માંડવીના દરિયામાં સ્પીડ બોટ ડૂબતાં અમદાવાદની મહિલાનું મોત, સેલ્ફીના ચક્કરમાં સર્જાઈ દુર્ઘટના

માંડવી બીચ પર આડેધડ ચાલતા વોટર સ્પોર્ટ્સ સામે સુરક્ષાના અનેક પ્રશ્નો છે. અવારનવાર ગંભીર ઘટનાઓ બનતી હોવા છતાં કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. એના પરિણામે ઉત્તરાયણના દિવસે વધુ એક કરુણ ઘટના બની હતી. દરિયામાં સ્પીડ બોટ ઊંધી વળતાં અમદાવાદથી આવેલા એક જ પરિવારના પાંચ સભ્યો ડૂબ્યા હતા, જેમાં ચારનો બચાવ થયો હતો, જ્યારે મહિલાનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ બહાર આવી કે દરિયામાં સેલ્ફી લેતી વખતે સંતુલન બગડતાં બોટ ઊંધી વળી હતી. વળી, મહિલાએ લાઇફ જેકેટ પહેર્યું હોવા છતાં સમુદ્રના મોજાને કારણે વધારેપડતું પાણી પી જતાં તેમણે જીવ ગુમાવ્યો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ અમદાવાદના મણિનગર ખાતે રહેતો પરિવાર માંડવી બીચ પર ફરવા આવ્યો હતો. જેમાં બેલાબેન ગિરીશભાઇ ઠક્કર (ઉ.વ.51) તેમના પતિ ગિરીશભાઇ ઠક્કર (ઉ.વ.55), હિતેશભાઇ ઠક્કર (ઉ.વ.55), ભાવનાબેન હિતેશભાઇ ઠક્કર (ઉ.વ.53), હિતાશીબેન ઠક્કર (ઉં.વ.16)નામના સભ્યો વોટર સ્પોર્ટ્સની ઇચ્છાથી લાઇફ જેટેક પહેરી સ્પીડ બોટમાં સવાર થયા હતા. પરિવાર સમુદ્રના મોજા પર ઝડપથી તરતી બોટમાં આંનદ લઇ રહ્યો હતો. ત્યારે જ બપોરે 12.45 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી.

અચાનક બોટ ઊંધી વળી ગઇ હતી. જેના પગલે પાંચ પ્રવાસી અને બોટ સંચાલક દરિયામાં ડૂબી ગયા હતાં. જોકે રાડા-રાડ થતાં અન્ય બોટની મદદથી ડૂબતા પ્રવાસીઓને બચાવવામાં આવ્યા હતા. જોકે બેલાબેન ઠક્કર વધુ પડતુ પાણી પી જતા મોતને ભેટ્યા હતા. તમામને કિનારે લઇ આવી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં બેલાબેનને મૃત જાહેર કરાયા હતા. જોકે અમદાવાદનો આ પરિવાર પોલીસમાં કોઇ ફરિયાદ કરવા તૈયાર ન હોવાથી પોલીસે વોટર સ્પોર્ટ્સના સંચાલકના નિવેદન લીધા હતા. જેમાં મૃતક મહિલા જ પોતે સેલ્ફી લેતી હોવાથી તેનું સંતુલન બગડ્યું હતું. તેને બચાવવા જતા બોટે સંતુલન ગુમાવ્યું હતું. જેના પગલે બોટ ઊંધી વળી ગઇ હતી.

ડૂબેલા સભ્યોને અન્ય બોટ કાંઠે લઇ આવતાં દીકરી બોલી મારી માતા ક્યાં?

આ દૂર્ઘટના સર્જાઇ ત્યારે ત્યાં હાજર અને નજરે જોનારા માધાપરના રાજેન્દ્રભાઇ જેઠીએ જણાવ્યું હતું કે, જ્યારે બોટ ડુબવાનો બનાવ બન્યો ત્યારે લોકોને બચાવવા માટે કોઇ અન્ય બોટ કાંઠા પર હાજર ન હતી. દરિયા પાસે પ્રવાસીઓને ફેરવી રહેલી બોટ કાંઠા પર આવી મુસાફરોને ઉતારીને તરત ડુબતા લોકોને બચાવવા દરિયામાં ગઇ હતી. દરિયામાં ઊંધી વળેલી બોટમાંથી ડુબેલા અમદાવાદના પરિવારને કાંઠે લઇ ગઇ હતી, ત્યારે બોટમાંથી ઉતરતી વખતે દીકરી બોલી કે, મારી માતા ક્યાં છે ? તેથી તાત્કાલિક બોટ ફરી દરિયામાં જે જગ્યા પર બનાવ બન્યો હતો ત્યાં જઇ આસપાસ તપાસ કરીને મહિલાને શોધી કાઢી હતી. મહિલાને કાંઠે લઇ આવી હોશમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. પાણી પી ગયેલી મહિલાને પંપીંગ કરીને લોકોએ પાણી કાઢવાનો પ્રસાસ કર્યો હતો, પરંતુ મહિલાએ જીવ છોડી દિધો હતો.

પ્રવાસીઓને જીવના જોખમે સમુદ્રમાં લઇ જતી આવી સ્પીડ બોટના સંચાલકો પાસે કાયદેસરની મંજૂરી કે જરૂરી પ્રમાણપત્ર છે કે કેમ તેની તપાસ સમયાંતરે કરવી જરૂરી છે. આવા ઓપરેટર પાસે નેશનલ ઇસ્ટિટ્યુટ ઓફ વોટર સ્પોર્ટ્સ અથવા તેની સમક્ષક સંસ્થાનું લાઇફ સેવિંગ ટેકનિકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

કિનારા પર વોચ ટાવર સહિતની સુવિધાઓ હવે વિકસાવવી જરૂરી

માંડવી બીચ પર તહેવારો તો ઠીક સામાન્ય દિવસોમાં પણ પ્રવાસીઓની ભીડ રહે છે. ત્યારે હવે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઇ વોચ ટાવર સહિતની સુવિધા જરૂરી છે. ખરેખર આ અંગે નિયમ હોવા છતાં વોચ ટાવર ઉભા કર્યા વગર વોટર સ્પોર્ટ્સની મંજૂરી આપવામાં આવી રહી છે. હાલમાં જ બીચ વોટર સમિતિ પણ બનાવામાં આવી છે. આ સમિતિએ પણ સુરક્ષાના મુદે કઇ પણ પગલા ભર્યા નથી.

પાણીમાં ગરકાવ થયેલી બોટ બીજા દિવસે પણ ન મળી !

આ ઘટનામાં જે બોટ ઊંધી વળીને પાણીમાં ડૂબી ગઇ હતી તેનો બીજા દિવસે પણ કોઇ પતો લાગ્યો નથી ! પ્રવાસીઓના પર્સ તથા મોબાઇલ સહિતના સાધનો પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો