આણંદમાં બ્રેઇન ડેડથી મૃત્યુ પામેલી માતાના અંગદાનથી પરિવારે 5 લોકોને નવજીવન આપ્યું

મૃત્યુ પછી અંગદાનથી એક કરતા વધુ લોકોનું જીવન બચાવી શકાય છે. લોકોને અંગદાન વિશે જાગૃત કરવા માટે દેશની અલગ-અલગ સંસ્થાઓ દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવે છે. અંગદાન કરીને વ્યક્તિ મૃત્યુ બાદ પણ અન્ય લોકોમાં જીવતો રહે છે. આવો જ એક કિસ્સો આણંદમાં પણ બન્યો છે. પુત્રોએ પોતાની 75 વર્ષિય માતાના અંગદાનના નિર્ણયથી આજે પાંચ વક્તિઓને નવજીવન મળ્યું છે.

કિડની નડિયાદ, લીવર અમદાવાદ અને આંખોનું મોગરની હોસ્પિટલમાં દાન

આણંદમાં આવેલા એક મોગર ગામમાં પ્રજાપતિ પરિવારના 75 વર્ષીય શારદાબેન મણીલાલ દલવાડીનું 16 નવેમ્બરના રોજ બાથરૂમમાં પડી જતા બ્રેઇન ડેડના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ તેમના પુત્રોને શારદાબેનના અંગોથી 5 લોકોના જીવ બચી શકે છે તેમ સમજાવતા બંન્ને પુત્રો માતાના અંગદાન માટે તૈયાર થઇ ગયા હતા. પરિવારની સહમતીથી વૃદ્ધાને નડિયાદની કિડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શારદાબેનનું ઓપરેશન કરી ડોક્ટરે બે કિડની, લીવર તેમજ તેમની આંખોનું દાન કર્યું હતું. ડોક્ટરે કિડની નડિયાદ, લીવર અમદાવાદ અને બે આંખોને મોગરની હોસ્પિટલમાં દાન કરી હતી. આ અંગદાનથી કુલ પાંચ લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે.

પુત્રોએ પણ ભવિષ્યમાં અંગદાન કરવાનો સંકલ્પ લીધો

બ્રેન ડેડ થતા શારદાબેનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ પુત્રો માતાની હાલત જોઇ શકતા ન હતા. ડોક્ટર દ્વારા અંગદાન વિશે સમજાવવા પર પરિવારે માતાના અંગદાનનો અંતિમ નિર્ણય લીધો. પરિવારને ખુશી છે કે તેમની માતાના અંગોના કારણે આજે 5 લોકોને નવજીવન મળ્યું છે. સાથે જ બંન્ને ભાઇઓએ ભવિષ્યમાં સમાજના અન્ય લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા અને પોતે જ પણ અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે.

કેવી રીતે અંગદાન કરી શકાય?

જો તમે અંગદાન કરવા માગો છો તો તમારે નજીકના હોસ્પિટલમાં જઈને અંગદાન સંબંધિત એક ફોર્મ ભરવાનું રહેશે. હોસ્પિટલમાં ફોર્મ ઉપલબ્ધ ના હોય તો, નેશનલ ઓર્ગન એન્ડ ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ (નોટો)ની વેબસાઈટ પર જઇને પણ આ ફોર્મ ભરી શકાય છે. આ સરકારી વેબસાઈટ છે અને તેનો ટોલ ફ્રી નંબર 1800114770 છે. આ ઉપરાંત તમે NGOની મદદ પણ લઇ શકો છો. એક વાર અંગદાનનો સંકલ્પ લીધા બાદ તેનું કાર્ડ હંમેશા તમારી પાસે રાખવું જોઈએ અને આ કાર્ડ વિશે તમારા પરિવારજનોને માહિતી હોવી જોઈએ.

કેવી રીતે મળે છે અંગ?

ઓર્ગન રિસિપિએન્ટ્સ એટલે જેને અંગની જરૂરીયાત છે, તેનું લિસ્ટ ‘નોટો’ પાસે હોય છે. તેવા લોકો હોસ્પિટલના માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અંગ પ્રાપ્ત કરવા માટે રિસિપિએન્ટ્સની આર્થિક પરિસ્થિતિ મહત્ત્વની ગણાતી નથી. વેઇટિંગ લિસ્ટમાં પ્રાથમિકતા રિસિપિએન્ટ્સની બીમારીને આધારે આપવામા આવે છે. આ ઉપરાંત ડોનર અને રિસીવરની હોસ્પિટલ વચ્ચેનું અંતર પણ મહત્ત્વ રાખે છે. તેનાથી જ નક્કી થાય છે કે કોને અંગ મળશે. બ્લડ ગ્રૂપ મેચ થાય છે કે નહીં તે વાત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

અંગદાન કેટલું સુરક્ષિત?

બ્રેન ડેડ વ્યક્તિના શરીરમાંથી ઓર્ગન કાઢ્યાં બાદ તેને કોઈ નુકસાન પહોંચતું નથી. ડોક્ટર્સ ખૂબ જ સંવેદનશીલ થઇને આ પ્રક્રિયા કરતા હોય છે. કેટલાક લોકોમાં એવી ગેરસમજ છે કે અંગદાન પછી બ્રેન ડેડ વ્યક્તિની અંતિમવિધિ સામાન્ય વ્યક્તિની જેમ કરી શકાતી નથી પરંતુ આ વાત તદ્દન ખોટી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો