અંજારમાં રોજ સવાર-સાંજ ભુખ્યાને રોટલો અને તરસ્યાને પાણીની સેવા પુરી પાડે છે અલખનો ઓટલો

છેલ્લા 4 વર્ષથી નિરાધારોને 2 ટાઈમ ભોજન, ગાયોને ચારો અને પીવાનું પાણી પૂરું પાડતો અંજારનો ‘અલખનો ઓટલા’ની સેવા થકી રોજના 80 નિરાધાર માનવો અને 100 જેટલી ગાયોને આશરો મળી રહ્યો છે. આ અંગે અંજારના ‘અલખના ઓટલા’ના સંચાલક રામજીભાઈ ધુવાના જણાવ્યા મુજબ અંજાર નગરપાલિકા સામે આવેલ રામદિવપીર મંદિર પાસે છેલ્લા 4 વર્ષની નિરાધારોને 2 ટાઈમ ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. શહેરના લોકોના આર્થિક સહયોગ થકી ચાલુ આ અલખના ઓટલાનું કાર્ય સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.

સંચાલકના જણાવ્યા મુજબ 4 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ કાર્ય ગુપ્ત રાહે કરવામાં આવતું હતું. જરૂરત વારા લોકો પાસે સામેથી જઇને 2 ટાઈમ ભોજન આપી આવવામાં આવતું હતું પરંતુ છેલ્લા 1 વર્ષથી આ કાર્ય જાહેર થઈ જતા અલખના ઓટલા તરીખે ઓળખાતા સ્થળે જ 2 ટાઈમ લગભગ 80 જેટલા લોકોને ભોજન કરાવવામાં આવે છે. ઉપરાંત જે લોકો અલખના ઓટલા પર ભોજન કરવા નથી આવી શકતા તેઓને ટિફિન દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે અને જે લોકો ટિફિન લઈ જવા ઈચ્છે છે તેમને ટિફિન આપી દેવામાં આવે છે. આ તમામ સેવા તદ્દન નિઃશુલ્ક જ આપવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ અલખના ઓટલા પાસે જ અંદાજી 100 જેટલી ગાયો અને ગૌવંશોને ચારો પણ નાખવામાં આવે છે અને તેમને પાણી પીવડાવવા માટે અવાળો પણ બાંધવામાં આવ્યો છે.

આ સેવા જ્યારથી શરૂ કરવામાં આવી છે ત્યારથી જ શહેરના રહીશ લોકો દ્વારા અલખના ઓટલને સેવાકીય કર્યો કરવા માટે ગુપ્ત રાહે ફંડ પણ આપવામાં આવતું હતું અને જ્યારથી આ સેવા જાહેર થઈ છે ત્યારથી ફંડ આપતા લોકોની સંખ્યા પણ વધી છે. આ સેવા કરવા માટે એક છકડો રાખી તેમાં ભોજન રાખી નિરાધાર લોકો પાસે સામેથી ચાલીને આજની તારીખે ભોજન પુરૂ પાડવામાં આવી રહ્યું છે. શહેરના રેલ્વે સ્ટેશન જેવી જગ્યાઓ જ્યાં પરપ્રાંતી ગરીબ લોકો, સાધુ-ફકીરો આવે છે અને તેમને જમવાની સગવડ નથી થઈ શકતી તેવા લોકોને પણ કોઈપણ જાતના નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર ભોજન પહોંચાડી આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

પ્રસુતાને સુખડી અને શિરો પહોચાડાય છે

નિરાધારોને ભોજન ઉપરાંત સરકારી હોસ્પિટલમાં ગરીબ મહિલાઓ કે જે તેના બાળકને જન્મ આપ્યા પછી તેની સંભાળ રાખવામાં અસક્ષમ હોય છે તેવી પ્રસૂતા માટે અલખના ઓટલા દ્વારા સુખડી અને શિરો જ્યાં સુધી પ્રસૂતા હોસ્પિટલમાં હોય છે ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. ઉપરાંત 2 ટાઈમ ભોજન પણ પહોંચાડવામાં આવે છે.

પાગલોને કપડાં પહેરાવી સેવા કરાય છે

આ ઉપરાંત શહેરમાં ફરતા પાગલો કે જે પોતાનું પાલન પોષણ નથી કરી શકતા તેઓને નવડાવી, વાળ કાપી અને સારા કપડાં પણ પહેરાવવામાં આવે છે. આ કાર્ય કરવા માટે અલખના ઓટલાના કાર્યકર્તાઓ દ્વારા હાલે ખૂબ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો