આતંકવાદીઓ સામે બાથ ભીડીને શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ

આતંકવાદીઓ સામે ભીડાતા શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ જેટલા બહાદુર હતા એટલો જ હિંમતવાળો તેમનો પરિવાર પણ છે. પુત્રની શહીદીના સમાચાર આવતા પિતાએ એટલું જ કહ્યું કે “અમે અમારો પુત્ર ગુમાવ્યો છે, બીજા કોઈએ ન ગુમાવવો પડે.” સેનામાં ભરતી સમયે સૈનિક દેશની સુરક્ષાની શપથ લે છે. શહીદી વહોરીને અજય કુમારે પોતાના દેશ પ્રત્યેના વાયદાને નિભાવ્યો પરંતુ પોતાની ગર્ભવતી પત્ની, માતા અને બહેનને કરેલા વાયદા પૂરા નહતા કરી શક્યા.

પુત્રના જન્મ સમયે હાજર નહતા રહી શક્યાઃ

અજય કુમારે પોતાની ગર્ભવતી પત્નીને વાયદો કર્યો હતો કે તે પોતાના પુત્રના જન્મ સમયે હાજર નહતા રહી શક્યા પણ આ વખતે જરૂર હાજર રહેશે. 2015માં અજયના લગ્ન પ્રિયંકા સાથે થયા હતા. જ્યારે 2016માં પ્રિયંકાએ આરવને જન્મ આપ્યો ત્યારે અજય આંદામાનમાં તૈનાત હતા. તેમણે પત્નીને વાયદો કર્યો હતો પણ રજા ન મળતા આવી નહતા શક્યા. આરવના જન્મ પછી બે મહિને તે ઘરે આવ્યા ત્યારે બધાએ ફરિયાદ કરી હતી તો અજયે જવાબ આપ્યો કે, “હું સેનામાં છું, આટલું તો સહન કરવું જ પડશે.”

ગર્ભવતી છે પત્નીઃ

પ્રિયંકાને અત્યારે પાંચમો મહિનો ચાલી રહ્યો છે. ચાર જાન્યુઆરીએ અજય રજા પર આવ્યા ત્યારે તેમણે વચન આપ્યું હતું કે આ વખતે ફરિયાદનો મોકો નહિ આપે. પરંતુ સોમવારે સવારે આવેલી ખબરે બધા વાયદાના ચૂરેચૂરા કરી નાંખ્યા હતા. પ્રિયંકાની બસ એક જ ફરિયાદ છે કે, આ વખતે તો તારે તારુ વચન પાળવુ હતુ! મોટા દીકરાને તો તે થોડો સમય જોઈ પણ લીધો, પણ એ માસૂમનું શું જે હજુ દુનિયામાં પણ નથી આવ્યું?

પુત્રને બનાવવા માંગતા હતા આર્મી ઑફિસરઃ

જો કે અજયના પત્ની તેમના બાળકને પણ સેનામાં જ ભરતી કરવા માંગે છે. તેણે કહ્યું કે અજય કુમાર ઘણીવાર કહેતા કે હું તને પોતાની જેમ સિપાહી નહિ બનાવું પણ બોર્ડિંગ સ્કૂલમાં ભણાવી સેનામાં ઑફિસર બનાવીશ. પ્રિયંકાએ કહ્યું કે તે પતિનું આ સપનુ પૂરુ કરશે.

પુત્ર કરી રહ્યો છે પપ્પા સાથે વાત કરવાની જીદઃ

અઢી વર્ષના આરવને તો એ પણ ખબર નથી કે તેના પિતા કેટલા બહાદુર સિપાહી હતા. તે જ્યારે પણ રજા પર આવે તો પુત્ર માટે રમકડા લાવતા. આરવ એટલો નાનો છે કે તેને શું થયું છે તે પણ સમજ નથી પડતી, તે બીજાને રડતા જોઈને રડવા માંડે છે. તે પપ્પા સાથે વાત કરવાની જીદ કરી રહ્યો છે પણ તેને કોણ સમજાવે કે હવે તે ક્યારેય પપ્પાનો અવાજ નહિ સાંભળી શકે?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો