેથી વિગત માંગી લઉં છું. શહેરમાં હાલ રખડતા ઢોરની સાથે ગાયો પણ પકડવાનું ચાલુ છે. આ કિસ્સામાં જો માલિકીનું ઢોર હશે તો ચોક્કસપણે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે.> એ.કે. વસ્તાણી, ડીએમસી, જામ્યુકો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો