સરકારના આદેશની ઐસી કી તૈસી, પીયુસી કઢાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સરકાર દ્વારા સમય આપવામાં આવ્યો છે છતાં પણ ટ્રાફિક પોલીસ પીયુસીનો દંડ ફટકારે છે

અમદાવાદ: રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા દંડનો અમલ શરૂ થઈ ગયો છે. ગઈકાલે પોલીસે નવા દંડ મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો. પીયુસી વગરના વાહનચાલકોને પીયુસી કઢાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સરકાર દ્વારા સમય આપવામાં આવ્યો છે. છતાં પણ ગઈકાલે સરકારના આદેશની પોલીસે ઐસી કી તૈસી બે વ્યક્તિઓ પાસેથી પીયુસી ન રાખવા બદલ 500-500 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. 16 સપ્ટેમ્બર 2019 થી ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ સરકારે દંડની રકમ વધારી દીધી હતી. આ એક જ દિવસમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા 1900 વાહન ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે રૂ.7.02 લાખ દંડ વસુલ કર્યો હતો. જ્યારે જૂના નિયમ પ્રમાણે તા.15 સપ્ટેમ્બરે ટ્રાફિક પોલીસે 6116 વાહન ચાલકો પાસેથી રૂ.6.89 લાખ દંડ વસુલ કર્યો હતો. આમ એક જ દિવસમાં નવા નિયમ પ્રમાણે દંડ ભરનારા વાહન ચાલકોની સંખ્યા 3 ગણી ઓછી થઇ છે, તેમ છતાં દંડની રકમમાં વધારો થયો છે. જો કે સામાન્ય દિવસોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સરેરાશ 5થી 6 હજાર વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવે છે. જેની સરખામણીમાં દંડના નવા નિયમોના પહેલા જ દિવસે 1900 કેસ કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં પહેલા દિવસે 7 લાખનો દંડ વસૂલાયો

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ગઈકાલે 1900 લોકો પાસેથી 7,02,850નો દંડ વસુલ કર્યો છે. જેમાં પીયુસી વગરના 2 લોકોને 1000નો દંડ, હેલ્મેટ વગર 622 લોકો પાસેથી 3,11,000 રૂપિયા દંડ, સીટ બેલ્ટ વગર 226 લોકો પાસેથી 1,13,000 રૂપિયા દંડ અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાનો 9 લોકોને 5000 રૂપિયા દંડ વસૂલાયો છે.

વાહનચાલકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ

આ વિશે વાત કરતા ટ્રાફિક ડીસીપી તેજસ પટેલે જણાવ્યું હતુ કે અમારો ઈરાદો વાહન ચાલકો પાસેથી દંડની વધારે રકમ વસુલ કરવાનો નથી. પરંતુ વાહન ચાલકોમાં જાગૃતિ આવે અને તેઓ જાતે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય. જો કે નવા નિયમ પ્રમાણે વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવાની સાથે વાહન ચાલકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે હાલમાં અને આગામી દિવસોમાં અમારા દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવશે.

124 સરકારી કર્મચારી પાસેથી 13 હજાર દંડ લેવાયો

સરકારી વાહનો માટે ટ્રાફિક વિભાગ તરફથી ગઈ તા 7થી14 સપ્ટેમ્બર સુધીમાં સ્પેશીયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન ટ્રાફિક પોલીસના હાથે કુલ 124 સરકારી કર્મીઓ દંડાયા હતા. સરકારી કર્મીઓ પાસેથી 13,100 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. સોમવારે પીયુસી વગર 2 વાહન ચાલક પાસેથી રૂ.1 હજાર, વીમા વગર 2 વાહન ચાલક પાસેથી રૂ.3 હજાર, કાગળ વગર 7 વાહન ચાલક પાસેથી રૂ.3500 અને નંબર પ્લેટ વગરના 1 વાહન ચાલક પાસેથી રૂ.500 દંડ વસુલ કર્યો હતો. કાગળો અને નંબર પ્લેટ વગર માત્ર 12 જ કેસ કરાયા હતા.

રૂપાણીની સરકારી કારનો વીમો અને ફિટનેસ સર્ટિ વેલિડ હોવાની સ્પષ્ટતા

ભાજપે સ્પષ્ટતા કરી છે કે મુખ્યમંત્રી રૂપાણીની સ્કોર્પિયોનો વીમો ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી વેલીડ છે. તેની ફિટનેશ પણ ૧૦ એપ્રિલ ૨૦૨૯ સુધીની છે. સોશિયલ મીડિયામાં જે મેસેજ ફોટોગ્રાફ્સ સાથે વાઈરલ કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો