સુરતમાં મેરેજ એનિવર્સરીના દિવસે જ મહિલા PSI અમિતા જોશીનો સર્વિસ રિવોલ્વરથી આપઘાત, પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી, એકના એક દીકરાએ માતા ગૂમાવી

ઉધના પોલીસ મથકની પટેલ નગર પોલીસ ચોકીના ચાર્જમાં રહેલા મહિલા પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મેરેજ એનિવર્સરીના દિવસે જ ડાયરીમાં સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લેનારા મહિલા પીએસઆઈ અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચથી કોન્સ્ટેબલમાંથી પરીક્ષા આપીને પીએસઆઈ બન્યાં હતાં. અમિતા જોશીના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે. અમિતા જોશીના આપઘાતના પગલે પાંચ વર્ષનો સંતાને માતા ગૂમાવવાની ફરજ પડી છે.

છેલ્લા સાતેક વર્ષથી પીએસઆઈ તરીકે બજાવતા અને મૂળ ભાવનગરના ઘોઘાના વતની અમિતા જોશી અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ સુરતમાં પીએસાઈ તરીકે સીધા કન્ટ્રોલમાં નોકરી પર ચડ્યાં હતાં. કન્ટ્રોલમાં નોકરી કર્યા બાદ ચારેક વર્ષ જેટલા સમય ગાળાથી તેઓ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં. હાલ તેમની પાસે પટેલ નગર પોલીસ ચોકીનો પણ વધારાનો ચાર્જ હતો.

અમિતા જોશીના પતિ વૈભવ પણ હાલ પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા છે. તેમના પતિ સચિન પોલીસમાં એમટી ડ્રાઈવર તરીકેની ફરજ બજાવી રહ્યાં છે. અમિતાના જોશીના પતિ અગાઉ ભાવનગરમાં ફરજ બજાવતા હતાં. પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ બદલી કરાવીને સુરત આવ્યાં હતાં.

અમિતા જોશી સાથે કામ કરનારા સાથી મહિલા કર્મચારીઓએ કહ્યું હતું કે, તેઓ ખૂબ સાલસ સ્વભાવના હતાં. હંમેશા તમામ લોકોને મદદ કરતાં હતાં. સાથી કર્મચારીઓના પ્રશ્નોને પણ તેઓ સમજતા હતાં. તેમજ મદદ કરવા માટે પણ તત્પર રહેતા હતાં. તેમના આપઘાતને લઈને તેમને ઓળખતા લોકો પણ માની શકતા નથી કે મેડમએ આપઘાત કર્યો હોય.

અમિતા જોશી જ નહીં ગુજરાતમાં અન્ય પોલીસકર્મીઓએ સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી જીવન ટૂંકાવ્યા છે

ગુજરાતમાં પોલીસ અધિકારીઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કર્યાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે આપઘાત કરવાનો સીલસીલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે સર્વિસ રિવોલ્વરથી આપઘાતનો ગુજરાતમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતમાં મહિલા PSIએ અમિતા જોશીનો સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું. અત્યાર સુધી ગુજરાતમાં પોલીસ દ્વારા સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરવાના સંખ્યાબંધ બનાવ બની ચૂક્યા છે. ચિંતાનજક રીતે રાજ્યમાં અવારનવાર સર્વિસ રિવોલ્વરથી આપઘાતના બનાવ બની રહ્યા છે.

શિક્ષકમાંથી પોલીસ બનેલા PIએ ગાંધીનગર સચિવાયલ સંકુલમાં જ સર્વિસ રિવોલ્વરથી આપઘાત

અઢી મહિના પહેલા 19 સપ્ટેમ્બરે સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલે રાત્રે આપઘાત કર્યો હતો. સચિવાલય સંકુલમાં જ બ્લોક નંબર-2ની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં તેમણે સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી દીધી હતી. અગાઉ શિક્ષક તરીકે નોકરી કરતાં પ્રિતેશ પટેલ 2008માં સીધી ભરતીમાં PSI તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા, જે બાદ પ્રમોશનથી PI બન્યા હતા. ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટમાં રહેતા મૂળ બાયડના 41 વર્ષના પી.આઈ પ્રિતેશ પટેલ રોજની જેમ સચિવાલયના સલામતી શાખામાં નોકરી જતાં હતાં પરંતુ તે રાત્રે પરત ગયા ન હતા.

ગાંધીનગરમાં આર્થિક તંગીથી કમાન્ડોએ છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી

ગાંધીનગરમાં સલામતી શાખાના કમાન્ડોએ આર્થિક સંકડામણમાં સર્વિસ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારીને 9 મહિના અગાઉ આપઘાત કરી લીધો હતો. પેથાપુર રહેતાં 53 વર્ષીય કમાન્ડો સાતાભાઈ ચૌહાણ રજા હોવાથી ‘સર્વિસ રિવોલ્વરની સફાઈ કરીને આવું છું’ કહીં ઘરેથી નીકળ્યા હતા, જ્યાંથી તેઓ જ રોડ પર અક્ષરધામની સામે સે-30માં ખંડેર હાલતમાં પડેલાં સરકારી મકાનો પાસે પહોંચ્યા હતા. ખંડેર વિસ્તારમાં કાર જોતા પોલીસે ત્યાં જઈ તપાસ કરતાં કમાન્ડો સાતાભાઈ નીચે પડેલાં મળ્યા હતા.

PMના બંદોબસ્તમાં પહોંચેલા નવસારીના PSIએ સાથીની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો

2019માં 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના વીવીઆઈપી બંદોબસ્તમાં કેવડિયા ખાતે નવસારીના 29 વર્ષીય PSI એન.સી.ફીણવિયાએ પોતાના લમણે પોતાના સાથી PSIની સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. PSI એન.સી.ફીણવિયાએ કેવડિયાના વીવીઆઈપી સર્કિટ હાઉસનાના આગળના ભાગે આપઘાત કર્યો હતો. મૃતકે સાથી PSI એમ.બી.કોંકણી પાસે રિવોલ્વર માગી અને મોટા ભાઈને જ કહ્યું ફોટો પાડ અને એટલું કહેતા જ પિસ્તોલ સામે છાતીના ભાગે રાખી થોડું માથું નમાવી ટ્રીગર દબાવી દીધું.

હળવદના સાપકડાના LRD જવાને સર્વિસ રિવોલ્વરથી કપાળે ગોળી ધરબી

મોરબી હેડ ક્વાર્ટરમાં એલ.આર. ડી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હળવદ તાલુકાના સાપકડા ગામના યુવાને અગમ્ય કારણોસર ચૂંટણીમાં ફરજમાં આવેલી રિવોલ્વર કપાળે ઘરબી ચૂંટણી સમયે જ દોઢ મહિના પહેલા આત્મહત્યા કરી લીધી હતી. સાપકડા ગામના 28 વર્ષીય અનિલભાઈ દાનાભાઈ ડાભી એલ.આર.ડી પોલીસ તરીકે મોરબી હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. તેઓએ રવિવારે ઘરે અગમ્ય કારણોસર રિવોલ્વર ગોળીમારી દેતાં મોત નીપજ્યું હતું. જેને પગલે જિલ્લા પોલીસ વડા, હળવદ પી આઈ, પી‌એસઆઈ અને સ્ટાફના માણસો દોડી આવ્યા હતા.

રાજકોટમાં મહિલા ASIએ પ્રેમી પોલીસકર્મીની હત્યા બાદ આપઘાત કરી લીધો

રાજકોટના કાલાવડ રોડ પરના પંડિત દીનદયાળ આવાસ ક્વાર્ટર્સમાં રહેતી ASI ખુશ્બુ કાનાબાર અને તેના પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની લાશ 10 જુલાઇ 2019ના ખુશ્બુના ફ્લેટમાંથી મળી આવી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતી ASI ખુશ્બુ અને પરિણીત કોન્સ્ટેબલ રવિરાજસિંહ વચ્ચે પ્રેમસંબંધ હતો, રવિરાજસિંહ પરિણીત હોવાને કારણે રાત્રે તેના ઘરે જતો હતો તે મુદ્દે પ્રેમીયુગલ વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી, તા.10 જુલાઇના આ મામલે ફરીથી બોલાચાલી થતાં ખુશ્બુએ પોતાના ઘરે મિત્ર ASI વિવેક કુછડિયાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કરી પ્રેમી રવિરાજસિંહની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ જ રિવોલ્વરથી પોતે આપઘાત કરી લીધો હતો.

મેઘાણીનગરમાં CISFના PSIનો સર્વિસ રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ

અમદાવાદના મેઘાણીનગરમાં પાંચ મહિના અગાઉ CISFમાં ફરજ બજાવતા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. PSIએ સર્વિસ રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કરતા છાતીમાં ગોળી વાગી હતી. PSIને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો